GSTV
Home » News » ‘વાયુ’ વિકરાળ: સૌરાષ્ટ્ર-કચ્છના 10 જિલ્લામાં સવા બે લાખ લોકોનું સ્થળાંતર, દરિયાકાંઠે લોકોના જીવ તાળવે

‘વાયુ’ વિકરાળ: સૌરાષ્ટ્ર-કચ્છના 10 જિલ્લામાં સવા બે લાખ લોકોનું સ્થળાંતર, દરિયાકાંઠે લોકોના જીવ તાળવે

અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ઉદભવેલાં વાયુ વાવાઝોડાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે જેના કારણે વાવાઝોડાની ગતિમાં વધારો થયો છે જેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે નુકશાન થવાની દહેશત સવાઇ રહી છે. ઝીરો ટોલરન્સ- ઝીરો કેજ્યુલિટીના નિર્ધાર સાથે રાજ્ય સરકાર સજ્જ બની છે.

ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમમાં જઇને સ્થિતીની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ સાથે પણ બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતાં. વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની સ્થિતી પર સતત નજર રાખે છે.

વાયુ વાવાઝોડુ પૂરઝડપે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહ્યુ છે. વાવાઝોડાની ગતિમાં વધારો થતાં સરકારે સતર્કતા દાખવી દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તાર પર ચાંપતી નજર રાખી લોકોનુ સ્થળાંતર કરાવ્યુ છે. વાવાઝોડાની ગતિ 150થી માંડીને 165 કીમીની ઝડપ હોવાથી વિનાશ વેતરે તેવી શક્યતા જોવાઇ રહી છે.આ જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને સ્થળાંતરમાં સહકાર આપવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે.

300 મરીન કમાન્ડો તૈનાત અને NDRF સ્ટેનડ બાય

સંભવિત વાવાઝોડાનો સામનો કરવા એનડીઆરએફની 47 ટીમો ગુજરાતમાં ખડેપગે છે. સ્થિતીની ગંભીરતા જોતાં બિહાર અને ચેન્નાઇથી વધારાની 12 ટીમો વાયુસેનાના વિમાન મારફતે ગુજરાત આવી પહોંચી છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી , તલાલા , જામનગર ,ભાવનગર, દીવ અન દ્વારકામા એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની સુચનાથી લશ્કરની 23 ટીમોને સ્ટેન્ડ બાય રખાઇ છે. સૂચના મળતાં આ ટીમો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી જશે. એરફોર્સની મદદ લેવા નક્કી કરાયુ છે. ૩૦૦ મરીન કમાન્ડો પણ સ્થિતીને પહોંચી વળવા તૈયાર છે.

સીએમ રૂપાણીએ કંટ્રોલરૂમની મુલાકાત લીધી

પાટનગર ગાંધીનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે મુખ્યમંત્રીના અધ્યક્ષે બેઠક યોજાઇ હતી જેમાં કોઇ જાનહાની ન થાય તે રીતે કુદરતી આપદાનો સામનો કરવા ઘડાયેલાં એક્શન પ્લાન મુજબ વહીવટી તંત્રને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. રૂપાણીએ ખુદ જીલ્લા કલેક્ટરો સાથે વાત કરી સ્થિતીનો તાગ મેળવ્યો હતો.

રેલ-બસ પરિવહનને સીધી અસર

વાવાઝોડાની સ્થિતીનો અંદાજ મેળવી સરકારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવાઇ,રેલ અને એસટી સેવાઓ બંધ કરવા નિર્ણય કર્યો હતો. રાજકોટ ,કેશોદ ,દીવ ,જામનગર,કંડલા એરપોર્ટ બે દિવસ માટે બંધ કરી દેવાયા છે. ડોમેસ્ટિક ફલાઇટ બે દિવસ સુધી બંધ રહેશે. આ જ પ્રમાણે, સૌરાષ્ટ્રમાં રેલ સેવાઓ પણ પ્રભાવિત થઇ છે. 

દસેક જિલ્લાઓમાં એસટી બસ વ્યવહાર પણ સ્થગિત કરી દેવાયો છે. કંડલા સહિતના બંદરો પર કાર્ગો ઓપરેશન બંધ કરી દેવાયા છે. બંદરો પર કામ કરનારાં મજૂરો અને કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. દરિયામાં એકેય બોટ કે જહાજ હોય તે સુનિશ્ચિત કરી દેવાયુ છે. તમામ માછીમારો બોટો સાથે દરિયામાંથી સલામત સ્થળે પરત ફર્યા છે.

2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

અત્યાર સુધીમાં દસેક જિલ્લામાંથી 2 લાખથી વધુ લોકોનુ સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયાં છે. રાજ્ય સરકારે ભોજન,પાણી સહિત રહેવાની સુવિધા ઉભી કરી છે. 2 હજારથી વધુ આશ્રયસ્થાનોમાં લોકોને આશ્રય અપાયો છે. દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર કરાવવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રીએ પણ લોકોને સ્થળાંતરમાં સહકાર આપવા અપીલ કરી છે.

વાવાઝોડાને પગલે ધોધમાર વરસાદની શક્યતા

વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં 5-8 ઇંચ વરસાદ વરસી શકે છે. જેથી વરસાદી પાણી ભરાય તો પાણી ઉલેચવા માટે 100થી વધુ ડિવોટરીંગ પમ્પો પણ મોકલાયાં છે. રસ્તાને નુકશાન પહોંચે તો 100 જેટલા જેસીબી મશીનો પણ તૈયાર રખાયાં છે. રાજ્ય સરકારે જીલ્લા કલેક્ટરોને શેલ્ટરહોમ, પીવાના પાણી, આરોગ્યની સુવિધા મળી તેવી વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે. રાજ્યની સ્વૈચ્છિક,ધાર્મિક સંસ્થાઓ ફુડપેકેટ બનાવી આ કુદરતી આપદામાં લોકોની પડખે રહેવા કામગીરી કરી રહી છે. રાજ્ય સરકારે પણ પાંચ લાખ પાણીના પાઉચો , ફુટપેકેટો તૈયાર કરી દીધા છે.જયાં જરૂર જણાશે ત્યાં રાહત સામગ્રી મોકલી દેવામાં આવશે.

એસટી મારફત પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા

દ્વારકા , સોમનાથ, પોરબંદર, દીવ ,માંડવી ,કચ્છ, વલસાડ સહિતના પ્રવાસન સ્થળોએથી દસેક હજાર પ્રવાસીઓને સલામત સ્થળ ખસેડાયાં છે. પ્રવાસીઓ માટે પણ સરકારે ખાસ એસટી બસોની વ્યવસ્થા કરી હતી. એસટી નિગમની બસો મારફતે પ્રવાસીઓને સલામત સ્થળે લઇ જવાયા હતાં. 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કલેક્ટરોને સંબધિત વિભાગો સાથે સંકલનમાં રહીને લોકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ,દવાઓ સાથે સજ્જ રહેવા તાકીદ કરાઇ છે. રસ્તા,મકાનો,વૃક્ષો અને વિજળીના થાંભલાઓને નુકશાન ન પહોંચે તે માટે વિભાગોને સજ્જ કરવામાં આવ્યાં છે. રાજ્યના કંટ્રોલરૂમથી પરિસ્થિતી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને વહીવટી તંત્ર-અધિકારીઓને સીધી સૂચના અપાઇ છે.

38 તાલુકાઓ પર ‘વાયુ’ અસર કરશે

વાયુ વાવાઝોડુ ગુજરાતના દસ જિલ્લાના 38 તાલુકાના 408 ગામડાઓને અસર કરશે. આ ઉપરાંત 60 લાખ લોકો વાવાઝોડાથી પ્રભાવિત થવાની સંભાવના છે. વાવાઝોડુ જે તીવ્ર ગતિથી આગળ ધપી રહ્યુ છે તે જોતાં ગુજરાતના દરિયાકાંઠે ભારે વિશાન વેતરે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

આ બેન્કમાં તો ખાતું નથી ને! : આરબીઆઈએ કર્યો આદેશ એક પણ ગ્રાહક નહીં ઉપાડી શકે રૂપિયા, લોકો દોડ્યા

Karan

હની ટ્રેપ, સેક્સની લાલચ આપી મોનિકા અને આરતી કરતા હતા આવું કંઇક…

Karan

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!