GSTV

વીજળી પડતા ગુજરાતભરમાં 10 લોકોના મોત, બાળકી સહીત 5 મહિલાના પણ ગુમાવ્યા જીવ

રાજ્યભરમાં સતાવાર ચોમાસાની શરૂઆત થઇ છે. પરંતુ, ચોમાસાના દિવસો ઘણા લોકો માટે મોતનું કારણ બનીને આવ્યા હોય તેમ લાગે છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વીજળી પાડવાની ઘટનાઓ બની જેમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો દહેગામમાં પણ એક મહિલાનું મોત થયું છે.

સૌરાષ્ટ્રમાં 8 લોકોના મોત

સૌરાષ્ટ્રમાં આજે ગાજવીજ અને કડાકાભડાકા સાથે વરસેલા વરસાદ દરમ્યાન આકાશી વીજળી યમદૂત બનીને ત્રાટકતાં જુદી જુદી ઘટનામાં 8 લોકો કાળનો કોળિયો બની જતાં અરેરાટી પ્રસરી હતી.

જામનગરમાં માતા-પુત્રના મોત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ગામમાં વીજળી પડવાના કારણે માતા-પુત્રના કરૂણ મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે રહેતા ખેડૂત પરિવારના કેટલાક સદસ્યો બપોરે તેમની વાડીએ હતા ત્યારે વીજળી પડતા કાકી-ભત્રીજીએ અને કાલાવડ તાલુકામાં એક યુવાને પ્રાણ ગુમાવ્યા હતા, જ્યારે બોટાદ જિલ્લામાં એક વૃદ્ધ, એક કિશોરી અને એક યુવતીનાં મોત થયા હતા.

રક્કા ગામમાં રહેતા વિજય જયેશભાઈ સીતાપરા (12) અને તેની માતા નીતાબેન  સીતાપરા(35) આજે ચાલુ વરસાદે પોતાની વાડીમાં હતા. નીતાબેન નિંદવાનું કામ કરતા હતા અને તેનો વિજય તેની બાજુમાં ઉભો હતો. જે દરમિયાન એકાએક ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો ત્યારે વીજળી ત્રાટકી હતી.

જૂના વિરમદડ ગામે વીજળી પડતા 2 મહિલાના મોત , 2 ઈજાગ્રસ્ત

જ્યારે જામખંભાળીયાના જૂના વિરમદડ ગામે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ દરમિયાન બપોરે આશરે દોઢેક વાગ્યે સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત કુટુંબના સભ્યો જમીને બેઠા હતા ત્યારે એ સ્થળે એકાએક ધડાકાભેર વીજળી પડતા પાબીબેન સગાભાઈ ડાંગર(35) તથા તેની સાથે રહેલી તેની ભત્રીજી કોમલ કરશનભાઈ ડાંગર(20)નું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા મંજુબેન ખીમાણંદભાઈ ડાંગર(30) તથા કંચનબેન કરસનભાઈ ડાંગર (20) ઉપર પણ વીજળી પડતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ કરૂણ બનાવે ખેડૂત પરિવાર તથા નાના એવા વિરમદડ ગામમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.  બીજી તરફ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામ માં રહેતા પંકજભાઇ મગનભાઈ પાંભર નામના 40 વર્ષના ખેડૂત યુવાન પર વીજળી પડતાં તેનું સૃથળ પર જ કરૂણ મૃત્યુ નિપજયું હતું.

બોટાદમાં 5 વર્ષની બાળકી સાથે આધેડનું મોત

વધુમાં બોટાદ જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે આકાશમાં વીજળીના કડાકા સાથે આજે સવારે લાઠીદડ ગામે વીજળી ત્રાટકતાં ખેતરમાં નિંદામણનું કામ કરી રહેલા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ(60) તેમ જ  જ્હાન્વીબેન વિજયભાઈ ચૌહાણ(ઉં.વ.આશરે સાડા પાંચ વર્ષ)અને તાલુકાના સરવઈ ગામે ગુડીબેન જીવરાજભાઈ ભાટવાલિયા(18) નામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આજે દિવસ દરમ્યાન બોટાદ અને ગઢડા પંથકમાં વરસાદ માત્ર પાંચ મીમી વરસ્યો હતો પરંતુ વીજળી પડવાની દુર્ઘટનામાં ત્રણ લોકોનો ભોગ લેવાયો હતો.

દહેગામના ઘમીજમાં વીજળી પડતાં મહિલાનું મોત થયું

દહેગામના ઘમીજ ગામમાં આજે સવારના સમયે મહિલા ખેતરમાં કામ કરી રહી હતી તે દરમ્યાન એકાએક કડાકા સાથે વીજળી ખેતરમાં પડી હતી. મહિલા ઉપર વીજળી પડતાં તેણીનું મોત નીપજયું હતું જયારે પાસે કામ કરતો વ્યક્તિ ફેંકાઈ ગયો હતો. તંત્રએ આ બનાવ અંગે પંચનામું કર્યું હતું.

Related posts

દિવસે યોજાનારા લગ્ન પ્રસંગોને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નિયમોમાં થયો આ મહત્વપૂર્ણ બદલાવ

Bansari

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!