GSTV

સુશાંત કેસમાં વધુ એક વળાંક: CBIને સોંપાઈ તપાસ, રિયા અને મુંબઈ પોલીસનો વિરોધ

સુશાંત

સુશાંત સિંહ રાજપુતના મોતના કેસમાં બિહાર સરકારે મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. જોકે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લીધેલા આ નિર્ણયનો રિયા ચક્રવર્તીના વકીલે વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે બિહાર સરકાર આ કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી શકે નહીં.

સુશાંત

નીતીશકુમારે ટ્વીટ કરી સીબીઆઈ તાપસ માટે કરી હતી ભલામણ

નીતિશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા દાખલ કરાયેલા કેસમાં રાજ્ય સરકારે સીબીઆઈ તપાસની ભલામણનો પત્ર મોકલી દીધો છે. સુશાંતના મોતની તપાસ કરવાના અધિકાર મુદ્દે બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે બિહાર સરકારની ભલામણથી નવો વિવાદ છેડાયો છે. નીતિશ કુમારે અગાઉ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુશાંતના પિતાએ મંજૂરી આપ્યા પછી આ કેસની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાનો તેમની સરકારે નિર્ણય કર્યો છે.

સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ પટના પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ

કેકે સિંહ રાજપુતે 25મી જુલાઈએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો અને તેના ખાતામાંથી કરોડો રૂપિયાની ઊચાપત કરવાનો આરોપ મૂકતાં પટનામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સીબીઆઈ તપાસની મંજૂરી નહીં મળે ત્યાં સુધી મુંબઈ ગયેલી બિહાર પોલીસની એસઆઈટી મુંબઈમાં જ રોકાશે.

આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાના કેસમાં આખરે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ પોતાનું મૌન તોડ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે સુશાંતની આત્મ હત્યાના કેસમાં જે ચાલી રહ્યું છે તે ગંદુ રાજકારણ છે પરંતુ તે ધૈર્ય ધરાવે છે. આદિત્યએ કહ્યું કે આ કેસમાં તેને અને તેના પરિવારને કારણ વગર ઢસેડવામાં આવી રહ્યો છે.

મારે આ બાબત સાથે કોઈ લેવા દેવા નથી: આદિત્ય ઠાકરે

આદિત્યએ કહ્યું, ‘મારે આ બાબત સાથે કોઈ લેવા દેવા નથી. બોલિવૂડ મુંબઈનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકોના જીવન તેના પર નિર્ભર કરે છે. હા, મારે પણ આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સંપર્કો છે. પણ તે કાંઈ ગુનો નથી. સુશાંતસિંહ રાજપૂતનું મોત ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ છે. મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને મહારાષ્ટ્ર પોલીસ તેની કામગીરી માટે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે.’

બિહાર પોલીસને મુંબઈ પોલીસનો અસહકાર

આ કેસમાં મુંબઈ પોલીસ બિહાર પોલીસને સહકાર નથી આપી રહી અને તેણે બિહાર સરકારે તપાસ માટે મોકલેલા આઈપીએસ અધિકારીને ‘બળજબરીથી ક્વૉરન્ટાઈન’ કરી દીધા હતા તેમ જણાવતાં નીતિશ કુમારે ઉમેર્યું કે દેશવ્યાપી ન્યાયક્ષેત્ર ધરાવતી હોવાના કારણે સીબીઆઈ આ કેસમાં અસરકારક તપાસ કરવા સક્ષમ બનશે.

બિહાર સરકારના નિર્ણય સામે રિયા ચક્રવર્તીએ ઉઠાવ્યા સવાલ

જોકે, રિયા ચક્રવર્તીના વકીલ સતિષમાને શિંદેએ બિહાર સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો બિહાર સરકારને કોઈ અિધકાર નથી. તે વધુમાં વધુ ઝીરો એફઆઈઆર કરીને આ કેસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવાનો જ અિધકાર ધરાવે છે. નીતિશ કુમારની જાહેરાતને મહારાષ્ટ્ર સરકારે પણ નકારી કાઢી છે.

મહારાષ્ટ્ર સરકારના નીતીશ કુમાર પર આક્ષેપ

મહારાષ્ટ્ર સરકારે દાવો કર્યો હતો કે નીતિશ કુમારે આ પ્રકારની જાહેરાત કરીને રાજ્ય સરકારના અધિકારો પર તરાપ મારી છે. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે, નીતિશ કુમાર સરકારે રાજ્યમાં કોવિડ-19 સામે લડવાની તેની નિષ્ફળતા તરફથી લોકોની ધ્યાન હટાવવા માટે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.

અન્ય રાજ્યના અધિકાર પર તરાપ: મહારાષ્ટ્ર સરકાર

મહારાષ્ટ્રમાં થયેલા કોઈ ગૂનાની તપાસ બિહાર સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી. તેમણે ઉમેર્યું હતું કે બિહાર સરકાર રાજ્યોના આંતરિક માળખામાં કટોકટી સર્જવાનું કામ કરી રહી છે. આ અન્ય રાજ્યના અધિકાર પર તરાપ મારવાનું કામ છે, જે સ્વસ્થ લોકશાહી માટે યોગ્ય નથી.

સોશિયલ મીડિયા પર બંગાળી મહિલાઓ ટ્રોલ થઈ

સુશાંત કેસમાં પટનામાં રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાયા પછી સોશિયલ મીડિયા પર છેલ્લા એક સપ્તાહમાં અજાણ્યા લોકો દ્વારા બંગાળી મહિલાઓને ટ્રોલ કરવામાં આવતાં અને તેમની સાથે અભદ્ર વર્તન કરતાં કોલકાતા પોલીસના સાઈબર સેલે આ બાબતમાં તપાસ શરૂ કરી છે. પશ્ચિમ બંગાળ મહિલા કમિશનને મેઈલ પર બંગાળી મહિલાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળ્યા પછી પોલીસે આ તપાસ શરૂ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કેટલીક મહિલાઓએ તેઓ બંગાળી હોવાથી તેમણે અભદ્ર ભાષા અને ટ્રોલનો સામનો કરવો પડતો હોવા અંગે ફરિયાદો કરી હતી.

સુશાંત કેસમાં ગ્રાન્ટ થોર્નટન ફોરેન્સિક ઓડિટર નિમાયા

મુંબઈ પોલીસે મંગળવારે સુશાંત કેસની મોતના કેસમાં ગ્રાન્ટ થોર્નટનની ફોરેન્સિક ઓડિટર તરીકે નિમણૂક કરી છે. પોલીસ વ્યાવસાયિક દુશ્મની, ડીપ્રેશન અને નાણાકીય લેવડ-દેવડ જેવા વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહે તેના ખાતામાંથી કરોડો રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાનો દાવો કરતાં પટનામાં એફઆઈઆર નોંધાવી હતી. આ આરોપો પછી મુંબઈ પોલીસની એક ટીમે શંકાસ્પદ નાણાકીય લેવડ-દેવડ શોધી કાઢવા માટે નાણાકીય ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો હતો.

MUST READ:

Related posts

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, જો યોગ્ય તપાસ નહીં થાય તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

Nilesh Jethva

ખેડૂત આંદોલન ન અટક્યું તો આ રાજ્યમાં ભાજપ સરકાર થઈ શકે છે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel

શરમજનક/ શોંપિયા એન્કાઉન્ટરમાં મજૂરોને આતંકી બતાવીને મારી નખાયા, સેનાએ આપ્યો જવાનો પર કાર્યવાહીનો આદેશ

Karan
Do NOT follow this link or you will be banned from the site!