GSTV
CANDIDATE PROFILE- 2022 Gujarat Election 2022 ગુજરાત

આખલો સત્તાનો ભુખ્યો બન્યો, સિંહે ઘાસ ખાધું ને નંદો જાણે પુનર્જિવિત..!, પક્ષ બદલતાં જ વાણી બદલાઈ ગઈ

વ્યંગમાં એવું કહેવાય છે કે પંચિયાંને પાઘડી બનાવીને પહેરી લેતાં જેને પળની’ય વાર ન લાગે એ જ સાચો પોલિટિશિયન! વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર સૌરાષ્ટ્રભરમાં ગાજી રહ્યો છે ત્યારે કેટલાંય પક્ષબદલુ ઉમેદવારોના ભૂતકાળના નિવેદનોને હાલના ‘પ્રચાર’ સાથે સરખાવતાં તેમના બદલાયેલા ટોન સાંભળીને જાહેર જનતા દિગ્મુઢ બની રહી છે.

ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશી જતા સિંહ-દીપડાથી ખેડૂતોનું રક્ષણ કરવાનાં નામે ભૂતકાળમાં બંદુક લઈને ગામડાંમાં ઉતરી પડેલા વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડિયા તાજેતરમાં જ ભાજપમાં ભળી જઈને હવે એ જ બેઠક પર ભાજપમાંથી લડી રહ્યા છે. અગાઉ અન્ય કોંગ્રેસીના પક્ષપલટા વખતે તે એવું બોલ્યા હતા કે ‘મને પણ ભાજપમાં ભળી જવા માટે કરોડો રૃપિયાની ઓફર આવી હતી, પણ સિંહ ખડ ન ખાય. આ ખેડૂત વિરોધી સરકાર છે, ખેતી ભાંગી પડી છે.’ અને હવે, એ જ નેતા કહે છે કે ભાજપને ૧૫૧થી વધુ બેઠક મળવાની છે, સરકાર મારા અનુભવનો લાભ લે અને ખેડૂતોનો વિકાસ થાય, બાકી કોંગ્રેસની તો સરકાર બનવી રહી!’ એ જ રીતે, તેમની પહેલાં ભાજપગમન કરી ચૂકેલા માણાવદરના જવાહર ચાવડાએ ભાજપના એક દિગ્ગજ નેતાની સરખામણી મનોદિવ્યાંગ યુવક નંદા સાથે કરીને કહેલો કલ્પિત રમૂજી કિસ્સો જનતાને હાલ સાંભરી રહ્યો છે. તે કહેતાં કે ‘અમારા બાંટવામાં એક નંદો હતો, જેને મળીએ એટલે પૂછતો કે બોલો- શું જોઈએ છે. હું કહું કે નંદા, ગાડી લેવી છે. એટલે એ જવાબ દે કે બેંક ખૂલે એટલે મારાં ખાતામાંથી જેટલાં જોઈએ એટલાં પૈસા લઈ જજો. નંદો ગુજરી ગયો એનું મને દુઃખ છે, પણ ભાજપના એ નેતાની વાતો સાંભળીને લાગે છે કે નંદો હજુ મર્યો નથી’!

