GSTV

એલર્ટ/ આગામી 24 કલાકમાં ખતરનાક બનશે તાઉ-તે વાવાઝોડુ, ગુજરાતને થશે સૌથી વધુ અસર, હવામાન વિભાગે આપી આ ચેતવણી

તાઉ-તે

Last Updated on May 17, 2021 by Bansari

દેશના દક્ષિણ પશ્વિમ રાજ્યો પર ચક્રાવાતી વાવાઝોડુ તાઉ-તેનું સંકટ તોળાઇ રહ્યું છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ચક્રાવાતને પગલે મુંબઇમાં બાંદ્રા-વર્લી સી લિંકના આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રશાસન તથા રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

તાઉ-તે વાવાઝોડાના પગલે ભારે વરસાદની સંભાવના

તાઉ-તે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.અત્યાર સુધી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં 8 લોકોના મોત નિપજી ચુક્યા છે જ્યારે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. સાથે જ ઘરોને પણ નુકસાન પહોંચ્યુ છે. વાવાઝોડાની આહટ સાથે જ ગુજરાતના તટીય વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આશંકા છે.

આ સંકટ સામે લડવા તંત્ર પણ સજ્જ છે. એનડીઆરએફની 50 ટીમો તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના કચ્છમાં વાવાઝોડાથી તબાહીની આશંકાને ધ્યાનમાં લેતા તંત્ર એલર્ટ છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવાઝોડુ દસ્તક આપશે તે દરમિયાન 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગ અનુસાર તાઉ-તે વાવાઝોડુ 17મે સાંજે અથવા તો 18મેએ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડુ 24 કલાકમાં વધુ ખતરનાક બની શકે છે. 18મે સવાર સુધી વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયા કાંઠાને પાર કરી શકે છે.

ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના રવિવાર રાત સુધીમાં સુધીમાં દોઢ લાખ લોકોને સલામત ખસેડાયા છે.  બપોર સુધી ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. હાલ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી.ના અંતરે છે. ૧૮મી મેના રોજ સંભવિત અસરગ્રસ્ત ૧૫ જિલ્લામાં ૭૦ થી ૧૭૫ કિ.મી.ની પવનની ગતિ રહેવાની સંભવાના છે.  આ ઉપરાંત વાવાઝોડાની દસ્તક પહેલા તંત્ર પણ સજ્જ બન્યું છે.  રેસ્કયુ કામગીરી માટે સંબંધિત જિલ્લાઓમાં ૪૪ NDRFની ટીમ ફાળવવામાં આવી છે. તથા ૬ SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વાવાઝોડા

કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ નાગરિકોને સ્થળાંતરીત કરાયા

અગત્યનું છે કે આશ્રયસ્થાનો પર કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ નાગરિકોને સ્થળાંતરીત કરાશે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ‘‘તાઉ-તે’’ સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને મોડી રાત સુધીમાં ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આ માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે.

હવામાન વિભાગે કરી આ આગાહી

પંકજકુમારે ઉમેર્યું કે, ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી. છે જેની ગતિની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે આજે તા. ૧૭ મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે. આજે તા. ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે.

વાવાઝોડા

નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ

તેમણે ઉમેર્યું કે, સંભવિત અસર થનાર જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરીને સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સલામતિના પગલાંરૂપે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે અને જરૂર જણાય ત્યાં કોવિડ પ્રોટોકોલ મુજબ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે બપોર સુધીમાં દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ ૧૭ જિલ્લાઓમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ માટે ૨૦ NDRFની ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમો દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમો હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે કુલ ૪૫ NDRFની ટીમો રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ૬ SDRFની ટીમો પણ ડિપ્લોય કરી દેવાઈ છે.

માછીમારોને આગામી ૫ દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના

તેમણે વધુમાં જણાવ્યું કે, માછીમારોને આગામી ૫ દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં ૧૯૭૭ બોટો પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, દરિયાકાંઠાના જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રીઓને સંભવિત સંવેદનશીલ ગામોના આશ્રયસ્થાનો પર આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે અને સ્થળાંતર વેળાએ કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવે તેની પણ કાળજી રખાશે. કોવિડ-૧૯ અન્વયે જરૂરી પાવર બેકઅપ, જનરેટર, દવાઓ, ઓક્સિમીટર, ઓક્સિજન બોટલો તથા અન્ય સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવાનું સંપૂર્ણ આયોજન છે. સગર્ભા સ્ત્રીઓની ઓળખ કરીને સલામત સ્થળે પહોંચાડવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે.

Read Also

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!