હાર્દિકની લોકસભાની ચૂંટણી લડવાના નિર્ણય પર બાંભણિયાની આવી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું સમાજ સાથે દ્રોહ

કોંગ્રેસે પાસ કન્વિનર હાર્દિક પટેલને અમરેલી બેઠકથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર કરી છે. ત્યારે યુપીના લખનઉંમાં સંબોધન કરતા હાર્દિકે કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણીમાં ઝંપલાશે. જોકે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.જોકે, તે અમરેલી અથવા મહેસાણામાંથી ચૂંટણી લડશે એ ફાયનલ છે. કારણ કે આ જ 2 બેઠકો છે ત્યાં પાસનું આજે પણ અસ્તિત્વ છે. યુપીમાંથી હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની વાત કહી છે. ત્યારે હાર્દિક પટેલના આ નિવેદન પર પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, સમાજની માંગો પૂરી થઈ નથી. પાસ આંદોલનમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી.ત્યારે ચૂંટણી લડવાનો નિર્ણય સમાજ સાથેનો દ્રોહ ગણાય.

વિધાનસભામાં ભાજપને પછાડવા માટે કોંગ્રેસને ભારે મદદ કરી હતી

હાર્દિક પટેલે વિધાનસભામાં ભાજપને પછાડવા માટે કોંગ્રેસને ભારે મદદ કરી હતી. પાસનું આજે મજબૂત અસ્તિત્વ ન હોવા છતાં હાર્દિક પટેલનો પડતો બોલ ઝિલવા માટે પાટીદાર યુવાનો આજે પણ તૈયાર છે. ગુજરાતમાં પાસનું સૌથી વધુ સક્રિય આંદોલન મહેસાણા, સુરત અને અમરેલીમાં ચાલી રહ્યું છે. આજે ભલે સરકારે આ આંદોલનને દાબી દેવામાં સફળતા મેળવી છે પણ જો સવર્ણોને અનામત મામલે ફરી વિવાદ થયો તો આ 3 જિલ્લામાં ભડકા થવાની પૂરી સંભાવના છે. એટલે જ ભાજપ પણ અમરેલી અને મહેસાણાની સીટ કોંગ્રેસને ફાળે જશે તેવા ગણિતો માંડીને બેઠી છે. હાલમાં અમરેલી બેઠક પરથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે. કોંગ્રેસે આ બેઠક ઓફર પણ કરી છે.

મહેસાણા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

હાર્દિક પટેલનું કદ હવે ધીમેધીમે વધી રહ્યું છે. હાર્દિકે લખનૌની રેલીમાં લોકસભાની ચૂંટણી લડવાનો ઇશારો કર્યો છે. કોંગ્રેસ તેને અમરેલીની બેઠક ઓફર કરી હોવાની ચર્ચા છે. જોકે, હાર્દિક માટે સેફ બેઠક મહેસાણા પણ છે. ભાજપ પાટીદાર સામે પાટીદારનું પત્તું ખેલશે એ નક્કી છે. ઊંઝામાં નારાયણ કાકાને ઘરભેગા કરી દેનાર આશાબેન પટેલ પાસના સમર્થક છે. મહેસાણા બેઠક પર આજે પણ પાટીદારોનું પ્રભુત્વ છે. હાર્દિક મહેસાણાથી પણ લડી શકે છે. મહેસાણામાં સૌથી મોટો માઈનસ પોઇન્ટ એ એસપીજી પણ છે. જ્યાં લાલજી પટેલ તેને નડી શકે છે. અમરેલીએ હાર્દિક માટે વધારે સેફ બેઠક એટલા માટે છે કે, એ ધાનાણીનો ગઢ છે. મહેસાણામાં નીતિનભાઈ પટેલનું ભલે પ્રભુત્વ હવે નથી રહ્યું પણ નીતિન કાકા પાસા પલટી શકે તેટલા સક્ષમ તો આજે પણ છે.

એનસીપીએ પણ કરી છે ઓફર

હાર્દિક જો લોકસભામાં જીત્યો તો મોદી માટે સૌથી વધારે પરેશાનીનું કારણ બની શકે છે. હાર્દિકે તૈયારીઓ પણ કરી લીધી હોવાથી હવે એ જોવાનું છે કે તે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. કારણ કે તેને એનસીપીમાંથી પણ ચૂંટણી લડવાની ઓફર કરાઈ છે પણ તેના માટે કોંગ્રેસ એ સૌથી મોટો બેસ્ટ ઓપ્શન છે અથવા તે અપક્ષ તરીકે ચૂંટણી લડે બાદમાં સમર્થન જાહેર કરે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter