GSTV
News Trending World

તાઇવાન બની શકે છે ચીન અને અમેરિકા માટે બીજુ યુક્રેન, જાણો શું છે આખો વિવાદ

જાપાનમાં કવાડ સંગઠનની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચીનને ચેતવણી આપી ઙતી કે જો ચીન તાઇવાન પર આક્રમણ કરશે તો અમેરિકા તાઇવાનનું રક્ષણ કરશે. અમેરિકા વર્ષોથી તાઇવાનનું સમર્થન કરતું આવ્યું છે પરંતુ પ્રથમ વાર ખુલ્લમ ખુલ્લા તાઇવાનને મદદ કરવાનું એલાન કરતા યુક્રેન પછી તાઇવાનમાં વધુ એક યુધ્ધ ડોકાઇ રહયું છે.

ચીનનું સૈન્ય યુધ્ધો લડવાનો કોઇ અનુભવ ધરાવતું ન હોવાથી તાઇવાન પર સૈન્ય કાર્યવાહી કરવી સરળ નથી. અમેરિકા અને નાટો દેશો મજબૂતીથી યુક્રેનના પડખે ઉભા રહેતા શકિતશાળી રશિયા પણ યુક્રેન પરની કાર્યવાહીમાં ખાસ ફાવ્યું નથી. આવા સંજોગોમાં તાઇવાન ચીન અને અમેરિકા માટે બીજુ યુક્રેન બની શકે છે.  આથી તાઇવાન અને ચીન વચ્ચે શું સમસ્યા છે અને અમેરિકાની ભૂમિકા કેવી છે તે અંગે જાણવું જરુરી છે. 

ચીન કોઇ પણ ભોગે તાઇવાનને પોતાના નકશામાં ભેળવવા ઇચ્છે છે

આજકાલ કરતા તાઇવાન છેલ્લા ૭૦ વર્ષથી ચીનની સામે લાલ આંખ કરીને પોતાનું અસ્તિત્વ જાળવવા ઝઝુમી રહયું છે. તાઇવાન સાથે કોઇ પણ દેશ સંબંધ રાખે કે રાજદ્વારી મુલાકાત લે તો ચીન ધૂંવા પૂંવા થઇ જાય છે. દક્ષિણ ચીન સમુદ્ર વિવાદમાં અમેરિકા તાઇવાનને મજબૂત ટેકો આપે છે.

ચીન આ બાબતને પોતાની વન ચાઇના નીતિ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલંઘન સમજે છે. ચીન તાઇવાનની ચુંટાયેલી લોકતાંત્રિક સરકારને પણ ધમકાવતું રહે છે કે તમે વન ચાઇનાનો જ હિસ્સો છો. ચીનનું આધિપત્ય સ્વીકારીને સ્વાયત્તતા મેળવી લો નહીંતર સૈન્ય કાર્યવાહી કરવામાં પણ વિચાર કરીશું નહી. 

તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેન યુક્રેનના ઝેલેસ્કીની જેમ મજબૂત છે

 યુક્રેનમાં વોલોદિમેર ઝેલેસ્કીનું મજબૂત નેતૃત્વ રશિયા સામે પડકાર બનીને ઉભું છે એમ તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેન પણ ઝેલેસ્કીની જેમ મજબૂત છે. તાઇવાનના મહિલા રાષ્ટ્રપતિ કોઇ પણ ભોગે ચીન સામે ઝુકવા તૈયાર નથી. ૨૦૧૬માં તેઓ પહેલીવાર ચુંટાયા અને ગત જાન્યુઆરી ૨૦૨૦માં બીજી વાર ૫૭ ટકા મતોથી વિજેતા બન્યા હતા. આ મહિલા રાષ્ટ્રપતિ ચીન વિરોધી મજબૂત નેતા તરીકે તાઇવાનમાં લોકપ્રિય છે.

તેમણે તાઇવાનના અલગ અસ્તિત્વનો દુનિયા સમક્ષ મજબૂત પક્ષ ઉભો કરીને ચીનને પડકાર ઉભો કર્યો છે. ચીન જેનું વર્ષોથી ગાણું ગાય છે તે વન ચાઇના નીતિ ફગાવીને સાઇ ઇંગ વેન તાઇવાનને જ અસલ રિપબ્લીક ચાઇના (આરઓસી) તરીકે ઓળખાવે છે જયારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પીપલ્સ રિ પબ્લિક ઓફ ચાઇનાને (પીઆરસી) દુનિયાનું એક માત્ર ચીન સમજે છે જેમાં તાઇવાન પણ આવી જાય છે. તાઇવાનની સ્થિતિ એવી છે કે જો તે ચીનની વન ચાઇના નીતિને સ્વીકારી લે તો તેનું અસ્તિત્વ જ મટી જાય તેમ છે 

તાઇવાન અને ચીન વચ્ચેના વિવાદના મૂળિયા ખૂબ ઉંડા છે 

ઇસ ૧૬૪૨ના કોલોનિયલકાળમાં તાઇવાન પર હોલેન્ડનો કબ્જો હતો. ત્યાર પછી ચીનમાં મિંગ વંશનું પતન થતા મંચુઓના ચિંગ રાજવંશનું  ૧૬૮૩ થી ૧૮૯૫ સુધી તાઇવાન પર શાસન રહયું હતું.  ૧૮૯૫માં જાપાને ચીનને પરાજય આપતા તાઇવાન જાપાનના હાથમાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતા અમેરિકા અને બ્રિટને તાઇવાનને ચીનના મોટા રાજનેતા અને મિલિટરી કમાંડર ચિયાંગ કાઇ શેકને સોંપવાનું નકકી કર્યુ હતું.

૧૯૪૯માં ચીનમાં ચિયાંગ કાંઇ શેક અને કમ્યૂનિસ્ટ સમર્થકો વચ્ચે ગૃહયુધ્ધ ફાટી નિકળ્યું હતું. માઓત્સે તુંગના નેતૃત્વમાં ક્મ્યૂનિસ્ટોએ ચિયાંગ કાઇ શેકના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કુઓમિંગતાંગ પાર્ટીને પરાજીત કરતા  ચિયાંગ કાંઇ શેક ચીનથી ભાગીને તાઇવાન આવ્યા હતા. એ સમયનું રાંકડુ ચીન તાઇવાન સામે મોટી કાર્યવાહી કરી શકે તેવી સ્થિતિમાં ન હતું.

તાઇવાનમાં રિપબ્લીક ઓફ ચાઇના(આરઓસી) ની સ્થાપના થઇ જયારે સામ્યવાદીઓએ પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઇના(પીઆરસી) ની સ્થાપના કરી હતી. આ બંને પક્ષો પોતે દુનિયામાં પૂર્ણ ચીનનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા રહયા હતા. શિતયુદ્ધના સમયમાં તાઇવાન અને ચીનના મુદ્વે દુનિયા વહેચાયેલી રહી પરંતુ અમેરિકા સતત તાઇવાનની પડખે રહયું છે.

1980માં તાઇવાન હડપવા ચીનના ડેંગ શિયાઓપિંગની વન નેશન ટુ સિસ્ટમ પોલિસી 

૧૯૭૦ થી ૧૯૮૦નો દાયકો તાઇવાન માટે કપરાકાળ સમો બની રહયો હતો. ચીન (પીઆરસી)માં ડેંગ શિયાઓપિંગે ચીનનું શાસન સંભાળ્યા પછી એક દેશ બે પ્રણાલી (one Nation two system) અમલમાં મુકી હતી. દુરંદેશી ડેંગની આ યોજનાનો હેતું ચીન અને તાઇવાનનું એકિકરણ કરવાનો હતો.

એ સમયે તાઇવાન મૂડીવાદી આર્થિક ઢાંચો લગભગ અપનાવી ચૂકયું હતું. તાઇવાન પોતાનો આર્થિક ઢાંચો જાળવી રાખે, આર્મી પણ રાખે અને વહિવટ પણ ભલે અલગ કરે એવી ખંધી ઉદારતા સાથે કમ્યૂનિસ્ટ પાર્ટીએ ચીનમાં ભળી જવાનો પ્રસ્તાવ મુકયો પરંતુ તાઇવાને એક દેશ બે સિસ્ટમની ખોરી નીતિવાળા ચીની પ્રસ્તાવ ફગાવી દીધો હતો. 

