GSTV

અનામતનું હાડકું ભરાયું, સરકારે સુધારા સાથે પરિપત્ર કરવાનું ટાળ્યું

ગુજરાત

એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે સરકારને ગળે હવે હાડકું ભરાયું છે. અનામત અને બિન અનામત વર્ગના ઉમેદવારોએ ગાંધીનગરમાં સામસામે આંદોલન છેડયું છે ત્યારે હવે મામલો એટલી હદે ગૂંચવાયો છેકે, સરકારે સુધારા સાથે પરિપત્ર કરવાનું ટાળ્યુ છે. હાઇકોર્ટમાં ખાતરી આપી હોવા છતાંય સરકાર કોઇ નિર્ણય લઇ શકી નથી . હવે તો સત્યાગ્રહ છાવણીએ એક જ વાત છે કે,અનામત મુદ્દે કોણ બાજી મારશે અને કોની જીદ સામે સરકાર ઝૂકશે પરિણામે વર્ગવિગ્રહની પરિસ્થિતી નિર્માણ થઇ રહી છે.

એલઆરડીની ભરતીમાં છેલ્લા 66 દિવસથી અનામત વર્ગના ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ આંદોલન કરી રહ્યાં છે તેમાં ય ખુદ ભાજપના સાંસદો,ધારાસભ્યો અને મંત્રીઓની રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ એવી ખાતરી આપી હતીકે, તા.1-8-18ના પરિપત્રમાં સુધારો કરાશે. મુખ્યમંત્રીની આ ખાતરી બાદ જ બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો ય રસ્તા પર ઉતરી છે.

તેમણે ગાંધીનગરમાં ડેરાતંબુ તાણીને આંદોલન શરૂ કર્યુ છે. તેમણે ય ચિમકી ઉચ્ચારી છે કે, જો પરિપત્રમાં સુધારો કરાયો તો રાજ્યવ્યાપી આંદોલન કરાશે. આજે જ્યારે બિન અનામત વર્ગની મહિલાઓએ સચિવાલયમાં જઇને રજૂઆત કરવાની જીદ કરી હતી. અને કુચ કરવાનુ એલાન કરાતાં સચિવાલયના બધાય દરવાજા બંધ કરી દેવાયા હતાં. પાટનગરના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આખરે સરકારે બિન અનામત વર્ગના પ્રતિનીધીઓને વાતચીત કરવા આમંત્રણ પાઠવ્યુ હતું. મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે પ્રતિનીધીઓની બે કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં એક જ સૂર રહ્યો હતોકે, સરકાર પરિપત્રમાં સુધારો કરે નહીં. આખરે બેઠકના અંતે નાયબ મુખ્યમંત્રીએ પણ હાથ ખંખેરી નાખ્યાં હતાં અને એવુ કહ્યું કે, તમારી વાત-લાગણી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાશે તે આખરી નિર્ણય કરશે.આમ, કોઇ ચોક્કસ નિરાકરણ ન આવતા બિન અનામત વર્ગના ઉમેદવારોએ આંદોલન જારી રાખ્યુ હતું.

આ તરફ, મોડી સાંજે સુધારા સાથે પરિપત્ર થઇ જશે તેવી વાત હતી. એટલું જ નહીં, સરકાર વતી હાઇકોર્ટમાં ય ખાતરી અપાઇ હતી કે, ગુરૂવારે નવો પરિપત્ર થઇ જશે. વિવાદ વકરતા સરકારે પરિપત્ર કરવાનું ટાળ્યું હતુ જેના કારણે અનામત વર્ગની ઉમેદવારોને સરકાર પરથી ભરોસો ઉઠયો હતો. આ જોઇને અનામત વર્ગની મહિલાઓ ય જીદે ચડી છે કે, સુધારો નહીં પણ જયાં સુધી ઠરાવ રદ ન થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે. આમ, ટ્રમ્પના આગમન વખતે જ ગુજરાતમાં આંદોલન ધમધમ્યાં છે. હવે સરકારની અગ્નિપરિક્ષા છેકે, તે પરિપત્રને સુધારો છે કે પછી યથાવત રાખશે.

સમગ્ર પ્રશ્ન મુખ્યમંત્રી રૂપાણીની કોર્ટમાં, આજે નિર્ણય લે તેવી શક્યતા

અનામતના પેચમાં સરકાર બરોબર ફસાઇ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ બિન અનામત વર્ગના ઉમેદવારો સાથે વાટાઘાટો કર્યા બાદ જાણે હાથ ઉંચા કરી લીધા હતા જેના કારણે દડો મુખ્યમંત્રીના કોર્ટમાં પડયો હતો. સૂત્રો કહે છે કે, શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કાયદાવિદોના અભ્યાસ બાદ નિર્ણય લઇ શકે છે. બિન અનામત વર્ગના ઉમેદવારોની પણ સરકારના નિર્ણય પર નજર ઠરી છે. જો અનામત મુદ્દે પરિપત્રમાં સુધારો થશે તો આંદોલન વકરી શકે છે.

પાટનગરમાં આંદોલન ચાલતું હોવા છતાં મંત્રીઓ કાર્યક્રમમાં વ્યસ્ત

પાટનગર ગાંધીનગરમાં અનામત અને બિન અનામત વર્ગ આમને સામને આવ્યાં છે. આદિવાસીઓ ય ખોટા પ્રમાણપત્રોના મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. ગાંધીનગર જાણે આંદોલનની નગરી બન્યું છે ત્યારે આજે સચિવાલયમાં કોઇ મંત્રી ડોકાયાં જ ન હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મોટા ભાગના મંત્રીઓ વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતાં. સચિવાલય જાણે સૂમસામ બની રહ્યુ હતું. જોકે, બિન અનામત વર્ગની મહિલાઓએ સચિવાલય તરફ કૂચ કરવાનુ એલાન કરતાં પાટનગરના માહોલમાં ગરમાવો આવ્યો હતો. મહિલા ઉમેદવારોને સચિવાલયમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવાની જીદ કરી હતી. આખરે અનામતનો મુદ્દો એટલો ગરમાયો કે,ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આંદોલનકારીઓ સાથે વાત કરવા સચિવાલય દોડી આવવુ પડયુ હતું.

બિન અનામત વર્ગના ઉમેદવારોનું સરકારને આજ સુધીનુ અલ્ટીમેટમ

સરકાર સાથેના વાટાઘાટો બાદ પણ કોઇ નિરાકરણ આવ્યુ નથી જેના પગલે બિન અનામત વર્ગના ઉમેદવારોએ સરકારને શુક્રવાર સુધીનુ અલ્ટીમેટમ આપ્યું છે.જો સરકાર યોગ્ય નિર્ણય નહી લે તો જિલ્લા તાલુકા મથકોએ આવેદનપત્ર આપીને આખાય રાજ્યમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની મહિલાઓએ આંદોલન શરૂ કરી દીધું છે. આ જોતાં આ ંઆંદોલન હજુ ઉગ્ર બને તેવી ભિતી છે.

જો સરકાર 24 કલાકમાં પરિપત્ર રદ નહીં કરે તો મહેસાણા બંધનું એલાન

અનામતનું કોકડું એટલી હદે ગૂંચવાયું છેકે, અત્યારે અનામત અને બિન અનામત વર્ગના લોકો આમને સામને આવ્યાં છે. બિન અનામત વર્ગની મહિલાઓ પરિપત્રમાં સુધારો નહી કરવાની માંગ સાથે આંદોલન કરી રહી છે ત્યારે બંધારણીય અનામત બચાવો સમિતીએ એલાન કર્યુ છેકે, જો સરકાર 24 કલાકમાં એલઆરડી ભરતી મુદ્દે પરિપત્ર રદ નહી કરે તો મહેસાણા બંધનુ એલાન આપવામાં આવશે. અનામત ઑદોલનને સમર્થન આપનારી સંસ્થાએ સરકારે માત્ર 24 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ છે.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan

ગુજરાતમાં આ જિલ્લાના આખા બે ગામ હોમક્વોરંટાઈનમાં, આ હતું કારણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!