વિશ્વના ટોચના સર્ચ એન્જિન ગુગલ દ્વારા અમેરિકાની સેનાને મદદ કરવાના નિર્ણયનો હવે ગુગલના જ કર્મચારીઓએ વિરોધ કર્યો છે. ગુગલના કર્મચારીઓએ સીઇઓ સુંદર પિચાઇને પત્ર લખી અમેરિકન સૈન્યને મદદ કરવાના પ્રોજેક્ટથી કંપની છેડો ફાડે તેવી માંગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે ગુગલનું આ પગલું એ ગુગલના મૂળભૂત મુલ્યો વિરૂદ્ધનું છે.
સર્ચ એન્જિન ગુગલ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય સાથે એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે કે જે અમેરિકાની સેનાને ડ્રોન હુમલા વડે ચોક્કસ ટાર્ગેટ સાધવામાં મદદ કરી શકે છે. જો કે ગુગલની આ મદદ સામે હવે ગુગલના જ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ગુગલના અંદાજે 3100 કર્મચારીઓએ ગુગલના સીઇઓ સુંદર પિચાઇને પોતાની સહી સાથે લખેલા પત્રમાં માંગણી કરી છે કે કંપની મેવેન પ્રોજેક્ટથી છેડો ફાડી નાંખે.
સુંદર પિચાઇને લખેલા પત્રમાં કર્મચારીઓએ જણાવ્યું છે કે. અમે માનીએ છીએ કે ગુગલે યુદ્ધ સાથે જોડાયેલી બાબતોમાં ભાગ લેવો જોઇએ નહીં. આથી અમે માંગણી કરીએ છીએ કે મેવેન પ્રોજેક્ટને રદ્દ કરવામાં આવે. લેખિતમાં એક નીતિ બનાવીને તેને સાર્વજનિક કરવામાં આવે અને ગુગલ કે તેના કોઇ સમર્થક યુદ્ધમાં ઉપયોગ થનારી ટેકનિક નહીં બનાવે તેના પર અમલ કરવામાં આવે. અમેરિકાના વર્તમાનપત્ર ધ ન્યુયોર્ક ટાઇમ્સના મતે આ પત્રને સમર્થન જાહેર કરનારાઓમાં અનેક એન્જિનિયર પણ સામેલ છે. ગુગલના કર્મચારીઓ અગાઉ પણ કંપનીના ટોચના મેનેજમેન્ટ પ્રત્યે નારાજગી દર્શાવી ચૂક્યા છે. ગુગલના દુનિયાભરમાં અંદાજે 88 હજાર કર્મચારી છે.
આ પત્રમાં એ ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના પ્રોજેક્ટમાં ભાગીદારી કંપનીની પ્રતિષ્ઠાને ક્યારેય ભરપાઇ ન શકાય તેવું નુકસાન પહોંચાડી શકે છે. કેમકે ભાગીદારી કરીને કંપની પોતાની નૈતિક જવાબદારીને નજરઅંદાજ કરવા ઉપરાંત પોતાના ઉપભોક્તાઓના વિશ્વાસને પણ દાવ પર લગાવી રહી છે. ગુગલના મૂલ્યો અંગે સ્પષ્ટ ઉલ્લેખ છે કે અમારો દરેક ઉપભોક્તા અમારા પર ભરોસો કરે છે. જેને અમે ક્યારેય જોખમમાં નાંખી શકતા નથી. આથી આ પ્રોજેક્ટ ગુગલની પ્રતિષ્ઠા માટે ખતરારૂપ છે અને આપણા મૂળભૂત મૂલ્યોની વિરૂદ્ધ છે. આ ટેકનોલોજી અમેરિકાની સેનાને સૈન્ય પર નજર રાખવા માટે મદદ કરે છે અને આના ઘાતક પરિણામો આવી શકે છે. આથી આ સ્વીકાર્ય નથી.
જોકે ગુગલે જણાવ્યું છે કે કંપની જે ટેકનોલોજી પર કામ કરે છે તેનો હથિયારો કે ડ્રોનને એક્ટિવેટ કરવામાં ઉપયોગ કરી શકાતો નથી. જો કે પત્ર પર સહી કરનારા ગુગલના કર્મચારીઓએ ચેતવણી આપી છે કે આ ટેકનોલોજી સૈન્ય માટે જ બનાવાઇ રહી છે. અને જ્યારે સેના હાથમાં જ્યારે આ ટેકનોલોજી આવશે ત્યારે તેઓ ટેકનોલોજીનો મનફાવે તેમ ઉપયોગ કરી શકશે.