અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર પ્રથમવાર ભયજનક સપાટી પર, થશે ગંભીર અસરો

અમદાવાદ મ્યુનિસિપાલિટીએ બહાર પાડેલી એક એડવાઈઝરીના આંકડા પર નજર કરતા માલુમ પડે છે કે, શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ગઈ કાલે 309 એક્યૂઆઈ (એર ક્વોલિટી ઈન્ડેક્સ) પર પહોંચ્યું હતું. રાયખંડમાં આ એક્યૂઆઈ 422ની અત્યંત ભયજનક સપાટીએ પહોંચી જવા પામ્યો હતો. આ અગાઉ સોમવારે એક્યૂઆઈનું સ્તર 195 હતું. જેમાં એકાએક પરિવર્તન થઈને પ્રદૂષણનું સ્તર ભયજનક થઈ ગયું હતું. શહેરના અન્ય વિસ્તારોમાં પણ એક્યૂઆઈ સરેરાશ 300થી 345 રહ્યું હતું.

દેશના પશ્ચિમ ભાગમાં હાલ કોલ્ડ વેવની સ્થિતિ

આમ એકાએક પ્રદૂષણ વધવાનું કારણ આપતા મ્યુ. એન્વાયરમેન્ટ એન્જિનિયર દર્શના પટેલે જણાવ્યું હતું કે, શિયાળામાં ભેજનું પ્રમાણ વધતા રજકણો ઉંચે ન ચઢી શકે તેથી પ્રદૂષણ વધે છે. આ સિવાય વાહનોની સંખ્યામાં વધારો, ફેક્ટરીની ચીમનીનો ઘુમાડો, કોલ્ડ વેવ કારણભૂત છે. જોઇન્ટ ડાયરેક્ટર ઓફ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિરિયોલોજીના ડો. ગુરફાન બેગે આ અંગે જણાવ્યું હતું કે, દેશના પશ્ચિમ ભાગમાં હાલ કોલ્ડ વેવની સ્થિતિ છે, જેના કારણે ઉપરનું હવાનું દબાણ વધુ હોવાથી પ્રદૂષણ નીચે ઉતરતું હોય છે. તેમણે આ સ્થિતિ બે દિવસ રહેશે તેમ જણાવ્યું હતુ.

ફેફસાંના રોગ થવાની શક્યતા વધશે…

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શહેરમાં બે દિવસથી પવનની ગતિ પ્રતિ કલાક 4થી 5 કિલોમીટર તેમજ સવારે અને બપોર પ્રતિ કલાક ઝીરો કિલોમીટરની હતી. જયારે પવનની ગતિ મંદ હોય ત્યારે હવામાં રહેલાં ધુળ-રજકણો આગળ વધવાને બદલે એક જ જગ્યાએ સ્થિર થાય છે. વાતવરણમાં ભળેલા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ અને ધૂળના રજકણોથી ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. આને લીધે ફેફસાંના રોગ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, ખરાબ વાતાવરણને કારણે આંતરડા, આંખ, નાકને લગતી તકલીફો વધાવાની શક્યતાઓ છે.

વિસ્તાર AQI કેવું કહેવાય? અસર

રાયખડ 442 ગંભીર અસ્થમા, હૃદય રોગી માટે જોખમી
રખિયાલ 308 અતિ ગંભીર શ્વાસની બીમારીનું જોખમ
ચાંદખેડા 301 અતિ ગંભીર ફેફસાંની તકલીફ પણ થઈ શકે
એરપોર્ટ 293 ગંભીર શ્વાસ લેવામાં તકલીફ
પિરાણા 275 ગંભીર શ્વાસ લેવામાં તકલીફ
સેટેલાઇટ 188 મધ્યમ અસ્થમા, હૃદય રોગીને શ્વાસમાં તકલીફ બોપલ 158 મધ્યમ અસ્થમા, હૃદય રોગીને શ્વાસમાં તકલીફ

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter