ટેલિકોમ સેક્ટરમાં ફોરજી યુદ્ધના મંડાણ થયા છે. ટેલિકોમ સેક્ટરમાં આગામી ટેરિફ વોર માટે રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલ બંનેએ છ અબજ ડોલરની રકમ હાથવગી રાખી છે.
મુકેશ અંબાણી અને મિત્તલ બંને બોન્ડ વેચીને 36,500 કરોડ (5.6 અબજ ડોલર)ની રકમ ઊભી કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારતીએ ગયા મહિને રૂપિયામાં બોન્ડ જારી કરી 3,000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. સાથોસાથ બીજા 16,500 કરોડ રૂપિયા એકત્રિત કરવા મંજૂરી મેળવી હતી.
રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે પણ નોટ્સ દ્વારા 20,000 કરોડ રૂપિયા ઊભા કરવાની જાહેરાત કરી છે. તેના લીધે ઓનશોર બોન્ડ માર્કેટમાં છેલ્લા 20 મહિનામાં મોટો અવરોધ આવ્યો છે. ભારતની ટોચની ચાર કંપનીઓના બોન્ડ્સના 78 ટકા રકમ બાકી નીકળે છે. આ દર્શાવે છે કે રિલાયન્સ જિઓ નેકસ્ટ જનરેશન સર્વિસ અંગે પૂરી તાકાતથી સજ્જ છે અને તેણે આગામી પાંચ વર્ષ માટે 32,000 કરોડ રૂપિયા તૈયાર રાખ્યા છે.
એરટેલે જણાવ્યું હતું કે તે એકત્રિત કરેલા નાણાનો ઉપયોગ રિફાઇનાન્સિંગ અને સ્પેકટ્રમની રકમની ચૂકવણી માટે કરશે. જિઓએ ગયા સપ્તાહે જ 150 અબજ રૂપિયાના બોન્ડ માટે ત્રિપલ એ રેટિંગ ક્રિસિલ અને એસ એન્ડ પી ગ્લોબલ પાસેથી મેળવ્યું હતુ.