છેલ્લાં પંદર મહિનાથી ચાલી રહેલી કોરોના મહામારીને લીધે ઓફલાઇન શિક્ષણ બંધ છે. શિક્ષણ એ વહેતી ગંગા છે. શિક્ષણ સમાજને એક નવી દિશા આપવાનું કામ કરે છે. કોરોના મહામારીના સમયમાં સ્કૂલ-કોલેજ કેમ્પસ બંધ હોવાથી શિક્ષણ ઓનલાઇન થઇ ગયું છે ત્યારે ગામડાંની શાળામાં અભ્યાસ કરતા ઘણાં વિદ્યાર્થીઓના ઘરે ટીવી તેમજ ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી તેઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી ત્યારે મણિનગર વિસ્તારની દક્ષિણી સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે સેવા આપતા વિશાલ પારેખે પોતાની શાળાના વિદ્યાર્થીઓને કોરોના મહામારીની વચ્ચે પણ ઓનલાઇન શિક્ષણ મળે તે માટે સોશિયલ મીડિયાથી કેમ્પેઇન ચલાવીને ના ઉપયોગી ટીવી એકત્રિત કરીને પોતાની શાળાના વિદ્યાર્થીઓને આપીને તેમને ઓનલાઇન શિક્ષણ મેળવતા કરવાનું અનેરું કાર્ય શરૂ કર્યું છે.

આ વિશે વિશાલ પારેખે કહ્યું કે, હું મહેમદાવાદ તાલુકાના છાપરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યો છું. હાલમાં ચાલી રહેલી કોરોનાની સ્થિતિને લીધે દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. મારી શાળાના વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સારી ન હોવાથી તેમને કઇ રીતે ઓનલાઇન શિક્ષણ મળી શકે તે માટેના ઘણા વિચાર કર્યા પછી મનોમન રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા મિત્ર વર્તુળના સાથ સહકારથી કેમ્પેઇનની શરૂઆત કરી હતી.
જેમાં આશરે ત્રણ મહિનાના સમયમાં ૧૧૪ ટીવી વિદ્યાર્થીઓને આપીને તેમને ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત કરવામાં આવતા શૈક્ષણિક કાર્યક્રમનો લાભ મળી રહ્યો છે. મારા જીવનમાં મને પણ ઘણી તકલીફ પડી છે ત્યારબાદ શિક્ષક બન્યો છું ત્યારે સમાજે મને જે આપ્યું છે તેમાં વધારો કરીને વધુ લોકોને લાભ મળે તે માટે આ કેમ્પેઇનની શરૂઆત કરી છે. આ કેમ્પેઇનમાં ઘણા લોકોએ પોતાના ઘરે રહેલા ટીવી તેમજ બિનજરૂરી ચીજવસ્તુઓ આપીને પોતાની સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓને 114 ટીવીની સાથે બે લેપટોપ, બે સ્માર્ટફોન તેમજ એક કમ્પ્યૂટર સિસ્ટમ આપવામાં આવી છે.

રોજ બે કલાકથી વધુનો સમય ટીવી લેવા માટે ફાળવતો હતો
સોશિયલ મીડિયાની મળેલા ટીવી લેવા જવા માટે નિયમિત રીતે દિવસમાં બે કલાકથી વધુનો સમય ફાળવતો હતો. કોઇના ઘરે ટીવી હોય તો પણ થોડો ખર્ચ કરાવીએ તો ચાલુ થઇ શકે તેવી સ્થિતિ હોય તો હું સ્વ ખર્ચે પણ ચાલુ કરાવીને વિદ્યાર્થીઓના ઘરે આપતો હતો. એક ટીવી આપવાથી વિદ્યાર્થીના ઘરની આજુબાજુ રહેતા બીજા વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓના ઘરે ટીવી આપીએ ત્યારે તેમના ચહેરા પણ ખૂબ જ ખુશીની લાગણી જોવા મળે છે.
ઇન્ટરનેટ માટેનું પહેલું કનેક્શન મારા ઘરનું આપ્યું
વિદ્યાર્થીઓને ટીવી સાથે 21થી વધુ ઇન્ટરનેટની સુવિધા માટેનું કનેક્શન આપવાનું નક્કી કર્યું હતું, જેમાં પહેલું ઇન્ટરનેટ કનેક્શન મારા ઘરેથી કાઢીને આપ્યું હતું. કોરોનાની સ્થિતિ વચ્ચે પણ વિદ્યાર્થીઓેને ઓનલાઇન શિક્ષણ મળી રહે તે માટેના અમારો આ નાનકડો પ્રયાસ દરેક વિદ્યાર્થીઓને જીવનમાં ઉત્તમ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડવાનું કામ કરે છે.
Read Also
- રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત
- જિયા ખાનની માતાએ પોલીસ અને CBIની તપાસ પર ઉઠાવ્યા અનેક સવાલ, કહ્યું- ‘આ આત્મહત્યા નહીં, હત્યાનો મામલો છે’
- Box Office/ તાપસીની ફિલ્મ ‘દોબારા’ને આ ગુજરાતી ફિલ્મે પાછાડી, કાર્તિકેય 2ની કમાણીમાં જોરદાર ઉછાળો
- ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત
- તહેવાર ફેરવાયો માતમમાં/ અમદાવાદમાં મટકીફોડના કાર્યક્રમમાં દુર્ઘટના, યુવક નીચે પટકાતા મોત