GSTV
Home » News » જાણો 26 નવેમ્બર 2008ના મુંબઇ આતંકી હુમલા વિશે વિગતે

જાણો 26 નવેમ્બર 2008ના મુંબઇ આતંકી હુમલા વિશે વિગતે

26 નવેમ્બર 2008 આ દિવસ ભારતીયોના જનમાનસમાંથી ક્યારેય નહિં ભૂલાય. ભારતીય ઇતિહાસનો એવો કાળો દિવસ કે જેને યાદ કરતા પણ કંપારી છૂટી જાય. પાકિસ્તાનથી લશ્કરના 10 આતંકીઓ દરિયાઇ માર્ગે મુંબઇમાં ઘુસ્યા. સતત 4 દિવસ સુધી મુંબઇ પર આતંક અને મોતનો એવો ઓછાયો મંડરાયો કે જે મુંબઇગરાઓ આજે પણ નથી ભૂલ્યા. મુંબઇના આતંકી હુમલામાં અંદાજે 166 નિર્દોષ લોકોના મોત થયા. આવો જોઇએ 2008ના નવેમ્બર મહિનાની 26 થી 29ની રાત્રિ દરમ્યાન શું બન્યું.

ભારતીય ઇતિહાસનો એ કાળો દિવસ હંમેશા ભારતીયોના જનમાનસમાં એવો અંકિત થઇ ગયો છે કે જેને કોઇ ભારતીય ઇચ્છે તો પણ ભૂલી શકે તેમ નથી. પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓએ 4 દિવસ સુધી મુંબઇને એવું બાનમાં લીધું કે સમગ્ર ભારત હચમચી ઉઠ્યું. દેશના ઇતિહાસમાં 26-11નો મુંબઇ હુમલો સૌથી ભયાનક આતંકી હુમલો હતો કે જેને યાદ કરી આજે પણ સૌ કોઇ કંપી ઉઠે છે.

પાકિસ્તાનના 10 આતંકવાદીઓ પોતાના નાપાક ઇરાદા પાર પાડવાના મનસુબા સાથે કોલાબાના દરિયાકાંઠેથી બોટ વડે ભારતમાં ઘુસ્યા. હથિયારો અને દારૂગોળાના જથ્થા સાથે આવેલા આતંકીઓની વેશભૂષા પણ એવી હતી કે કોઇને ખ્યાલ પણ ન આવ્યો કે આગામી કેટલીક કલાકો મુંબઇ માટે કેટલા ભયાવહ નીવડવાના છે. મુંબઇ આવીને તમામ આતંકી 2-2ના ગ્રુપમાં વહેંચાઇ ગયા અને મુંબઇના વિવિધ વિસ્તારમાં નીકળી પડ્યા.

10 પૈકી 2 આતંકીઓ દક્ષિણ મુંબઇના કોલાબા સ્થિત લિયોપોલ્ડ કાફે પહોંચ્યા, તો અન્ય 2 આતંકીઓ નરીમન હાઉસ, 2 આતંકીઓ છત્રપતિ શિવાજી ટર્મિનસ, 2 આતંકીઓ હોટલ ટ્રાઇડેન્ટ ઓબેરોય અને બાકીના 2 આતંકીઓ તાજ હોટલ તરફ આગળ વધ્યા. પોતપોતાના લોકેશન પર પહોંચતા જ આતંકીઓએ બેફામ ફાયરિંગ અને આડેધડ ગ્રેનેડ બ્લાસ્ટ કરવાનું શરૂ કરી દીધું.

ઇસ્માઇલ ખાન અને અજમલ કસાબે સીએસટીને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું. અહીં અંદાજે 58 લોકોના મોત થયા. જે બાદ તેઓએ કામા હોસ્પિટલમાં આતંક મચાવ્યો. બીજી તરફ તાજ હોટલ તેમજ ઓબેરોય ટ્રાઇડેન્ટને પણ બાનમાં લેવામાં આવી. અહીં પણ આતંકીઓએ અનેક નિર્દોષ લોકોનો ભોગ લીધો. આતંકી હુમલાની જાણ થતાં જ સૈન્યના જવાનો અને કમાન્ડોએ મેરેથોન ઓપરેશન શરૂ કર્યું. જેમાં 200 એનએસજી કમાન્ડો અને સૈન્યના 50 જવાનો સામેલ થયા. આ ઉપરાંત સૈન્યની અન્ય 5 ટુકડીઓને પણ મુંબઇ મોકલવામાં આવી.

હોટલ ઓબેરોયના ઓપરેશનને પૂર્ણ કરવામાં ત્રણ દિવસ લાગ્યા. 28 નવેમ્બરે બપોરે હોટલ ઓબેરોયનું ઓપરેશન પૂર્ણ થયું અને તે જ સાંજે નરીમન હાઉસને પણ ખાલી કરાવવામાં આવ્યું. પરંતુ તાજ હોટલમાં કમાન્ડો વચ્ચે શરૂ થયેલી અથડામણ 29 નવેમ્બરની સવારે પૂર્ણ થઇ. કુલ 10 પૈકી 9 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. જ્યારે કે અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો. પરંતુ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદ આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. મુંબઇ હુમલાને એક દાયકો વીતી ચૂક્યો છે. પરંતુ આ હુમલાએ મૃતકોના પરિવારજનોને એવા ઘાવ આપ્યા છે જે એક દાયકા બાદ પણ નથી ભરાયા.

Related posts

હજારો પ્રવાસી પક્ષીઓ માટે કબ્રસ્તાન બન્યુ રાજસ્થાનનું આ પર્યટન સ્થળ, ઝેર આપવાની શંકા

Kaushik Bavishi

ઉદ્ધવ ઠાકરેનો પલટવાર, ભાજપે ક્યા આધારે જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે સરકાર બનાવી

Nilesh Jethva

આસામ: આ ધારાસભ્યની મદદથી પકડાયો પાંચ લોકોને મારનાર ‘લાદેન’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!