વિદેશમાં અમેરિકન કર્મચારીઓના રક્ષણ માટે અમેરિકાએ ઈરાકમાં ડ્રોન હુમલો કરી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના શક્તિશાળી કમાન્ડર જનરલ કાસીમ સુલેમાનીને મારી નાંખ્યા હતા તેમ પેન્ટાગોને શુક્રવારે જણાવ્યું હતું. અમેરિકાના આ પગલાંથી અખાતના ક્ષેત્રમાં ચાલી આવતી તંગદીલીમાં નાટયાત્મક રીતે વધારો થયો છે.

જનરલ સુલેમાની ઈરાનની અલ-કુદ્સ ફોર્સના પ્રમુખ હતા અને પ્રાદેશિક સલામતી હિથયારોના રચઈતા હતા. શુક્રવારે બગદાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાકના શક્તિશાળી હશદ અલ-શાબી આૃર્ધસૈનિક દળના નાયબ વડાનું પણ મોત નીપજ્યું હતું.ઈરાને અમેરિકાને આ મોતનો બદલો લેવાની ધમકી આપી છે. અમેરિકન ડેમોક્રેટ્સે પણ ટ્રમ્પના આ પગલાંથી અમેરિકા અખાતમાં નવેસરથી જોખમી યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પેન્ટાગોને ઈરાકમાં સુલેમાની (62)ના મોતની પુષ્ટી કરી છે અને કહ્યું કે આ હુમલો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરાયો હતો.

જનરલ સુલેમાની ઈરાનમાં આયાતોલ્લાહ ખામૈની પછી બીજી સૌથી શક્તિશાળી મનાતા હતા અને તે ઈરાનમાં વીર રાષ્ટ્રીય વ્યક્તિત્વ ધરાવતા હતા. ઈરાકમાં કટ્ટર હશદ જૂથ પર અમેરિકાના હવાઈ હુમલા પછી ઈરાન સમર્થીત જૂથોએ બગદાદમાં અમેરિકન એમ્બસીને ઘેરી લીધી હતી અને તેમાં તોડફોડ કરી હતી.ત્યાર પછી ટ્રમ્પે ઈરાનને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. જનરલ સોલેમાની અને ઈરાનનું પીઠબળ ધરાવતા બળવાખોર જૂથના અધિકારીઓ બે કારમાં બગદાદ હવાઈ મથક પરથી રવાના થઈ રહ્યા હતા ત્યારે એક કાર્ગો વિસ્તારમાં અમેરિકાએ તેમના પર ડ્રોનથી હુમલો કર્યો હતો.

સુલેમાનીના મોત પર પ્રતિક્રિયા આપતાં ઈરાને કહ્યું કે દેશ અને અખાતના સ્વતંત્ર રાષ્ટ્ર અમેરિકા પાસેથી આ મોતનો બદલો લેશે. ઈરાનમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઈ હતી. ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામૈનિએ કહ્યું કે, ‘આ હુમલા બદલ ગૂનેગારો સામે ભયાનક બદલો લેવામાં આવશે.’તેમણે ઉમેર્યું કે સોલેમની કહેતાં કે દેશ માટે મરવું એ જનરલોની ખ્વાહીશ હોય છે. ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ પશ્ચિમ એશિયામાં ઈરાનના સાથી રાષ્ટ્રોને ટાંકીને કહ્યું, ‘ઈરાન અને આ ક્ષેત્રના અન્ય ત્રણ દેશ ગૂનેગાર અમેરિકા પાસેથી આ ક્રૂર ગૂનાનો બદલો લેશે તેમાં શંકાને કોઈ સૃથાન નથી. આક્રમણકારી અને ગૂનેગાર અમેરિકા દ્વારા સુલેમાનીની શહાદતથી ઈરાન સહિત ક્ષેત્રના બધા દેશોના હૃદયને ઠેસ પહોંચી છે.

તેમના મોતે ઈરાન અને અન્ય સ્વતંત્ર દેશોની અમેરિકાની દાદાગીરી વિરૂદ્ધ ઊભા થવા અને ઈસ્લામિક મૂલ્યોના રક્ષણના દૃઢસંકલ્પને બમણો કરી દીધો છે.’ અમેરિકન હુમલાના વિરોધમાં તહેરાનમાં અબાલ વૃદ્ધ સહિત હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુલેમાનીના વિશાળ કદના પોસ્ટર સાથે તેમણે અમેરિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ વિરોધ દેખાવોમાં જોડાયા હતા. હજારો લોકો સૂત્રો પોકારતા હતા કે, ‘દરેક દુર્વ્યવહારોની ધરી અમેરિકા છે અને ધર્મ તથા કુુરાનનો મુદ્રાલેખ અમેરિકાનું મોત છે.’ તહેરાન ઉપરાંત ઈરાનના અન્ય શહેરો અરાક, બોજનોર્ડ, હામેદન, હોર્મોઝગન, સનાન્દાજ, સેમનાન, શિરાઝ અને યઝ્દ તથા સુલેમાનીના વતન કેર્માનમાં પણ હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા.

બીજી બાજુ અમેરિકાના હુમલાથી મોદી સરકારની ચિંતામાં વધારો થયો છે. યુધ્ધ થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવો વધે ને ભારતની આથક હાલત વધારે બગડે. વિશ્વમાં મંદી ઘેરી બને તેથી પણ મોદી સરકાર ચિંતિત છે. આ યુધ્ધની અસર આરબ દેશો પર પડે . આરબ દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીયો રહે છે તેથી તેમની સલામતી અને આથક હિતો બંને જોખમાય.જો કે મોદી સરકાર આ સ્થિતી નિવારવા કશું કરી શકે તેમ નથી. અમેરિકા કે ઈરાન બંનેમાંથી કોઈ આપણી વાત સાંભળે તેમ નથી છતાં ભારતે સંયમ જાળવવાની અપીલ કરી છે. ભારતના સંબંધો બંને દેશો સાથે સારા છે તેથી ભારત કોઈ એક દેશનો પક્ષ પણ લઈ શકે તેમ નથી.

સુલેમાનીને તો વર્ષો પહેલાં મારી નાંખવાની જરૂર હતી : ટ્રમ્પ લડી લેવાના મૂડમાં
અમેરિકન ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર કાસીમ સુલેમાનીના મોતના વૈશ્વિક સ્તરે ઘણા જ ગંભીર પડઘા પડયા છે ત્યારે સુલેમાનીને મારવાનો આદેશ આપનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે જનરલ કાસીમ સુલેમાનીને તો ઘણા વર્ષો પહેલાં મારી નાંખવાની જરૂર હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે હજારો અમેરિકનોને મારી નાંખ્યા છે અને સુલેમાનીએ અન્ય અનેક અમેરિકનોની હત્યાના કાવતરાં ઘડયાં હતા. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાખો લોકોના મોત માટે તે જવાબદાર હતો. ઈરાન ભલે કબૂલ ન કરે, પરંતુ દેશમાં જ સુલેમાનીને મોટી સંખ્યામાં લોકો ધિક્કારતા અને તેનાથી ભયભીત હતા. સુલેમાનીના મોતથી બહારનું વિશ્વ માને છે તેટલા ઈરાનના લોકો દુ:ખી નથી. તેને હકીકતમાં વર્ષો પહેલાં મારી નાંખવાની જરૂર હતી તેવી ટ્રમ્પે ટ્વીટ કરી હતી.

ભારતમાં એક હુમલામાં પણ સુલેમાનીની સંડોવણી હતી!
રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર કાસીમ સુલેમાનીનું નામ ભારતમાં એક બોમ્બ હુમલામાં સંડોવાયેલું હોવાનું મનાય છે. લેબેનોન, સિરિયા, જર્મની અને ભારતમાં કેટલાક હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના વિદેશોમાં કામ કરતાં યુનિટ અલ કુર્દ્સ ફોર્સનું નામ બહાર આવ્યું છે. નવી દિલ્હીમાં વર્ષ 2012માં ફેબુ્રઆરીમાં ઈઝરાયેલના એક રાજદૂતના વાહન પર બોમ્બ હુમલો થયો હતો. આ હુમલામાં સુલેમાનીની સંડોવણી હોવાનું કહેવાય છે. આ હુમલા પછી દિલ્હી પોલીસે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે નિષ્ફળ બોમ્બ હુમલામાં આઈઆરજીએફના સભ્યો સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. બેંગકોક, થાઈલેન્ડ અને જ્યોર્જિયામાં થયેલા હુમલાઓમાં આઈઆરજીએફનું નામ સંડોવાયું હતું તેવા સમયે નવી દિલ્હીમાં ઈઝરાયેલના રાજદૂત પર હુમલો થયો હતો.
READ ALSO
- ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત
- NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
- ચીનમાં કોલેજ લવર્સને સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ માટે રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર