GSTV

કોરોના વાયરસ/ ભારતમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા, આ રાજ્યમાં નવા વેરિએન્ટના સૌથી વધુ કેસ

કોરોના

Last Updated on December 8, 2021 by Damini Patel

ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે મહારાષ્ટ્રના પૂણે શહેરમાં ઓમિક્રોનના વધુ ૧૦ કેસ સામે આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા ૨૦ જ્યારે દેશમાં ૩૩ થઈ ગઈ છે. દરમિયાન ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા ૬,૮૨૨ કેસ નોંધાયા હતા, જે ૫૫૮ દિવસ એટલે કે દોઢ વર્ષમાં સૌથી ઓછા છે. એક્ટિવ કેસ પણ ઘટીને ૯૫,૦૧૪ થયા હતા જ્યારે વધુ ૨૨૦નાં મોત થયા હતા.

સમગ્ર વિશ્વમાં સરકારોમાં દોડધામ મચી

કોરોના વાઈરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી સમગ્ર વિશ્વમાં સરકારોમાં દોડધામ મચી છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂણેમાં એરપોર્ટ પર અંદાજે ૩૦,૦૦૦ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા, જેમાં ૧૦ લોકોના ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ સોમવારે મુંબઈમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વેરિઅન્ટથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૨૦ થઈ ગઈ છે અને દેશમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૩૩ થઈ છે, જેમાં રાજસ્થાનમાં નવ, દિલ્હીમાં એક, ગુજરાતમાં એક અને કર્ણાટકમાં બેનો સમાવેશ થાય છે.

દરમિયાન દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા હોવાથી ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકારે અનેક પ્રકારના નિયંત્રણો મૂક્યા છે. રાજ્ય સરકારે પાટનગર લખનઉમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરાયો છે. વધુમાં રેસ્ટોરાં, હોટેલ, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, જિમ, સ્ટેડિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે જ ખોલી શકાશે. જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. બંધ જગ્યાઓ પર ૧૦૦થી વધુ વ્યક્તિના આયોજનો પર પ્રતિબંધ મુકાયો છે. રાજ્યમાં કોરોનાની બધી જ માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરાશે. વિધાનસભાની આજુબાજુ કોઈપણ પ્રકારના ધરણાં, દેખાવો પર પ્રતિબંધ મૂકાયો છે. ખુલ્લા સ્થળો પર ક્ષેત્રફળ મુજબ આયોજન થશે, પરંતુ પ્રવેશ દ્વાર પર કોવિડ હેલ્પ ડેસ્ક બનાવવું ફરજિયાત કરાયું છે.

કોરોના

મંગળવારે કોરોનાના નવા ૬,૮૨૨ કેસ નોંધાયા

દરમિયાન દેશમાં મંગળવારે કોરોનાના નવા ૬,૮૨૨ કેસ નોંધાયા હતા, જે ૫૫૮ દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૩,૪૬,૪૮,૩૮૩ થયા છે જ્યારે એક્ટિવ કેસ પણ ઘટીને ૯૫,૦૧૪ થયા છે. કોરોનાથી વધુ ૨૨૦નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૭૩,૭૫૭ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩,૪૦,૭૯,૬૧૨ દર્દીઓ સાજા થયા છે. જોકે, દેશમાં ઓમિક્રોનના પહેલા બે દર્દીઓમાંથી બેંગ્લુરુના એક ડોક્ટર સાજા થયા પછી ફરીથી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીના ૧૨૯ કરોડ ડોઝ અપાયા છે.

Read Also

Related posts

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશે : ઉત્તર પ્રદેશના છાંટા ગુજરાતને ઉડ્યા

GSTV Web Desk

ધંધુકા મર્ડર કેસમાં મોટો ખુલાસો: આરોપી મૌલાના ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું આવ્યું સામે, કટ્ટરવાદી સ્પીચ આપી યુવકોને ભડકાવતો

GSTV Web Desk

રશિયા vs અમેરિકા/ વિવાદે લીધો નવો વળાંક, યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા પર વરસ્યા

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!