ઘાયલ પ્રેમી: સાહેબ એ મારૂ દિલ ચોરી ગઈ છે, તમે મદદ કરીને પાછુ અપાવોને!

લોકો પ્રેમમાં ગાંડા થઈ જાય એ વાત તમને આ ઘટના જાણ્યા પછી પાક્કી ખબર પડી જશે. મહારાષ્ટ્રના નાગપુરની પોલીસ એ સમયે મુંઝવણમાં મૂકાઈ હતી જ્યારે એક વ્યક્તિએ તેમનો સંપર્ક કરીને તેનું ‘હૃદય’ ચોરી થઈ ગયાની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં આ વ્યક્તિએ પોલીસને એવી વિનંતી કરી હતી કે એક છોકરીએ તેનું હૃદય ‘ચોરી’ કરી લીધું છે અને તે ઇચ્છી રહ્યો છે કે પોલીસે તેને પાછું અપાવે!

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં વાહન, સામાન કે અન્ય કોઈ વસ્તુઓ ચોરી થતી હોવાની ફરિયાદો આવતી હોય છે. પરંતુ આ અજબ-ગજબ કેસમાં તો ખુદ પોલીસ ફિક્સમાં મૂકાઈ ગઈ હતી. હાજર પોલીસકર્મીએ વ્યક્તિની વાત સાંભળીને તેના ઉપરી અધિકારીની મદદ તેમજ સલાહ માંગી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે નાગપુર શહેરના એક પોલીસ મથક ખાતે તાજેતરમાં આવો કેસ સામે આવ્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે ફરિયાદી વ્યક્તિ સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેને સમજાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયન પીનલ કોડમાં આવી કોઈ જોગવાઈ નથી કે જે તમારું ચોરાયેલું હૃદય પરત અપાવી શકે.

અંતમાં પોલીસે ફરિયાદીને કહ્યું હતું કે તેની સમસ્યાનું અમારી પાસે કોઈ સમાધાન નથી. બાદમાં વ્યક્તિને પરત મોકલી દેવામાં આવ્યો હતો. આ અજબ ગજબ બનાવ અંગે નાગપુર પોલીસ કમિશ્નર ભૂષણ કુમાર ઉપાધ્યાયે ગયા અઠવાડિયે માહિતી આપી હતી. અહીં એક યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી રૂ. 82 લાખનો કિંમતી સામાન તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતા, કમિશ્નર ઉપાધ્યાયે હળવી શૈલીમાં કહ્યું કે, “અમે ચોરાયેલો સામાન પરત અપાવી શકીએ છીએ, પરંતુ ક્યારેક અમને એવી ફરિયાદો મળે છે જેનું સમાધાન અમારી પાસે પણ નથી હોતું.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter