કોહલી પાસે છે આજે આ નવા રેકોર્ડ બનાવવાની તક, બેટ્સમેનોને આપી આ ધમકી

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલી વાંરવાર તેની વિવાદિત હરકતો અને વર્તણૂંકને કારણે ચર્ચામાં રહેતો હોય છે. બેટ્સમેન તરીકેની જબરજસ્ત સફળતા છતાં કોહલી તેના વ્યક્તિત્વના આ આક્રમક પાસાંને કારણે ટીકાકારોના નિશાન પર રહેતો હોય છે. મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ અગાઉ કોહલીએ કહ્યું કે, મને મારી ઈમેજની પરવા નથી. મારું ધ્યાન તો માત્ર રમત પર અને મારી ટીમને જીતાડવા પર હોય છે. 

બોક્સિંગ ડે ટેસ્ટ અગાઉ આગવા અંદાજમાં કોહલીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, હું શું કરું છું કે, હું કેવું વિચારું છું. તે અંગે હું જાહેરાતનું પાટિયું લઈને દુનિયાને બતાવવા નથી માંગતો કે ખુલાસો કરવા નથી માગતો કે હું આવો છું અને તમારે મને ગમાડવો જ પડશે કે મારા વર્તનને તમે સ્વીકારો જ . આ બધી બાબત તો બહારની તરફ થાય છે. તેના પર મારું કોઈ નિયંત્રણ નથી. દરેકની પાસે વ્યક્તિગત એ બાબત પસંદ કરવાનો અધિકાર છે કે, તેને શેના પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. મારૃ ધ્યાન ટેસ્ટ મેચ પર, ટેસ્ટ મેચ જીતવા પર અને ટીમ માટે સારો દેખાવ કરવા પર કેન્દ્રિત હોય છે. 

કોહલીએ આ વર્ષે તમામ ફોર્મેટમાં 2653 રન બનાવ્યા

વિરાટ કોહલી આજથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખે તો તે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. કોહલી જો આ મેચની બંને ઇનિંગમાં મળી કુલ 181 રન બનાવે તો તે એક વર્ષમાં તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. કોહલીએ આ વર્ષે તમામ ફોર્મેટમાં 2653 રન બનાવ્યા છે. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે વર્ષ 2005માં 2833 રન બનાવ્યા હતા. કોહલી આ રેકોર્ડથી 180 રન પાછળ છે.

સચિનના 12 ટેસ્ટ ફટકારવાની બરાબરી કરી લેશે

કોહલી આ મેચમાં સદી ફટકારે તો તે કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ એટલે કે સચિનના 12 ટેસ્ટ ફટકારવાની બરાબરી કરી લેશે. સચિને 1998માં આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ આ વર્ષે પાંચ ટેસ્ટ અને છ વન-ડે સદી ફટકારી છે. આ ઉપરાંત તે સદી ફટકારી સુનીલ ગાવસ્કરની બરાબરી પણ કરી લેશે. ઓસ્ટ્રેલિયા સામે ગાવસ્કરે આઠ સદી ફટકારી છે જ્યારે કોહલીએ સાત સદી નોંધાવી છે. ભારત માટે આ રેકોર્ડ સચિનના નામે છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે 11 સદી ફટકારી છે. કોહલી જો 82 રન બનાવે તો તે વિદેશી ધરતી પર એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે. આ રેકોર્ડ અત્યાર સુધી રાહુલ દ્રવિડના નામે છે જેણે 2002માં 1137 રન બનાવ્યા હતા. કોહલીએ આ વર્ષે વિદેશી ધરતી પર અત્યાર સુધી 1065 રન બનાવ્યા છે.

ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની બરાબરી કરી લેશે

કોહલીની કેપ્ટનશિપમાં જો ભારતીય ટીમ આ મેચ જીતી જાય તો તે એશિયાની બહાર સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની બરાબરી કરી લેશે. ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતે એશિયા બહાર છ ટેસ્ટ જીતી હતી જ્યારે કોહલીની કેપ્ટનશિપમાં ભારતે પાંચ મેચ જીતી છે. કોહલીએ ઊમેર્યું કે, મારા માટે લોકો શું કહે છે કે પછી તેઓ શું લખે છે, તે અંગે હું વિચારતો નથી. તેની મને પરવા પણ નથી. તે બધું મે કહેલું કે લખેલું નથી. દરેક વ્યક્તિ પોતાના મંતવ્યો માટે અધિકારી છે અમને મને તે માટે આદર પણ છે. 

બેટ્સમેનોએ આગળ વધીને જવાબદારી સ્વીકારવાની જરૂર

દરમિયાનમાં મેલબોર્ન ટેસ્ટ અંગે કોહલીએ બેટ્સમેનોને સારા દેખાવનું અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, મને લાગે છે કે, બેટ્સમેનોએ આગળ વધીને જવાબદારી સ્વીકારવાની જરુર છે. અમારા બોલરોએ શાનદાર દેખાવ કરતાં હરિફો પર દબાણ સર્જ્યું છે. જોકે અમારા બેટ્સમેનોએ એટલા રન નથી કર્યા કે, જેનાથી બોલરો તેમના કૌશલ્ય થકી ટીમને સફળતા અપાવી શકે. બેટ્સમેનો તેમનો દેખાવ સુધારવો પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter