કિશોરી પ્રેમીને લઇને આવી પોલીસ સ્ટેશન, કહ્યું એવું કે પોલીસે પણ ભરવું પડ્યું આ પગલું

પોતાના પ્રેમી સાથે બે વખત ભાગી ગયા બાદ બંને વખત પ્રેમી સાથે જ પોલીસ મથકમાં હાજર થયેલી કિશોરીએ ઘરે માતા-પિતા સાથે રહેવાનો ઈનકાર કરતાં તેને બાળ સુરક્ષા ગૃહમાં મોકલાઈ હતી. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં માતા-પિતા અને મોટાભાઈ સાથે રહેતી ૧૬ વર્ષીય કિશોરી ધો.૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ હાલમાં તેની માતા સાથે આસપાસના વિસ્તારોના મકાનોમાં ઘરકામ કરે છે. ગત ૧૯મી ઓક્ટોબરે કિશોરી તેની માતા સાથે ઘરકામ કરવા માટે ગઈ હતી અને કચરો નાખવાના બહાને ઘરમાંથી બહાર નીકળ્યા બાદ ગુમ થઈ હતી. તેની શોધખોળ દરમિયાન પરિવારજનોને જાણ થઈ હતી કે કિશોરીને તેનો પ્રેમી યોગેશ ઉર્ફ પીન્ટુ મનુભાઈ જાદવ ( પેન્શનપુરા, ગાંધીચોક, નિઝામપુરા) ભગાડી ગયો હતો. આ બનાવની કિશોરીની માતા ફતેગંજ પોલીસ મથકમાં જાણ કરવા જતા યોગેશ કિશોરીને લઈને પોલીસ મથકમાં આવ્યો હતો અને કિશોરીના તેના માતાપિતાને સોંપી હતી જેથી તેઓએ કોઈ ફરિયાદ નોંધાવી નહોંતી.

મામાના ઘરેથી પણ ભાગી ગઈ

કિશોરીના પ્રેમસંબંધના પગલે પરિવારજનોએ તેને બીજા જ દિવસે ૨૦મી તારીખે નારેશ્વર પાસેના એક ગામમાં મામાના ઘરે રહેવા માટે લઈ ગયા હતા પરંતુ ૨૧મી તારીખના વહેલી સવારે તે ઘરના પાછળના દરવાજાથી નીકળીને રવાના થઈ હતી.

મારે છે પ્રેમસંબંધ, માતાપિતાના ઘરે નહીં જાઉ

આ બનાવની જાણ કરવા માટે ૨૨મી તારીખે પરિવારજનો ફતેગંજ પોલીસ મથકમાં જતા કિશોરી તેના પ્રેમી યોગેશ સાથે પોલીસ મથકમાં આવી હતી અને જણાવ્યું હતું કે યોગેશ સાથે મારો પ્રેમસબંધ છે અને તેના કહેવાથી તે પરિવારજનોને જાણ કર્યા વિના તેની સાથે જતી રહેલી. જોકે કિશોરીને પરિવારજનોએ ઘરે લઈ જવાની વાત કરતાં તેણે ઘરે માતા-પિતા સાથે જવાની ના પાડી હતી જેથી તેને ફતેગંજ પોલીસ સ્ટેશનથી બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલાઈ હતી. આ બનાવની કિશોરીની માતાએ પોતાની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે યોગેશ ઉર્ફ પીન્ટુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter