GSTV

Teachers’ Day/ સર્વપલ્લી રાધાકૃષ્ણન સતત પાંચ વર્ષ સુધી નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ થયા હતા, તેમના જીવન વિશે રસપ્રદ વાતો

સર્વપલ્લી રાધાકૃષ્ણન

Last Updated on September 6, 2021 by Lalit Khambhayata

ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાંથી એક તેજસ્વી વિદ્યાર્થીએ બેચલર ઓફ લિટરેચરની ડિગ્રી મેળવી જેના બદલામાં તે વિદ્યાર્થીએ પોતે લખેલા પુસ્તકોની એક સંપૂર્ણ હારમાળા યુનિવર્સિટીને ભેટ આપી. વિદ્યાર્થી દ્વારા અપાયેલી આ ભેટ જોઈને યુનિવર્સિટીના કુલપતિ/Dean આશ્ચર્ય પામી ગયા કારણે કે તે પુસ્તકો યુનિવર્સિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવા હતા. કુલપતિએ પેલા વિદ્યાર્થીના વખાણ કરતા કહ્યું કે, “મને ખબર નથી પડતી કે આ વિદ્યાર્થીને બી.લીટની ડીગ્રી આપીને અમે તેમના પર ઉપકાર કર્યો છે કે પછી આ વિદ્યાર્થીએ તેના પુસ્તકો આપી અમારા પર ઉપકાર કર્યો છે”. કુલપતિએ જે વિદ્યાર્થીના વખાણ કર્યા તે વિદ્યાર્થી એટલે ભારતમાં સર્વપ્રથમ નાયબ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન.

ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના સ્મરણમાં ભારતભરમાં 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે તેમની જન્મજયંતિ છે. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 1888માં તમિલનાડુના એક નાનકડા શહેર તિરૂતનીમાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નાનપણથી જ ભણવામાં હોશિયાર તેવા સર્વપલ્લીને જુવાન થતા સુધીમાં તો વિવિધ મોટા શહેરમાંથી ભણવા માટે નિમંત્રણ મળવાના શરૂ થઈ ગયા હતા. હોશિયાર વિદ્યાર્થીની સાથે સર્વપલ્લી રાધાકૃષ્ણન ખૂબ ઉમદા લેખક પણ હતા. તેમણે ફિલોસોફી વિશે જે લખાણ કર્યું છે તે ખૂબ નોંધપાત્ર છે અને તે આજે પણ ઘણા લોકો માટે માર્ગદર્શક સાબિત થાય છે. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતાના જીવન દરમિયાન ઘણા ખિતાબ જીત્યા છે જેમાં ભારતનું સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન” પણ સામેલ છે. ફિલોસોફી સિવાય ભારતની રાજનીતિમાં પણ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ઘણું મહત્વનું યોગદાન આપ્યું છે. આજે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો 133નો જન્મદિવસ છે તે નિમિત્તે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી તેમની અમુક રસપ્રદ વાતો.

 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના નામના આગળ લાગેલું સર્વપલ્લી હકીકતમાં તેમના ગામનું નામ છે. તેમના કુળમાં નામ આગળ પૂર્વજોના ગામનું નામ જોડવાનો રિવાજ હતો એટલે એવું માની શકાય કે ક્યારેક તેમના પૂર્વજો સર્વપલ્લી નામના ગામમાં વસતા હશે.
 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પેહલા પુસ્તક 20 વર્ષની ઉંમરે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું નામ “ધ એથીક્સ ઓફ ધ વેદાન્ત એન્ડ ઇટ્સ મટીરિયલ એક્સપોઝિશન”. આ પુસ્તકમાં રાધાકૃષ્ણને પોતાના એમએના અભ્યાસ દરમિયાન લખેલા નિબંધોનો સંગ્રહ પ્રગટ કર્યો હતો.
 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ફિલોસોફી વિષય સાથે એમએ કર્યું હતું. જોકે તેમણે એમએ કરવા માટે ફિલોસોફી વિષય પસંદ કર્યો તેનું કારણ એવું હતું કે, રાધાકૃષ્ણનને તેમના પિતરાઈ ભાઈ તરફથી એમએ ફિલોસોફીની ચોપડીઓ ભેટ મળી હતી જે વાંચ્યા બાદ તેમને ફિલોસોફીમાં રસ જાગ્યો હતો અને તેમણે એમએ ફિલોસોફી વિષય સાથે પૂરું કર્યુ હતું.
 • બ્રાહ્મણ પરિવારથી આવતા હોવાને કારણે રાધાકૃષ્ણનના પિતા તેમને મંદિરના પૂજારી બનાવવા માંગતા હતા પરંતુ 1906માં જ્યારે રાધાકૃષ્ણને બીએમાં પ્રથમ ક્રમ મેળવ્યો ત્યારે તેમના પિતાએ પૂજારી બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો.
 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના લગ્ન 16 વર્ષની ઉંમરે 10 વર્ષની શિવકામૂ સાથે થયા હતા. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના સંતનોમાંથી લગભગ દરેકે ભારતમાં સિવિલ સર્વિસમાં જોડાઈ દેશની સેવા કરી છે. રાધાકૃષ્ણનની એક દીકરી બેંગલોરમાં અને એક દીકરી અમેરિકામાં વસે છે. પરિવારના અમુક સભ્યો ચેન્નાઇના એક જુનવાણી મકાનમાં રહે છે જ્યાં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને પોતાના અંતિમ દિવસો વિતાવ્યા હતા.
 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોરના ભાષા પ્રત્યેના યોગદાનથી ખૂબ પ્રભાવિત હતા. આ કારણે જ 1920માં જ્યારે તેમને કલકત્તા યુનિવર્સિટીમાં મેન્ટલ ઍન્ડ મોરલ સાયન્સના પ્રોફેસર બનવા માટે આમંત્રણ મળ્યું તો તેમણે તરત સ્વીકારી લીધું.
 • 1921 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને મૈસુર યુનિવર્સિટીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી. તેઓ ત્યાંના વિદ્યાર્થીમાં ખૂબ લોકપ્રિય હતા માટે વિદ્યાર્થીઓએ તેમના માટે એક નાનકડું ફેરવેલ યોજ્યું હતું. આ ફેરવેલમાં વિદ્યાર્થીઓએ રાધાકૃષ્ણનને ફૂલથી સજાવેલી બગીમાં બેસાડી , જાતે બગી ખેંચી તેમને યુનિવર્સિટીના ગેટ સુધી લઈ જઈને વળવ્યા હતા.
 • 1949-1953 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન સોવિયેત રશિયામાં ભારતના બીજા રાજદૂત રૂપે નિમણુક કરવામાં આવ્યા હતા. તે સમયે રશિયામાં સરમુખત્યાર શાસક જોસેફ સ્તાલિનનું રાજ હતું. સ્તાલિન ખૂબ અભિમાની શાસક હતો માટે તે કોઈ પણ દેશના રાજદૂત સાથે મુલાકાત કરવાનું ટાળતો. જોકે રાધાકૃષ્ણનના ફિલોસોફી ક્ષેત્રના કામથી સ્તાલિન ખૂબ પ્રભાવિત હતો માટે તેણે રધાકૃષણન સાથે જાન્યુઆરી 1950ની એક સાંજે મુલાકાત ગોઠવી. રશિયા અને અમેરિકા વચ્ચે તે સમયે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું માટે રાધાકૃષ્ણન સ્તાલિનની મુલાકાતમાં વધુ પડતી વાતો શીતયુદ્ધ વિશે જ થઈ હતી. મુલાકાતના અંતમાં રાધાકૃષણન દ્વારા સ્તાલિનને સલાહ આપવામાં આવી હતી કે સોવિયેત રશિયાએ સામેથી શીતયુદ્ધનો અંત લઇ આવવો જોઇએ. જવાબમાં જોકે સ્તાલિને કહ્યું હતું કે “તાળી કોઈ દિવસ એક હાથે ના વાગે” જેના જવાબમાં રાધાકૃષ્ણને ખૂબ નમ્રતાપૂર્વક સલાહ આપી હતી કે, “એક શાંતિપ્રિય દેશ હોવાના નાતે સોવિયેત રશિયાએ અમેરિકાના બીજા હાથની રાહ જોયા વગર પોતાનો બીજો હાથ આગળ કરી શાંતિની તાળી વગાળવી જોઈએ”. સ્તાલિન જેવા સરમુખત્યાર શાસકને આવી સલાહ આપવાની હિંમત જોકે માત્ર ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન પાસે જ હતી.
 • 1957માં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના નાયબ રાષ્ટ્રપતિ રૂપે ચીનની મુલાકાતે ગયા હતા. ચીનની આ મુલાકાત દરમિયાન તે સમય કાઢીને માઓ ઝેડોંગને (ચીની કમ્યુનિસ્ટ, કવિ અને રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપક) તેમના ઘરે મળવા ગયા હતા. માઓના ઘરે રાધાકૃષ્ણનનું સ્વાગત કરવા માઓ પોતે દરવાજે આવ્યા હતા. દરવાજે આવેલા માઓ સાથે હાથ મેળવ્યા બાદ રાધાકૃષ્ણનને તેમને પ્રેમપૂર્વક ગાલ પર હળવી લપડાક મારી હતી. પ્રથમ મુલાકાતમાં રાધાકૃષણનના આવા અનોખા વ્યહવારથી માઓ ચોંકી ગયા હતા જે જોઈને રાધાકૃષણન હસીને બોલ્યા હતા કે, ” ચોંકવાની જરૂર નથી, હું જ્યારે પોપ અને સ્તાલિનને મળ્યો હતો ત્યારે પણ મે આવું જ વર્તન કર્યું હતું”.

 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે ભારતમાં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના શિષ્યોએ તેમની જન્મદિવસ યાદગીરી રૂપે ઉજવવાની જીદ પકડી હતી. જોકે પોતાના નામનો ઉપયોગ કરવાની ના પાડતા રાધાકૃષ્ણનને પોતાના જન્મદિવસને શિક્ષક દિન રૂપે ઉજવવાની સલાહ આપી હતી. ત્યારથી દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવવાની પ્રથા શરૂ થઈ છે.
 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એક પછી એક બે રાષ્ટ્રપતિ ગુમાવી ચૂકેલા ભારતની આર્થિક અને રાજનૈતિક સ્થિતિ ઘણી નબળી હતી. ભારતની આ સ્થિતિ જોતાં રાધાકૃષ્ણને પોતાનો ₹10,000 પગાર ઓછો કરાવી ₹2,500 કરવી દીધો હતો અને બાકીના ₹7,500 પ્રધનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં જમાં કરાવવાનો આદેશ કર્યો હતો.
 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ખૂબ ધાર્મિક અને શાંતિપ્રિય માણસ હતા. તેઓ રાષ્ટ્રપતિ હોવાના નાતે જ્યારે પણ વિધાનસભાની બેઠકમાં જતા અને ત્યાં જો અન્ય સભાસદો ઉગ્ર દેખાવો કરતા તો તેઓ ભગવદ્ ગીતાના શ્લોક સંસ્કૃત ભાષામાં બોલીને પોતાનું મન શાંત રાખતા અને અન્ય સભાસદોને પણ શાંત રાખવાનો પ્રયાસ કરતા.
 • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના ભાષા પ્રત્યેના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમનું નામ સળંગ પાંચ વર્ષ સુધી નોબલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. આમ જોકે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ 16 વખત ભાષા પ્રત્યેના યોગદાન અને 11 વખત શાંતિના નોબલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું પરંતુ બદનસીબે તેમને એક પણ વખત નોબલ પુરસ્કાર મળ્યો નહતો. નોબલ પુરસ્કાર સિવાય રાધાકૃષ્ણનને બીજા ઘણા પુરસ્કાર મળ્યા છે જેમાં 1954માં મળેલો ભારત રત્ન એવોર્ડ, 1931માં બ્રિટનના રાજા જ્યૉર્જ પાંચમા દ્વારા મળેલું યોદ્ધાનું બિરૂદ, 1963માં મળેલું બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરીટ અને 1975માં મળેલો ટેમ્પટન ખિતાબ સામેલ છે. રસપ્રદ વાત તે છે કે રાધાકૃષ્ણને પોતાના આ તમામ પુરસ્કાર થકી મળેલી રકમને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં દાન કરી દીધી હતી.

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!