GSTV

વડોદરાનાં નરાધમો TV જોતા ન હોવાથી ખબર જ ન હતી કે પોલીસ એમને શોધે છે

વડોદરાના નવલખી મેદાનમાં મિત્ર સાથે ફરવા ગયેલી સગીરા પર બળાત્કાર ગુજારનાર બે નરાધમોને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા. આ ચકચારી ઘટનાના દસ દિવસની અથાગ મહેનતના અંતે ક્રાઈમ બ્રાંચને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. રાજ્ય સરકાર અને ગૃહમંત્રીએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. મહત્વની વાત એ છે કે બળાત્કાર ગુજાર્યા બાદ બન્ને આરોપીઓ વદોડરાના તરસાલી વિસ્તારમાં જ છુપાયા હતા જ્યારે પોલીસે માત્ર ગુજરાત નહી પણ રાજસ્થાન સુધી આરોપીઓને પકડવા શોધખોળ આદરી હતી. પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે આરોપીઓ વડોદરા શહેરમાં મેળાઓમાં ફુગ્ગા વેચતા હતા.તેમણે લુંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક પાસે કંઈ ન મળતા તેને મારઝુડ કરીને ભગાડી દીધા બાદ સગીરાને ઝાડીમાં ખેંચી જઈને તેની સાથે દુષ્કૃત્ય આચર્યું હતું.

દસ જ દિવસમાં પકડાયા આરોપીઓ

દેશમાં બળાત્કાર અને હત્યાના બનાવાના માહોલ વચ્ચે ૨૮ નવેમ્બર ૨૦૧૯નાં રોજ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવલખી મેદાનમાં મિત્ર સાથે ફરવા ગયેલી સગીરા પર બે શખ્સોએ ગેંગરેપ ગુજારતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ કેસમાં તપાસ હાથ ધરીને દસ જ દિવસમાં બન્ને આરોપીઓને વડોદરાના તરસાલી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. જેમાં વડોદરાના તરસાલી ગંગાસાગર રોડના ફુટપાથ પર રહેતા કિશન કાળુભાઈ માથાસુરીયા (૨૮) અને તરસાલી ચોકડી પાસે સોમા તલાવડી પાસે કાચા છાપરામાં રહેતા જશો વનરાજ સોલંકી(૨૧)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે મોબાઈલ ઉપરાંત સગીરાના મિત્રના સ્કુટરની ચાવી કબજે કરવામાં આવી હતી.

પાછળ ન જોતી કહી આરોપીઓએ…

આ બનાવની વિગત મુજબ સગીરા તેના મિત્ર સાથે નવલખી મેદાનમાં ફરવા ગઈ હતી. તે સમયે અહીં ઉર્સનો મેળો ભરાયો હોવાથી લોકોની ભારે ભીડ હતી. યુવક સગીરા સાથે મેદાનના ખુંણામાં સ્કુટર પર બેઠી હતી ત્યારે બે શખ્સો લુંટના ઈરાદે તેમની પાસે આવ્યા હતા. જોકે યુવક પાસે કંઈ ન મળતા આરોપીઓએ તેને મારઝુડ કરીને ભગાડી દીધો હતો. સગીરા પાસે પણ દાગીના કે કોઈ કિંમતી વસ્તુ ન હતી. જેને પગલે તેમણે કિશોરીને બે ત્રણ તમાચા મારીને બળજબરીપુર્વક ખેંચીને ગોલ્ફ ક્લબની દિવાલ પાસે લઈ ગયા હતા. બન્ને નરાધમોએ સગીરાને ઉચકીને સાત ફુટ ઉંચી દિવાલ પરથી બીજીતરફ ફેંકી દીધી હતી અને પોતે પણ દિવાલ કુદીને ત્યાં પહોંચ્યા હતા. તેઓ સગીરાને લક્ષ્મીવિલાસ પેલેસના પાછળના ભાગે એકાદ કિલોમીટર દુર આંબાવાડીમાં લઈ જઈને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. બાદમાં આરોપીઓએ સગીરાને ઉંધી દિશામાં ઉભી રાખીને પાછળ ન જોવાની ધમકી આપીને બન્ને આરોપી ભાગી ગયા હતા. ગેંગરેપની આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. વડોદરા શહેર પોલીસ અને વડોદરા ક્રાઈમ બ્રાંચે આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી. ે આરોપીઓ રાજસ્થાનમાં હોવાની શક્યતાને આધારે પણ પોલીસે તપાસ કરી હતી.

રાજ્યના ગૃહમંત્રી પીડિતાના પરિવારને મળ્યા

બીજીતરફ રાજ્ય સરકારે આ બનાવની ગંભીર નોંધ લીધી હતી અને રાજ્યના ગૃહમંત્રીએ પોતે ઘટનાસ્થળની વિઝીટ કરીને પિડીતાના પરિવારને મળ્યા હતા. બનાવની ગંભીરતાને લઈને ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડાએ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયા અને સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરને તપાસ કરવા જણાવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાચના ડીસીપી દીપન ભદ્રન સાથે પી.આઈ.આર.એસ.સુવેરા, ડી.બી.બારડ,એ.વાય.બલોચ વગેરેની ટીમ વડોદરા પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વડોદરા અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મળીને ઘટનાસ્થળની આસપાસના તથા અન્ય લોકો મળીને ત્રણ હજારથી વધુ લોકોની પુછપરછ કરી હતી. તે સિવાય ટેકનીકલ ઈનપુટ, હ્યુમન ઈન્ટેલીજન્સ તથા સીસીટીવી ફુટેજને આધારે આરોપીઓ વડોદરા આસપાસના જ હોવાનું જણાયું હતું. પોલીસને પુછપરછને અંતે ટેકનીકલ પુરાવા અને હ્યુમન ઈન્ટેલીજન્સની કડીઓ જોડતા આ પ્રકારના ગુનામાં ચોક્કસ શક્સો જ સંડોવાયેલા હોવાના નિષ્કર્ષ પર પહોંચી હતી. અંતે ક્રાઈમ બ્રાંચે વડોદરાના તરસાલી વિસ્તારમાં છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળતા કિશન માથાસુરીયા અને જશો સોલંકીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસને બનાવને સંલગ્ન પુરાવા મળ્યા હતા ઉપરાંત ફરિયાદીએ એફઆઈઆરમાં જણાવેલી વિગતોને આરોપીઓની પુછપરછમાં સમર્થન મળ્યું હતું. આ ગુનો ઉકેલવામાં વડોદરા શહેર પોલીસ એ વડોદરા ક્રાઈમ બ્રાંચે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્વની કડીઓ પુરી પાડી હતી. બન્ને આરોપીને વડોદરા ક્રાઈમની ટીમને સોંપવામાં આવતા તેઓ વધુ તપાસ માટે આરોપીઓને લઈને વડોદરા રવાના થયા હતા.

એકતરફ બાળકી પિંખાતી હતી અને નજીકના અંતરે પોલીસ તપાસ કરતી હતી

ગોલ્ફ ક્લબની દિવાલ પાછળ લક્ષ્મીવિલાસ પેલેસના પાછળના ભાગે એક કિલોમીટર દુર આરોપીઓ કિશોરી સાથે ગેંગરેપ ગુજારતા હતા જ્યારે દિવાલની બીજીતરફ પોલીસ તપાસ કરી રહી હતી. આરોપીઓએ યુવકને મારઝુડ કરીને ભગાડી દીધા બાદ તેણે એક મહિલાની મદદથી પોલીસને ફોન કરતા પોલીસ સાત મિનીટમાં પહોંચી ગઈ હતી. પરંતું સાત ફુટ ઉંચી દિવાલ પાછળ ઝાડીમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ પોલીસને આવ્યો ન હતો. જો પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી હોત તો આરોપીઓ તે સમયે જ ઝડપાઈ ગયા હોત.

અંધારામાં લાઈટનું અજવાળુ દેખાતા પિડીતાએ ન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડના વોચમેનને જાણ કરી

વડોદરાના નવલખી મેદાનમાં કિશોરી તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે લુંટના ઈરાદે આવેલા આરોપીઓએ કિશોરીના મિત્રને ભગાડી મુક્યો હતો. બાદમાં નરાધમો સગીરાને ઝાડી ઝાંખરાવાળા રસ્તેથી સગીરાને ગોલ્ફ ક્લબની દિવાલ પાસે લઈ ગયા હતા. તેમણે કિશોરીને ઉચકીને સાત ફુટ ઉંચી દિવાલ પરથી સગીરાને બીજીતરફ ફેંકી દીધી હતી. બાદમાં તેઓ પણ દિવાલ કુદીને સગીરા પાસે પહોંચ્યા હતા. સાત ફુટ ઉપરથી ફેંકતા સગીરાને શરીરે બેઠો માર લાગ્યો હતો. બન્ને આરોપીઓ કિશોરીની ખેંચીને લક્ષ્મીવિલાસ પેલેસની પાછળ એક કિલોમીટર દુર લઈ ગયા હતા અને આંબાની વાડીમાં તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી જશો સોલંકીએ કિશોરી પર બે વાર દુષ્કર્મ કર્યું હતું.

પિડીતાના મિત્રને ભગાડી મુકાયા બાદ તેણે ગ્રાઉન્ડમાં હાજર લોકોને બનાવ અંગે જાણ કરી મદદ કરવા ઘણી વિનંતી કરી હતી પરંતું કોઈએ તેની વાતને ગંભીરતાથી લીધી ન હતી. આથી તેણે નજીકમાં રહેતી એક મહિલાના ફોન પરથી પોલીસ કંટ્રોલને ફોન કરતા સાત જ મિનીટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કિશોરી અને તેના મિત્ર નવલખી મેદાનના જે ખુણામાં બેઠા હતા તે આખા વિસ્તારમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી પરંતુ કિશોરી કે આરોપીઓનો પતો લાગ્યો ન હતો. પોલીસે દિવાલની બીજીતરફ પણ તપાસ કરી હોત તો કદાચ આરોપીઓ ઝડપાઈ ગયા હોત.

વિકૃત માનસિકતા ધરાવતો આરોપી પોર્ન સાઈટનો શોખીન હતો

સગીરા પર ગેંગરેપની આ ઘટનામાં એક આરોપીની વિકૃત માનસિકતા પણ જવાબદાર હતી. જશા નામનો આરોપી ઈન્ટરનેટ પર પોર્ન સાઈટ જોવાનો શોખીન હતો. પુછપરછ દરમિયાન પોલીસે લાલ આંખ કરતા જશાએ આ બાબત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જશો અવારનવાર મોબાઈલ પર ઈન્ટરનેટ પર આ પોર્ન સાઈટો જોતો રહેતો હતો.

બનાવ વખતે સિગારેટ સળગાવતા સગીરાએ બન્નેના ચહેરા યાદ રાખ્યા

વડોદરા ક્રાઈમ બ્રાંચે બન્ને નરાધમો સુધી પહોંચવા તેમના બે વખત સ્કેચ તૈયાર કરાવ્યા હતા. કિશોરીએે બનાવ વખતે એક આરોપીએ સિગારેટ માટે દિવાસળી સળગાવતા બન્નેના ચહેરા દેખાઈ ગયા હતા. બાદમાં કિશોરીએ સ્વસ્થ થયા બાદ આરોપીઓના કરેલા વર્ણનને આધારે પોલીસે સુરતના એક આર્ટીસ્ટ મારફતે ત્રીજો સ્કેચ તૈયાર કરાવ્યો હતો.

અખબાર કે ટીવી જોતા ન હોવાથી પોલીસ તેમને શોધતી હોવાની ખબર ન પડી

ફુગ્ગા વેચતા બન્ને આરોપી બનાવ બાદ વડોદરામાં પોતાના ઘરે જતા રહ્યા હતા.અભણ જેવા આરોપીઓ ટીવી કે અખબાર વાંચતા ન હોવાથી પોલીસની કાર્યવાહીથી અજાણ હતા. જેને કારણે પોલીસ તેમના સુધી પહોંચી ગઈ હતી.

મેળાઓમાં ફુગ્ગા વેચતા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

ધરપકડ કરાયેલો આરોપી કિશન માથાસુરીયા અગાઉ મારામારી અને ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. જશો વિરૃધ્ધ પણ નાની મોટી ચોરીના ગુનો નોંધાયેલા છે.પોલીસ હવે તેમની સામે દુષ્કર્મ જેવા ગંભીર ગુના હતા કે કેમ તેની તપાસ કરી રહી છે. મેળામાં ફુગ્ગા વેચતા આરોપીઓ એકાંતમાં બેઠેલા કપલને ધમકાવીને લુંટ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી ?

બનાવ બાદ એક આરોપીના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો. જે સાત સેકન્ડ સુધી ચાલ્યો હતો. પોલીસે આરોપીના મોબાઈલના સીડીઆર કઢાવતા આ માહિતી મળતા મહત્વની કડી હાથ લાગી હતી.

આ રીતે પોલીસે નરાધમોને પકડ્યા

બળાત્કારના ગુનામાં સંડોવાયેલા બંન્ને આરોપીઓ પૈકી સૌ પ્રથમ કિશન માથા સુરિયાને પોલીસે ઝડપી પાડયો હતો જે વડોદરાની ફુટપાથ પર ખુરશીના ડટ્ટા વેચવાનો ધંધો કરે છે. કિશનની પૂછપરછ દરમિયાન આરોપી જશા સોલંકીનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસની ટીમ ઢળતી સાંજે કિશનને લઇને જશા સોલંકીના ઘરે ગઇ હતી. અને જસાને ઘરમાંથી જ પકડી લીધો હતો. ચૂપચાપ બંન્ને આરોપીઓને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ તરત જ અમદાવાદ જવા રવાના થઇ ગઇ હતી.

પરિવારને મોડે મોડે ખબર પડી

બીજી તરફ આખી રાત જશો સોલંકી પાછો ઘેર નહીં આવતા તેના પરિવારજનો તપાસ કરવા માટે મકરપુરા પોલીસ સ્ટેશન પણ ગયા હતા પરંતુ ત્યાં જશો કે કિશન મળી આવ્યા નહોતા તે પછી મોડેથી મકરપુરા પોલીસ જશાના પરિવારને પોલીસ સ્ટેશન લાવી ત્યારે જ તેઓને ખબર પડી કે જશા એ તો નવલખી કમ્પાઉન્ડમાં કિશોરી પર બળાત્કારનું અધમ કૃત્ય કરેલું છે. જશો સોલંકી હજી કુંવારો છે અને તે પોતાના ભાઇ-ભાભી સાથે રહે છે. પરંતુ મળતી માહિતી મુજબ કિશન માથાસુરિયા પરિણીત છે અને તેની બે પત્ની છે. પરંતુ તેની એક પણ પત્ની તેની સાથે રહેતી નથી. અને ફૂટપાથ પર તે એકલવાયું જ જીવન ગુજારે છે.

બનાવના દિવસે જશો ગયો હતો ફિલ્મ જોવા

જશા સોલંકીના પરિવારમાં એક સભ્યએ જણાવ્યું હતું કે જશો રોજ પોતાનું કામ પુરૂ કરીને બપોરે ચાર વાગ્યે ઘરે આવી જતો હતો પરંતુ બનાવના દિવસે જશો સોલંકી રાત્રે મોડો ઘરે આવ્યો હતો અને પોતે પિક્ચર જોવા ગયો હોવાનું કહ્યું હતું. બનાવ પછી બંન્ને આરોપીઓ જાણે કશું બન્યું જ ન હોય તેમ ડટ્ટા, ફુગ્ગા વિગેરે વેચવા ઘરેથી નીકળી પડતા હતા.

READ ALSO

Related posts

એનસીબીએ એવો તો કયો ડર બતાવ્યો કે હું બહુ સારી અભિનેત્રીનો રાગ આલાપતી રિયાએ આખે કબૂલ્યું કે તે ડ્રગ્સ લે છે

Bansari

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!