રશિયા-યુક્રેન વચ્ચે શાંતિમંત્રણાના વધુ એક રાઉન્ડ વચ્ચે યુક્રેનના હેલિકોપ્ટરે સરહદ વટાવી રશિયાના ઓઇલ ડેપો પર હુમલો કરતા બંને દેશો વચ્ચેની તંગદિલીમાં વધારો થયો છે. રશિયાના બેલગોરોડ પ્રાંતના ગવર્નરે જણાવ્યું હતું કે કિથત હુમલાના લીધે ડેપોમાં આગ ફાટી નીકળી છે અને બેને ઇજા થઈ છે. ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બનાવની વાટાઘાટો પર અસર પડી શકે છે. તુર્કીમાં ઇસ્તંબુલ ખાતે થયેલી મંત્રણામાં યુક્રેને નાટોમાં જોડાવવાની વાત પડતી મૂકવાની અને બીજી માંગો પર વિચાર કરવાની ખાતરી આપી છે.
તેની સામે રશિયાના પ્રતિનિધિમંડળના વડા વ્લાડીમીર મેડિન્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રશિયાનું ક્રીમિયા પર કબ્જો જાળવી રાખવાનુ અને પૂર્વી યુક્રેનમાં રશિયન સમર્થિત અલગતાવાદીઓનો વિસ્તાર જાળવી રાખવાના વલણમાં કોઈ બદલાવ આવ્યો નથી.
ચેર્નોબિલમાં પ્રદૂષિત વિસ્તારમાં રશિયન સૈનિકોએ ખાઇઓ ખોદતાં તેમાંથી પ્રસરેલા કિરણોત્સર્ગની અસર સૈનિકો પર થવાને પગલે રશિયાના સૈનિકો ચેર્નોબિલ છોડીને રવાના થઇ રહ્યા હોવાનો દાવો યુક્રેને કર્યો હતો.
ચેર્નોબિલમાં સ્ટેટ પાવર પ્લાન્ટમાં ઓપરેટર તરીકે કામ કરતાં ઇનેરોગોટોમે જણાવ્યું હતું કે હાલ બંંધ પડી રહેલા આ પ્લાન્ટની ફરતે આવેલા જંગલમાં રશિયન સૈનિકોએ ખાઇઓ ખોદી હતી. જેના કારણે તેઓ કિરણોત્સર્ગનો ભોગ બન્યા હતા. જોે કે, તેણે કેટલા સૈનિકોને કેવી અસર થઇ તે બાબતે કશો ફોડ પાડયો નહોતો.

સૈનિકોએ ખાઇઓ ખોદી તે સાથે તેમનામાં તરત જ માંદગીના લક્ષણ જોવા મળ્યા હતા. માંદગીના લક્ષણો જોવા મળતાં જ રશિયન સૈનિકો ગભરાઇ ગયા હતા. એ પછી તેમણે આ સ્થળેથી રવાના થવાની તૈયારીઓ કરવા માંડી હતી. 1986માં ચેર્નોબિલમાં અણુઅકસ્માત થવાને પગલે કિરણોત્સર્ગ ફેલાતાં આ સ્થળને ત્યજી દેવામાં આવ્યું હતું.
પરંતુ રશિયાએ 24 ફેબુ્રઆરીએ યુક્રેન પર આક્રમણના પ્રથમ તબક્કામાં જ ચૈર્નોબિલને કબજે કરી લીધું હતું. એક તરફ રશિયા યુદ્ધ તહકૂબીની વાતો કરી સૈનિકોના જૂથની ફરી રચના કરી રહ્યું છે. આ સંજોગોમાં રશિયન સૈનિકોએ ચેર્નોબિલમાંથી રવાના થવાનો નિર્ણય લીધો હોવાનું યુક્રેને જણાવ્યું હતું.
રશિયાના મારિયુપોલ પરના હુમલાના લીધે સમગ્ર શહેર ખાલી થવા આવ્યુ છે. યુદ્ધ પૂર્વે અહીં વસતા સાડા ચાર લાખ લોકોમાં હવે માંડ એક લાખ લોકો રહ્યા છે. મોટાભાગના લોકો હ્યુમન કોરિડોરની મદદથી નીકળી ગયા છે.
રશિયાએ પણ તીવ્ર પ્રતિકારના લીધે સમગ્ર યુક્રેન પર કબ્જો કરવાનું તેનું ધ્યેય બદલ્યુ છે. તેના બદલે હવે તે યુક્રેનના પૂર્વી વિસ્તારો જેવા કે ડોનબાસ જ્યાં મારિયુપોલ આવ્યુ છે તેના પર જ કબ્જો કરીને તે મજબૂત બનાવવા માંગે છે. ડોનબાસ મુખ્યત્વે રશિયન ભાષીઓનું ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે. તેના અલગતાવાદીઓએ યુક્રેન સામે 2014થી લડી રહ્યા છે.
તેમણે બંને વિસ્તારોને સ્વતંત્ર પ્રજાસત્તાક જાહેર કર્યા છે. આ ઉપરાંત બૈજિંગે વર્તમાન યુદ્ધ માટે નેટો અને અમેરિકાને જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું હતું કે સોવિયત યુનિયનના વિઘટન પછી નેટોને પણ વિખેરી નાખવાની જરૂર હતી. નેટોના સભ્ય દેશોની સંખ્યા 16થી વધીને 30 થઈ. આમ તેણે છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર વિસ્તરણ કર્યુ છે.
READ ALSO:
- યુક્રેનના હેલિકોપ્ટરે સરહદ વટાવી રશિયાના ઓઇલ ડેપો પર કર્યો હુમલો, બંને દેશો વચ્ચેની તંગદિલીમાં થયો વધારો
- મુખ્ય ન્યાયધીશ એન.વી. રમન્નાની ટકોર, કહ્યું-લોકોમાં સીબીઆઈની વિશ્વસનીયતા ઘટી ગઈ
- રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવવા ભારત બની શકે છે મધ્યસ્થી : રશિયન વિદેશમંત્રી લાવરોવ
- IPL 2022 : આન્દ્રે રસેલના તોફાનને કારણે ફાફ ડુ પ્લેસિસને થયુ નુકશાન, ઓરેન્જ કેપ માથા પરથી સરકી
- KKR vs PBKS : ઉમેશ યાદવ અને આન્દ્રે રસેલની સામે પંજાબ ધ્વસ્ત, આઈપીએલ 2022માં કોલકાતાની બીજી જીત