ભૂતકાળમાં ડાર્ક ઝોન, બીપીએલ કાર્ડ જેવા મુદ્દે આંદોલન કરી ચૂકેલા આ મહાશયના સૂર પણ પક્ષપલટા અને મંત્રીપદ સાથે જ બદલાઈ ગયા હતા, ને હવે વિકાસની વાતો સાથે ભાજપમાંથી જ તે માણાવદરના જ ઉમેદવાર છે. પક્ષપલટા બાબતે આ બંનેના સિનિયર એવા કુંવરજી બાવળિયા પણ કોંગી ધારાસભ્ય હતા ત્યારે સભા- પ્રવચનો, આવેદન- નિવેદનોમાં ભાજપ સરકારને મન ભરીને ભાંડી ચુક્યા હતા. એક તબક્કે તો તેમની એવી લાગણી પણ પ્રચલિત બની હતી કે કમળને મત દેવાનો થાય તો એમ કરવા કરતાં તો આંગળી જ કાપી નાખું! અલબત્ત, એ મુદ્દે પછીથી તેણે પોતે આવું બોલ્યા જ નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી, જ્યારે રીબડિયાની જેમ હમણાં જ પક્ષપલટો કરી ચૂકેલા છેલ્લી ટર્મના કોંગ્રેસી ધારાસભ્ય ભગાભાઈ બારડે ભાજપમાં ભળવા વિશે ઈન્કાર સાથે જોશભેર એમ કહેલું કે આ આખલો સત્તાનો ભુખ્યો નથી. ખનીજચોરીના કેસથી બચવાના મનાતા કારણસર ભાજપમાં ગયા પછી ઉમેદવાર તરીકે આજકાલ તેઓશ્રી ભાજપનાં ગુણગાન ગાઈ રહ્યા છે.

મંત્રીપદ સુધી પહોંચેલા જયેશ રાદડિયાને ભાજપે જેતપુરમાં રીપીટ કર્યા છે પણ અગાઉ તે કોંગ્રેસમાંથી એકથી વધુ ચૂંટણી લડયા ત્યારે તેના સૂર દેખીતી રીતે જ ભાજપ વિરોધી હતા. અમરીશ ડેર પાલિકા ચૂંટણીમાં ટિકિટ મુદ્દે વાંકું પડતાં કોંગ્રેસમાં ભળીને ૨૦૧૭માં કોંગ્રેસમાંથી જ રાજુલાના ધારાસભ્ય બન્યા હતા અને હાલ તેમાંથી એ જ બેઠક લડે છે તેથી કોંગ્રેસ તેમને મન હાલ આદર્શ પક્ષ છે, પરંતુ તે પોતે આઠ- દસ વર્ષ પૂર્વે અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચામાં હતા અને મહત્વનો હોદ્દો પણ સંભાળી ચૂક્યા હતા. આવા- આવા દિગ્ગજોની પણ ભાષા બદલી જતી હોય ત્યારે નાના નેતાઓનો તો પ્રજા વિશ્વાસ જ શું કરે!

અન્યથા, (૧) ધારીના કોંગ્રેસના ઘારાસભ્ય હતા ત્યારે ઇકો સેન્સેટિવ ઝોન તેમજ સિહ- દીપડા દ્વારા લોકો પર હુમલા મુદ્દે ‘આ સરકાર સાવ નિષ્ફળ છે’ સહિતના સરકાર વિરોધી ઉચ્ચારણો કરી ચૂકેલા જે.વી. કાકડિયા હાલ ભરોસાની ભાજપ સરકાર સ્લોગન સાથે ચૂંટણી મેદાનમાં છે.

(૨) રાજકોટ ગ્રામ્યના આપના ઉમેદવાર વશરામ સાગઠિયા હજુ હમણાં સુધી કોંગ્રેસમાંથી કોર્પોરેટર હતા.

(૩) ગોંડલમાં ભાજપના પાયાના પથ્થર એવા જૂના જનસંઘી ગોવિંદભાઈ દેસાઈનાં નિધન પછી ભાજપના સ્થાનિક નેતાઓ સાથે મનમેળ નહીં થતાં મૂળ ભાજપી એવા તેમના પુત્ર યતીશ દેસાઈએ હવે કોંગ્રેસમાં ભળીને ઝંપલાવ્યું છે.

(૪) જૂનાગઢના આપના ઉમેદવાર ચેતન ગજેરા મૂળ ભાજપી હતા.

(૫) ભૂતકાળમાં ભાજપ વતી રાણાવાવ સુધરાઈ સભ્ય રહી ચૂકેલા ભીમા મકવાણા ભાજપે વર્ષોથી વિસ્તારને લોલીપોપ આપ્યા જેવા વલણ સાથે હવે કુતિયાણામાં આપમાંથી મેદાને છે.

(૬) પોરબંદરમાં જીવન જુંગી અગાઉ ભાજપ અને બાદમાં કોંગ્રેસમાંથી પણ નગરસેવક રહી ચુક્યા બાદ હવે પોરબંદરથી આપના ઉમેદવાર તરીકે આપની વાહવાહી કરી રહ્યા છે.

(૭) સોમનાથના જગમાલ વાળા પહેલાં ભાજપમાં, ૨૦૧૨માં અપક્ષ અને ૨૦૧૭માં કોંગ્રેસમાં રહી ચૂક્યા પછી હવે આપમાંથી લડે છે.

(૮) જૂના ભાજપી અને યાર્ડના ભૂતપૂર્વ ચેરમેન કાંતિ સતાશિયા હવે ધારીમાં આપમાંથી ચૂંટણી લડે છે અને કહે છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, ખાતર મોંઘું છે અને ભાજપ સરકારે ખેડૂતોને કશું આપ્યું નાૃથી.

(૯) ૨૦૧૫માં લાઠી તાલુકા પંચાયતની ચૂંટણી કોગ્રેસના બેનર હેઠળ લડીને જનક તળાવીયાએ લાઠી તાલુકા પંચાયત કબજે કરી હતી તાૃથા ઉપ પ્રમુખ અને પ્રમુખ પણ રહ્યા હતા પરંતુ આજથી દોઢ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા પછી હવે ભાજપના લાઠી બેઠક પરના આ ઉમેદવારે કોંગ્રેસને ઝાટકવી પડે તે સહજ છે!

  • જવાહર ચાવડા

ગઈકાલેઃ સરકાર બધા ધારાસભ્યોને ખરીદવાની ફિરાકમાં છે, પણ મને ખરીદવાની વાત ન કરતાં…હું પોતે તમામ ૧૮૨ ધારાસભ્યોને ખરીદી શકું એટલો સક્ષમ છું.

હવેઃ ખરેખર વિકાસ કરવો હોય તો સત્તાધારી પક્ષની સાથે રહેવું પડે, તો જ વિકાસ સહેલાઈથી થાય. અને, કોંગ્રેસ બહુમતિ મેળવીને સત્તા પર આવી શકે એવું મને લાગતું નથી.

  • ભગવાનજી બારડ

ગઈકાલેઃ આ ઈ બળદ છે, આ ઈ આખલો છે જે આડાંઅવળાં સહન ન કરે, આડોઅવળો ભાગે નહીં, રાજપ- ભાજપમાં જાય નહીં, આ સત્તાનો ભુખ્યો નથી.

હવેઃ નરેન્દ્ર મોદીની રાજનીતિ વિકાસશીલ હોવાથી ભાજપમાં ગયો. મારા પિતા જનતાદળમાં હતા. મારા ભાઈ સહિત અમારો પરિવાર મૂળતઃ કોંગ્રેસી તો છે જ નહીં.

  • હર્ષદ રીબડિયા

ગઈકાલેઃ આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે, મળતિયાઓને લાભ થાય એ માટે (ટેકાના ભાવે સરકારે ખરીદેલી) મગફળીને ગોદામોમાં આગ લગાડવામાં આવી છે.

હવેઃ અઢારે’ય વર્ણના ખેડૂતોના અનેક પ્રશ્ને રજૂઆત કરી છે, ખેડૂતોના ઘણાંખરા પ્રશ્નો આ સરકારમાં હલ થઈ ગયા છે. કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી, વ્યક્તિગત રીતે લડીને જીત્યો હતો.

READ ALSO

Related posts

કચ્છ : ગાંધીધામની આંગડિયા પેઢીમાં થયેલી 1 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો

Hardik Hingu

સુરતના કોસંબામાં યોજાયેલા ડાયરામાં હવામાં ફાયરીંગ, પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Hardik Hingu

સુરત / સરથાણામાં રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર નિયંત્રણ વિભાગની ટીમ પર હુમલો, ફરિયાદ નોંધાઈ

Hardik Hingu
GSTV