જીમી કાર્ટરને બાદ કરતા તમામ અમેરિકી પ્રમુખ તાઇવાનની સાથે રહયા છે 

૧૯૭૧માં અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિકસનના સમયમાં ચીન સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ભાગ બન્યું અને ૧૯૭૯માં તાઇવાનની યુએનમાંથી માન્યતા સમાપ્ત થઇ ગઇ હતી. ૧૯૭૦માં અમેરિકા નવા બજારની શોધમાં હતું ત્યારે એ સમયે તાઇવાનની ૧ કરોડની વસ્તી સામે  ૬૦ કરોડની વસ્તી ધરાવતું ચીન વિશાળ બજાર હોવાથી અમેરિકા ચીનને મહત્વ આપે એવું કોર્પોરેટ લોબી ઇચ્છતી હતી.

૧૯૭૯માં તત્કાલિન અમેરિકી પ્રમુખ જીમી કાર્ટરે ચીન સાથે સંબંધો મજબૂત બનાવવા તાઇવાન સાથેના રાજકિય સંબંધો તોડી નાખ્યા હતા. જો કે અમેરિકી કોંગ્રેસે તાઇવાન રિલેશન એકટ પસાર કરીને તાઇવાનને શસ્ત્રો આપવાનું તથા ચીન કોઇ નુકસાન કરે તો તેને ગંભીરતાથી લેવાનું નકકી કર્યુ હતું. તેમ છતાં સામ્યવાદી ચીનની સરખામણીમાં તાઇવાન નબળું પડયું હતું.

આજે પણ તાઇવાન યુએનનું સભ્યપદ ધરાવતું નથી.કોરોનાના મહામારીમાં ઉત્તમ કામગીરીનો રેકોર્ડ ધરાવે છે પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનું સભ્ય નથી. તાઇવાનની રાજધાની તાઇપેમાં એલાઇઝ, ઇસ્વાતિની, ગ્વાટેમાલ, હોલી સી, હોન્ડુરાસ, નૌરા, નિકારાગુઆ, તુવાલું અને પલાઉ જેવા માંડ ૧૫ દેશોના દુતાવાસ છે આ એવા ટાપુ દેશો છે જે ખાસ કાંઇ વજૂદ ધરાવતા નથી. 

હોંગકોંગના અનુભવ પરથી તાઇવાન ચીન સાથે એકિકરણ માટે તૈયાર નથી  

તાઇવાનના લોકો ખૂબજ મહેનતુ અને ઉધોગ સાહસિક છે. ઇલેકટ્રોનિક અને આઇટીનું નોલેજ ધરાવતા યુવાનો ખૂબજ નાની ઉંમરે ધનના ઢગલામાં આટોળતા થઇ જાય છે. પાટનગર તાઇપે સહિતના નગરોમાં હાઇ સ્પીડ ટ્રેન અને મેટ્રોની સુવિધા છે. અતિથિ દેવો ભવની પરંપરામાં માનતા તાઇવાનીઓ ચીન (પીઆરસી) માટે ખૂબ ધિક્કાર ધરાવે છે. એવું નથી તાઇવાનમાં પણ ચીન સમર્થકો રહે છે પરંતુ ડેમોક્રેટિકસ પ્રોગેસિવ પાર્ટીના સાઇ ઇંગ વેને નેતૃત્વ સંભાળ્યા પછી પરીસ્થિતિ બદલાઇ ગઇ છે. 

સાઇ ઇંગ વેન ચીન સામે નહી ઝુકવાની આક્રમક નીતિમાં માને છે જયારે વેનના મુખ્ય પ્રતિસ્પર્ધી ચીન સાથે તણાવ ઓછો કરીને શાંતિથી આગળ વધવા માંગે છે. સાઇ ઇંગ વેન અમેરિકા જાય કે જર્મની ચીનને આંખના કણાની જેમ ખૂંચે છે. વન ચાઇના વર્સિસ તાઇવાનની લડાઇમાં અમેરિકાએ ખુદ પોઝિશન સંભાળી છે અને તાઇવાનને પણ મજબૂત કરી રહયું છે.  તાઇવાનનું માનવું છે કે હોંગકોંગના અનુભવ પરથી ચીનની વાત માનવાનો સવાલ જ પેદા થતો નથી જયારે ચીન માને છે કે તાઇવાન અને ચીનનું એકિકરણ થઇને જ રહેશે.

MUST READ:

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV