તાઉ-તે વાવાઝોડાને પગલે અમદાવાદના વાતાવરણમાં આજે પલટો રહ્યો હતો અને દિવસનું મહત્તમ તાપમાન સામાન્યથી ૭ ડિગ્રી ઘટીને ૩૫.૨ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રવિવારે ૪૩ને પાર થયો હતો. પરંતુ આજે વરસાદના છૂટાછવાયા ઝાપટાં અને વાદળછાયા વાતાવરણને લીધે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઇ રહેલી કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જેના ભાગરૃપે આવતીકાલે મધ્યમ જ્યારે બુધવારે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જોકે, ગુરુવારથી વાતાવરણ પૂર્વવત્ થવા લાગશે.
મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે

રાજ્યમાંથી અન્યત્ર પણ આજે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું. જેમાં ડીસામાં ૩૪.૬, વડોદરામાં ૩૮.૬, સુરતમાં ૩૩.૬, રાજકોટમાં ૩૫.૭, ભાવનગરમાં ૩૪.૫, ભૂજમાં ૩૯, સુરેન્દ્રનગરમાં ૩૪.૮, ગાંધીનગરમાં ૩૬, દીવમાં ૨૯.૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
તાઉ તે વાવાઝોડાને પગલે અમરેલી, ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અમરેલીના બગસરામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કે સાવરકુંડલામાં 6 ઇંચ, ખાંભામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ઊનામાં 10 ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિત સર્જાઇ છે. જ્યારે કે ગીર ગઢડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના પાલીતાણામાં 6 ઇંચ અને મહુવામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
સુરતમાં વાવાઝોડાની અસર

સુરતમાં પણ તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાયો છે. ભારે પવનના કારણે સુરતમાં વૃક્ષો ધરાશાયી થયા છે અને તૂટેલા વૃક્ષો રસ્તા પર પડતા વાહનચાલકોએ હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે. ઉધના, લીંબાયત અને ડીંડોલીને જોડતા ગરનાળામાં સામાન્ય વરસાદી પાણી ભરાયા છે.
ગીર સોમનાથના ઉનામાં તાઉ-તે વાવાઝોડાનો કેર જોવા મળ્યો છે અને ઉનામાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. એક હજાર વૃક્ષો ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થયા છે અને વૃક્ષો ધરાશાયી થવાથી રસ્તાઓ બંધ થયા છે. સોસાયટીઓમાં પાણી ઘુસ્યા છે. આંબાવાડિયાને પણ વ્યાપક નુકશાન થયું છે.
Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો