GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ધ ડે આફ્ટર : હજુ ભારતીય ચાહકો કારમી હારના આઘાતમાંથી બહાર નથી આવી શક્યા

ધુરંધર બેટ્સમેનો અને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે હોટફેવરિટ મનાતી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ૧૮ રનથી હારીને બહાર ફેંકાતા ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો હતો. કોહલીની કેપ્ટન્સી હેઠળની હાઈપ્રોફાઈલ ભારતીય ટીમનો અણધાર્યો પરાજય ક્રિકેટ ચાહકો માટે આઘાતજનક સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડ સામે એક તબક્કે આસાન લાગતી જીતની બાજી ભારતે જે પ્રકારે ગુમાવી તેને હજુ પણ ચાહકો સ્વીકારી શકતાં નથી. ભારતના હારના ‘ ધ ડે આફ્ટર’ પણ ક્રિકેટ ચાહકોની ગમગીની હજુ જરાય ઓછી થઈ નથી. ભૂતપૂર્વ ક્રિકેટરો અને વિવેચકોથી માંડીને ચાહકો વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ભારતના પરાજયના કારણોનું પોસ્ટમોર્ટમ કરવામાં વ્યસ્ત બન્યા છે. જ્યારે હારથી હતાશ ક્રિકેટરો તો હોટલના રૂમમાં જ ભરાઈ રહ્યા હતા. 

હાઈપ્રોફાઈલ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાયા બાદ હવે ૩૭ વર્ષીય લેજન્ડરી સુપરસ્ટાર ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે તે અંગેની અટકળો જોર પકડી રહી છે. ક્રિકેટ જગતમાં ધોનીની નિવૃત્તિની જોરદાર ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભારતીય કેપ્ટન કોહલીએ કહ્યું કે, ધોનીએ તેની નિવૃત્તિ અંગે અમને કશુ પણ જણાવ્યું નથી. 

વર્લ્ડ કપ દરમિયાન જ એક એવો અહેવાલ વહેતો થયો હતો કે, વર્લ્ડ કપમાં ભારતની આખરી મેચ ધોનીની કારકિર્દીની અંતિમ મેચ બની રહેશે. આ રીતે જોતા ભારતના ભૂતપૂર્વ લેજન્ડરી કેપ્ટન અને હાલના વિકેટકિપર-બેટ્સમેન ધોનીની કારકિર્દી હવે આગળ વધે તેની સંભાવના ખુબ જ ઓછી છે. જોકે હજુ ધોનીએ કે ટીમ ઈન્ડિયાના સૂત્રોએ કોઈ ખુલાસો કર્યો નથી. ધોનીની નિવૃત્તિ અંગે દિગ્ગજો અને સેલિબ્રિટીઝની પ્રતિક્રિયા પર એક નજર…

‘૫૦ ઓવરની મેચમાં તેની કારકિર્દી પૂરી કરવી કે નહી, તે ધોનીનો પોતાનો અંગત નિર્ણય છે. આપણે બધાએ ધોનીના નિર્ણયનો આદર કરવો જોઈએ. ભારતીય ક્રિકેટમાં ધોનીનું પ્રદાન હંમેશા મૂલ્યવાન રહેશે. તેની નિવૃત્તિની ચર્ચા કરવાને બદલે તેણે દેશનું જે સન્માન વધાર્યું છે, તેનો આદર કરવો જોઈએ.’ – સચિન તેંડુલકર

‘નમસ્કાર ધોની જી, આજ કલ મેં સુન રહી હૂં કે, આપ રિટાયર હોના ચાહતે હૈ. કૃપયા આપ ઐસા મત સોચિયે. દેશ કો આપકે ખેલ કી જરુરત હૈ ઔર યે મેરી ભી રિક્વેસ્ટ હૈ કી રિટાયરમેન્ટના વિચાર ભી આપ મન મેં મત લાઈયે.’ – લતા મંગેશકર

‘શું તમે જાણો છો કે, ધોનીની સૌથી મહાન સિદ્ધિ કઈ છે ? જ્યારે (ભારતે) માત્ર પાંચ રનમાં ૩ વિકેટ ગુમાવી ત્યારે પણ ૧.૨૫ કરોડ લોકોને ભરોસો હતો કે, તે ટીમને જીતાડશે.’ – સ્મૃતિ ઈરાની

ક્રિકેટ ચાહકોએ અમ્પાયરની ભૂલને જવાબદાર ગણાવી

ધોની નોટઆઉટ હતો ? : સોશિયલ મીડિયામાં વાઈરલ બનેલી પોસ્ટ

જોકે સોશિયલ મીડિયાની પોસ્ટને ક્રિકેટના જાણકારોનું સમર્થન નહી

ભારતના ટોપ ઓર્ડરના ધબડકા બાદ જાડેજા અને ધોનીની લડાયક બેટીંગને પરીણામે ટીમ ઈન્ડિયાની જીતની આશા જન્મી હતી. જોકે જાડેજા કેચ આઉટ થયા બાદ ભારતને જીતવા આખરી ૧૦ બોલમાં ૨૫ રનની જરુર હતી, ત્યારે ફર્ગ્યુસનની બોલિંગમાં ધોનીએ લેગ સાઈડમાં બોલ ફટકાર્યો હતો અને ઝડપથી એક રન પુરો કર્યો હતો. જે પછી તે બીજો રન લેવા દોડયો હતો, આ તબક્કે ગપ્ટિલે કરેલા શાર્પ થ્રો પર બોલ સીધો સ્ટમ્પને ટકરાયો હતો અને ધોની રનઆઉટ થયો હતો. ધોની આઉટ થતાં ભારતની જીતની આશા સમાપ્ત થઈ ગઈ હતી. 

હવે સોશિયલ મીડિયામાં વાઈરલ બનેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધોની જે બોલ પર રનઆઉટ થયો તે પહેલા ટીવી પર દર્શાવવામાં આવેલી ફિલ્ડિંગ પોઝિશનમાં ન્યૂઝીલેન્ડના છ ફિલ્ડરો ૩૦ યાર્ડના સર્કલની બહાર હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આઇસીસીના નિયમ અનુસાર ત્રીજા પાવર પ્લેમાં ૩૦ યાર્ડના સર્કલની બહાર પાંચ થી વધુ ફિલ્ડર રહી ન શકે. આવી સ્થિતિમાં અમ્પાયરે તે બોલને નો બોલ જાહેર કરવો જોઈએ. સોશિયલ મીડિયામાં વાઈરલ બનેલી આ પોસ્ટ પર ચાહકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. જોકે ક્રિકેટના જાણકારોએ આ પોસ્ટમાં વિશેષ રસ દાખવ્યો નહતો. વધુમાં ક્રિકેટના નિયમ અનુસાર નો-બોલમાં ફિલ્ડિંગ ટીમ બેટ્સમેનને રનઆઉટ તો કરી જ શકે છે, જેના કારણે આ પોસ્ટ ક્રિકેટના અતિ ઉત્સાહી ચાહકે મુકી હોય તેવું મનાય છે. વધુમાં ટીવી પર દર્શાવવામાં આવેલા ગ્રાફિક્સમાં પણ ભુલ હોવાની સંભાવના છે, કારણ કે તેમાં લેગ સાઈડ પરનો ફિલ્ડર બાઉન્ડ્રી પર દર્શાવ્યો છે. જ્યારે ધોનીએ ફટકારેલા સ્ટ્રોક પર ગપ્ટિલ બાઉન્ડ્રીથી ઘણો અંદર હતો, જેના કારણે વાઈરલ પોસ્ટની સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. 

સેમિ ફાઈનલનો તનાવ ન જીરવાતા બે ભારતીય ચાહકોના હાર્ટ એટેકથી મૃત્યુ

નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ભારે રોમાંચક મુકાબલો ખેલાયો હતો. ભારતે આઘાતજનક શરૂઆત બાદ જોરદાર લડત આપતાં મુકાબલો ભારે તનાવપૂર્ણ બન્યો હતો. ખરાખરીના જંગનો તનાવ ન જીરવાતા બે ભારતીય ચાહકોનું હાર્ટ એટેકથી મૃત્યુ થયુ હતુ. 

બિહારના કિશનગંજ જિલ્લાના ૪૯ વર્ષીય અશોક પાસવાન મેચનો તનાવ જીરવી શક્યા નહતા. મેચ જોતાં જોતાં જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી. તેમને તત્કાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ભારત હારની નજીક ધકેલાયું ત્યારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા માંડી હતી. અન્ય ઘટના પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં બની હતી. ૩૩ વર્ષના શ્રીકાંત મૈત્રી તેમની સાઈકલની દુકાનમાં મોબાઈલ પર મેચ નીહાળી રહ્યા હતા. આ દરમિયાન ધોની રનઆઉટ થતાં જ તેમને આંચકો લાગ્યો હતો અને તેઓ ત્યાંજ ફસડાઈ પડયા હતા. આ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ભારતનો ભાવ રૂા. ૪.૩૫ અને ન્યૂઝીલેન્ડનો ભાવ રૂા. ૪૯ હતો

ભારતની અણધારી હારથી સટ્ટાબજારમાં પંટરોએ રૂા. ૧ અબજથી વધુ ગુમાવ્યા

પંટરોને મોડી રાતની મહેફિલો રદ કરવી પડી

વર્લ્ડ કપ જીતવા માટે હોટફેવરિટ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં હારી જતાં ક્રિકેટ ચાહકોએ તો ભારે આઘાત અનુભવ્યો હતો જ, સાથે સાથે સટ્ટાબજારમાં પણ મોટી ઉથલપાથલ થઈ હતી. ભારતની હારથી દિલ્હી-એનસીઆરના પંટરોએ રૂપિયા ૧ અબજથી વધુ ગુમાવ્યા હતા. વરસાદના કારણે બે દિવસમાં પુરી થયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની બોલિંગ શરૂ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાની જીત નક્કી લાગતી હતી. જેના કારણે મોટાભાગનો સટ્ટો ભારતની જીત પર જ લાગ્યો હતો. આઘાતજનક શરૂઆત બાદ જાડેજા અને ધોનીએ લડત આપતાં પણ ટીમ ઈન્ડિયાની જીત નક્કી લાગવા માંડી હતી, પણ ન્યૂઝીલેન્ડે બાજી પલ્ટી નાંખતાં ક્રિકેટ ચાહકોની સાથે પંટરો પણ સ્તબ્ધ બની ગયા હતા.

ન્યૂઝીલેન્ડની ટીમે જ્યારે ૨૩૯નો સ્કોર કર્યો, ત્યારે તો ભારતની મજબૂત બેટીંગ લાઈનઅપને જોતા ટીમ ઈન્ડિયાની જીતનો બધાને ભરોસો હતો. સટ્ટાબજારમાં પણ ન્યૂઝીલેન્ડ પર કોઈ દાવ લગાવવા માટે તૈયાર નહતુ. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સટ્ટાબજારમાં સેમિ ફાઈનલમાં ભારતની જીતનો ભાવ રૂપિયા ૪.૩૫ હતો, જ્યારે ન્યૂઝીલેન્ડની જીતનો ભાવ રૂપિયા ૪૯ હતો. ટૂંકમાં મેચ શરૂ થાય તે પહેલા જ ન્યૂઝીલેન્ડની હાર નિશ્ચિત મનાતી હતી.

જેમ જેમ મેચ આગળ વધવા માંડી અને ભારત ૨૦૦/૬ પર પહોંચ્યું ત્યારે ફરી સટ્ટાબજારમાં ભારતની જીત પર મોટાપાયે સટ્ટો લાગ્યો હતો. જોકે આખરી બે ઓવરમાં ન્યૂઝીલેન્ડે બાજી પલ્ટી નાંખી હતી. આ પરિસ્થિતિમાં ન્યૂઝીલેન્ડ  પર સટ્ટો લગાવનારા કમાયા પણ હતા. 

READ ALSO

Related posts

રાજ્યમાં અનલોક 2 ના પ્રથમ સપ્તાહમાં સતત નવા રેકોર્ડ સાથે 5000 પોઝીટીવ સામે 3000 દર્દીઓ થયા સાજા

Harshad Patel

દુનિયા માટે કોરોનાથી પણ મોટો છે આ ખતરો, આવતા વર્ષે જો 400 ગણા મોટા થશે તો ભૂખે મરશે કરોડો લોકો

Dilip Patel

રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ હવે PA પણ કોરોના પોઝિટિવ, ભાજપના સેંકડો કાર્યકરોમાં ફફડાટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!