GSTV

દેશના ટોપના ઓલરાઉન્ડર પાસે સ્વેટર ન હતું, સાથી ક્રિકેટર પાસેથી ઉછીનું લઈ મેદાનમાં ઉતર્યો હતો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી વેલિંગ્ટનના બાસેલ રિઝર્વ ગ્રાઉન્ડ ખાતે શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૃ થશે. આ જ મેદાન પર બરોબર ૩૯ વર્ષ પહેલા ભારતીય ટીમના કોચ અને ભૂતપૂર્વ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીને ટેસ્ટ કેપ મળી હતી. શાસ્ત્રીએ ભૂતકાળના સંભારણા વાગોળતા કહ્યું હતુ કે, ભારતની ટીમ ૧૯૮૧માં ન્યૂઝીલેન્ડ પ્રવાસે હતી અને હું રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ રમી રહ્યો હતો. અમને જ્યાં ઉતારો આપવામાં આવ્યો હતો તે ગેસ્ટ હાઉસના ગેટ કિપરે મને સમાચાર આપ્યા કે, તારી પસંદગી ભારતીય ટીમમાં થઈ છે. યોગાનુંયોગ શાસ્ત્રીને ટેસ્ટ કેપ મળી તે પણ ૨૧મી ફેબુ્રઆરીએ જ શરૃ થઈ હતી. શાસ્ત્રી ત્યારે કાનપુરમાં રણજીની ક્વાર્ટર ફાઈનલ રમી રહ્યા હતા.

શાસ્ત્રીને યાદ આવી 39 વર્ષ પહેલાની પરફોર્મન્સ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ ખેડી રહેલી ભારતીય ટીમના સ્પિનર દિલીપ દોશી ઈજાગ્રસ્ત બનતાં શાસ્ત્રીને તાબડતોબ ન્યૂઝીલેન્ડ બોલાવવામાં આવ્યા હતા. જે અંગેના સંભારણા શાસ્ત્રીએ ચેતેશ્વર પુજારા સાથેની વાતચીતમાં વાગોળ્યા હતા.શાસ્ત્રીએ કહ્યું કે, ૩૯ વર્ષ પહેલાની આ વાત છે. કહેવાય છે ને કે જે જાય છે, તે પાછું પણ આવે છે. આવતીકાલે હું એ જ દિવસે, એ જ મેદાન પર, એ જ શહેરમાં અને એ જ ટીમની સાથે હોઈશ. મેં ૩૯ વર્ષ પહેલા ટેસ્ટ પ્રવેશ કર્યો હતો. આ બાબતને હું માની શકતો નથી. ડ્રેસિંગરૃમ હજુ એવો જ એવો જ છે, જેવો ૩૯ વર્ષ પહેલા હતો.

ભૂતકાળ વાગોળ્યો

ભારતીય ટીમના કોચે ભૂતકાળને વાગોળતાં કહ્યું કે, મારી પાસે સ્વેટર પણ નહતું. હુ પોલી ઉમરીગરનું સ્વેટર પહેરીને રમ્યો હતો. હું રવાના થાઉં તે પહેલા તેમણે મને સ્વેટર પકડાવી દીધું હતુ, જે મારા ખુબ જ કામમાં આવ્યું. હું ન્યૂઝીલેન્ડ પહોંચ્યો ત્યારે ભારતીય ટીમ તો હાઈ કમિશન ખાતે ગઈ હતી. સ્વ. બાપુ નાડકર્ણી મને એરપોર્ટ પર લેવા આવ્યા હતા. હું સીધો જ હોટલના રૃમમાં પહોંચ્યો, જ્યાં કોઈ નહતુ. બીજા દિવસે સવારે તો ટેસ્ટ શરૃ થઈ અને સની ટોસ હારી જતાં અમારે ફિલ્ડિંગમાં ઉતરવું પડયું.

કારકિર્દીની પ્રથમ મેચમાં શાસ્ત્રીએ અનુક્રમે ૫૪ રનમાં ૩ અને ૯ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. ન્યૂઝિલેન્ડ તે ટેસ્ટમાં ૬૨ રનથી જીત્યું હતુ. આ પછી શાસ્ત્રી ૧૧ વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો અને તેણે ૮૦ ટેસ્ટ અને ૧૫૦ વન ડેમાં ભાગ લીધો હતો. શાસ્ત્રીએ ઊમેર્યું કે, હું પણ કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતાં નર્વસ હતો. મેં અસરકારક બોલિંગ નાંખી અને જેરેમી કોનેયની વિકેટ ઝડપી હતી. નોંધપાત્ર છે કે, ૧૯૮૫માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બેન્સન એન્ડ હેજીસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં શાસ્ત્રીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને તે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ બન્યો હતો અને તેને ઓડી ૧૦૦ સેડાન કાર ભેટમાં મળી હતી.

Read Also

Related posts

Video: લોકડાઉનમાં ગીરના રસ્તા સુમસામ બનતા જંગલના સિંહો રોડ ઉતર્યા

Ankita Trada

અમદાવાદમાં કોરોના પોઝિટીવ આવેલા 5 વ્યક્તિઓના નામ અને સરનામા થયા જાહેર, રાખજો સાવચેતી

Karan

પીએમ મોદીએ ભલે લાઈટો બંધ કરવાનું કહ્યું પણ તમે ના કરતા આ ભૂલો, નહીં તો થશે મોટુ નુક્સાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!