કેન્દ્ર સરકાર પાસે નાણા ખૂટ્યાં: કંપનીઓને બીજી વાર દબાણ કર્યુ કે ડિવિડન્ડ ભરો, કંપની બોલી કે ભંડોળ નથી

revenue shortfall in govt

કરવેરાની આવકમાં ઘટાડોનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર ફરી વખત રોકડ ભંડોળ ધરાવતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી અગ્રણી પીએસયુ કંપનીઓ ઉપર ચાલુ નાણાંકીય વર્ષે બીજું ઇન્ટરિમ ડિવિડન્ડ ચૂકવવા માટે દબાણ કરી રહી છે. અલબત આઇઓસી કંપનીએ 19મી માર્ચના રોજ બીજા ઇન્ટરિમ ડિવિડન્ડ અંગે વિચારણા માટે એક બોર્ડ મિટિંગ બોલાવી છે.

ઓએનજીસીએ કહ્યું કે, ઇન્ટરિમ ડિવિડન્ડની મહિનામાં ચૂકવણી કરી શકાય તેટલું ભંડોળ તેની પાસે નથી. આ માહિતી વિશ્વસનિય સુત્રોએ જણાવી છે. નિયમો અનુસાર કોઇ કંપની પાછલી રકમની ચૂકવણી કર્યાના મહિનાની અંદર બીજી વખત ઇન્ટરિમ ડિવિડન્ડની ચૂકવણી કરી શકતી નથી. જો આવી ચૂકવણી કરવી હોય તો કંપનીઓએ બજાર નિયામક સેબીની ફરજિયાત મંજૂરી લેવાની રહેશે. સુત્રોએ જણાવ્યું કે, કેન્દ્રમાં રહેલી મોદી સરકાર હાલ સુધારેલી રાજકોષિય ખાધનો 3.4 ટકાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સંઘર્ષ કરી રહી છે.

નવી કરપ્રણાલી હેઠળ વારંવાર ટેક્સના રેટ ઘટાડવામાં આવતા જીએસટી કલેક્શન ઘટી રહ્યું છે જેના લીધે સરકારની કરવેરાની આવકમાં ગાબડું પડ્યું છે. જીએસટી કલેક્શનમાં ઘટાડો લગભગ રૂ. 30,000થી 40,000 કરોડ જેટલો રહેવાની સંભાવની છે. આટલા પ્રમાણની ખાધ સીધા વેરાની વસૂલાતમાં પણ જોવા મળશે. જાહેર ક્ષેત્રની કંપની IOC સરકારને રેવન્યૂ ટાર્ગેટ મેળવવામાં સરળતા રહે તે માટે ડિસેમ્બરમાં ઇક્વિટી શેર દીઠ રૂ.6.75નું ઇન્ટરિમ ડિવિડન્ડની સાથે રૂ. 4435 કરોડના શેર બાયબેક કર્યા હતા.

તેવી જ રીતે ONGCએ 14મી ફેબ્રુઆરીના રોજ ઇક્વિટી શેર દીઠ રૂ.5.25નું ઇન્ટરિમ ડિવિડન્ડ અને રૂ. 4022 કરોડના શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારને બે વર્ષ પહેલાં આઇઓસી જેવી પીએસયુ કંપનીઓને બીજું ઇન્ટરિમ ડિવિડન્ડ ચૂકવવા સેબીએ ઝડપથી મંજૂરી આપી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter