હાથના કાંડે ફિટનેસ દર્શાવતા ગેજેટ-ટ્રેકર-ઘડિયાળ પહેરવાની ફેશન છે. હું તો આજે આટલા પગલાં ચાલી-ચાલ્યો, આજે આટલી કેલેરી બાળી, આજે આટલી ઉંઘ લીધી.. વગેરે જાણકારી લોકોને આ ગેજેટને કારણે મળવા લાગી છે. વળી લોકો એમ માનીને ચાલે છે કે એ બધી માહિતી સાચી છે. ગરબડની શરૃઆત ત્યાંથી થાય છે. ફિટનેસ ગેજેટ્સ ન હતા ત્યારે પણ લોકો ફીટ-સ્વસ્થ રહી શકતા. એટલે ફિટનેસ ગેજેટથી શું લાભ થાય છે તેનો જવાબ મેડિકલ સાયન્સમાં તો હજુ શોધવાનો બાકી છે. બા ગેજેટ પહેરવાથી ફેશનેબલ કે હેલ્થ કોન્સિયશ હોવાની છાપ ઉભી કરી શકાય.
જોકે લેટેસ્ટ સંશોધન કહે છે કે આવા ગેજેટ સ્વાસ્થ્ય સુધારવાને બદલે બગાડી શકે છે. બગાડવાનું કામ નોસ્બો ઈફેક્ટ નામની માનસિક સ્થિતિ કરે છે. નોસ્બો શબ્દનો સાદો અર્થ ‘મને નુકસાન થઈ રહ્યું છે’ એવો થાય છે.

એક વખત ફિટનેસ ગેજેટ વાપરવાની શરૃઆત થાય એ પછી લોકોને સતત તેમાં જોવાની ટેવ પડી જાય. પોતાની દૈનિક ક્રિયાઓ પણ ગેજેટને આધિન થવા લાગે.. આજે તો વધારે કેલેરીવાળો ખોરાક ખવાઈ ગયો.. આજે ઓછી ઊંઘ થઈ છે.. આજે ઓછા પગલાં ચલાયું.. એ બધી ખબર કેમ પડે? ગેજેટ્સને કારણે.
આવી માહિતી સતત મગજમાં જમા થતી રહે એ માનસિકતા બગાડે. કેમ કે રોજ રોજ આપણે સરખી શારીરિક હિલચાલ કરી શકતા નથી. એટલે જે દિવસે ઓછી ઊંઘ લેવાઈ એવી ગેજેટ મારફત ખબર પડે એ દિવસે ચિંતા થવા લાગે. ઓછી ઉંઘ થવાથી શરીરને તુરંત કંઈ મોટુ નુકસાન થઈ જતું નથી. પરંતુ ઓછી ઉંઘ લીધી છે એ ખબર પડ્યા પછી મનમાં સતત એ વાત ઘુમ્યા કરે છે. તેને કારણે શારિરીક સમસ્યા થાય કે ન થાય, માનસિક અવશ્ય થાય. એવુ જ કેલેરીના કિસ્સામાં થાય. આજે તો પિઝા ખાધા એટલે આટલી કેલેરી શરીરમાં ગઈ.. હવે વધારે જશે તો હું માંદો પડીશ.. કે માંદી પડીશ એવો ડર ઘર કરી જાય. આ ડર સરવાળે બિમારીને આમંત્રણ આપે અને બિમારી હોય તો તેને વધારે. આ સ્થિતિ એટલે જ નોસ્બો ઈફેક્ટ.
માટે આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે ફિટનેસ ગેજેટ્સ તમે ન પહેરતા હોય તો તમે પછાત છો એવી ચિંતા કરશો નહીં. ફિટનેટ ગેજેટ નથી પહેરતા તો તમે ફિટ નથી એવુ માનશો નહીં. ફિટનેસ ગેજેટ પહેરવાથી તમારુ શરીર સ્વસ્થ રહેશે એવા ભ્રમમાં તો બિલકુલ રહેતા જ નહીં.

સમજવા જેવી વાત એ છે કે ફિટનેસ ગેજેટથી આપણું સ્વાસ્થય સારું રહે કે ન રહે પરંતુ તેની ઉત્પાદક કંપનીનું સ્વાસ્થ્ય અવશ્ય સારું રહે છે. કેમ કે લોકો દેખાદેખીમાં આવા ગેજેટ્સ ખરીદવા માંડે છે. એક ગેજેટ આવે એટલે સાથે ચાર્જર અને તેનો કેબલ આવે. ઘરમાં વધુ એક પ્લગ તેને ફાળવવો પડે. સરવાળે ઘરનું લાઈટ બિલ વધે.
બીજો ભય એ પણ છે કે આપણું શરીર ગેજેટ સંચાલિત યંત્ર હોય એવુ લાગવા માંડે. ઠેર ઠેર જાતજાતના ગેજેટ્સ અને તેનું સંચાલન કરવામાં વ્યસ્ત રહેતું આપણું મગજ. એટલે અન્ય વિચાર કરવાનો સમય પણ ઘટતો જાય. વિચારો આવે તો પણ ગેજેટ્સમાં રજૂ થતા આંકડા-પરિણામો અંગેના જ આવે. એ નિરાશામાં વધારો કરે.
આર્યલેન્ડની નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર ઈઓન વેહેલેને તારેજતરમાં શરીર પર પહેરાતાં વિવિધ ગેજેટ્સ પર સંશોધન કર્યા પછી તારણ આપ્યું છે કે ઘણા લોકોને ગેજેટ્સનું વળગણ થઈ જાય છે. ગેજેટ્સ ન પહેર્યું હોય અને તેમાં આંકડા રજૂ ન થતાં હોય તો એમને જીવનમાં કંઈક ખૂટતુ હોય એવુ લાગે. એ સ્થિતિ પણ સરવાળે તો માનસિક સમસ્યા ઉભી કરે.
એપલની સ્માર્ટવોચમાં આવા વિવિધ પ્રકારના શરીરની મૂવમેન્ટ માપનારા સેન્સર ફીટ થયેલા હોય છે. એપલે માર્કેટમાં એ પોતાની આદત મુજબ મોંઘી ઘડિયાળ ઉતારી એટલે ચીની કંપનીઓએ સસ્તી નકલ પણ ઠાલવી દીધી. પોસાય એ એપલ પહેરે, બાકીના લોકો એપલ જેવી દેખાતી ચાઈનિઝ વોચ-સ્માર્ટ બેન્ડ-ગેજેટ્સ પહેરે છે. વળી આ પ્રકારના ગેજેટ્સમાં થોડી નવીનતા પણ રહેલી છે. મોબાઈલ ફોન, ટેબલેટ.. વગેરે પછી કોઈને ગિફ્ટમાં આપવા જેવું નવું શું? એમાં આવા ગેજેટ્સનો સમાવેશ થઈ રહ્યો છે. એટલે લોકો ગિફ્ટમાં આપવા માટે પણ ફિટનેસ ટ્રેકર પ્રકારની સામગ્રી પસંદ કરે છે. ગિફ્ટમાં આપનાર કે કાંડે પહેરનાર લોકો એવુ માની લેતા હોય છે કે હવે આપણું સ્વાસ્થ્ય આપણા કાબુમાં છે. એ ભ્રમ છે. અને ભ્રમ સતત મનમાં રહે એ પોતે જ એક બિમારી છે. એપલની વોચ રિલિઝ કરતી વખતે એપલના સીઈઓ ટીમ કૂકે કહ્યું હતું કે આ ઘડિયાળ તમારુ સ્વાસ્થ્ય સુધારશે અને વધુ સારી રીતે જીવવા માટે માર્ગદર્શન આપશે. હકીકત એ છે કે એવું કશું થતું નથી, એ ઘડિયાળથી ફાયદો થયો હોય તો માત્ર એપલને જ થયો છે.

આવા ગેજેટ્સ વળી અમુક કસરતો કર્યા પછી આપણને સર્ટિફિકેટ આપે કે આજે તમે બહુ સારુ ફિલ કરી રહ્યા છો, તમારો આજનો દિવસ સફળ રહ્યો.. વગેરે. એટલે આપણને એમ લાગે કે હવે રાજી થવું જોઈએ. ગેજેટ્સ નક્કી કરે છે કે આપણે રાજી થવું કે મુજી રહેવું?
નાસ્બો ઈફેક્ટનો સ્વાસ્થ્ય સુધારમાં બહુ મોટો ફાળો છે. મેડિકલ વિજ્ઞાનમાં કામ કરતા સંશોધકો તો છેક 1961થી દર્દી પર થતી નાસ્બો ઈફેક્ટનો અભ્યાસ કરે છે. જેમ કે આપણે કોઈક પાસેથી દવા લઈએ.. એ દવાની અસર ન થાય. ડોક્ટર બદલીએ અને એ ડોક્ટર પણ એવી જ દવા અલગ નામે આપે તો આપણને સારુ થઈ જાય. કેમ?
કેમ કે આપણે મનથી સ્વિકારી ચૂક્યા હોઈએ છીએ કે ડોક્ટર બદલ્યો એટલે હવે સારુ થશે જ. તો વળી ઘણી વખત એક જ ડોક્ટર માત્ર દવાનો કલર બદલી નાખે, તેની અસરમાં કોઈ ફેરફાર ન થતો હોય તો પણ આપણે માની બેસીએ છીએ કે હવે તો સારું થવું જ રહ્યું. આ સ્થિતિ માનસિક છે. મનથી માની લીધું હોય કે હવે સાજું થવાશે જ તો પછી કોઈ સ્થિતિ આપણને લાંબો સમય બિમાર રાખી શકતી નથી.
સોશિયલ મીડિયાને કારણે હવે નોસ્બો ઈફેક્ટની અસર સતત વધી રહી છે. ફેસબૂક-ઈન્સ્ટા પર સતત એક્ટિવ રહેતા લોકો ડિપ્રેશનનો વધારે ભોગ બને છે. કેમ કે ત્યાં ઓછી લાઈક મળે તો જીવનમાં કંઈક ખૂટતું હોય એવુ લાગવા માંડે છે. એ વચ્ચે ગેજેટ્સનો વધુ પડતો વપરાશ પણ નોસ્બો ઈફેક્ટ્સમાં વધારો કરે છે. ઈન્સ્ટાગ્રામ વિશે તો અમેરિકામાં જ રિપોર્ટ રજૂ થઈ ચૂક્યો છે કે તેનાથી ટીનેજર યુવતીઓ ડિપ્રેશનનો ભોગ બને છે. કેમ કે ઈન્સ્ટાગ્રામમાં વિવિધ ફિલ્ટરને કારણે ફોટો આકર્ષક બનાવી શકાય છે. એ પછી લાઈક્સ ઓછી મળે કે પુરતી કમેન્ટ ન મળે તો દુનિયાદારી ન સમજી શકતી ટીનેજર ગર્લ્સ એમ માનવા લાગે છે કે હું આકર્ષક નથી, હું કોઈને ગમતી નથી, હું ઈમ્રેશન જમાવી શકતી નથી. આ પ્રકારની વિચારધારા છેવટે બિમારમાં વધારો કરે છે.
આ બધી ગરબડથી છેવટે જે નુકસાન થાય એ તુરંત જોઈ શકાય એવુ હોતું નથી. કેમ કે તેનાથી મેન્ટલ હેલ્થ (માનસિક આરોગ્ય) કથળે છે. તાવ આવે તો શરીર ગરમ થાય, પેટમાં ગરબડ હોય તો દુખાવો થાય.. પરંતુ માનસિક આરોગ્ય બગડે તો એ કોઈ રીતે દેખાતુ નથી. પરંતુ લાંબેગાળે ઘણુ નુકસાન કરે છે. એટલે ફિટનેસ ગેજેટ્સની મદદથી ફિટ રહેવાની ટેવ પડી હોય તો તેમાંથી બહાર નીકળવું જોઈએ. જો ટેવ ન પડી હોય તો અભિનંદન!
Read Also
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ
- સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો