યુપીના બલિયા જિલ્લાની બૈરિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે વધુ એક વિવાદીત નિવેદન કર્યું છે. સુરેન્દ્રસિંહે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની કેબિનેટમાં પ્રધાન અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરની સરખામણી શ્વાન સાથે કરી દીધી છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી યુપીમાં એનડીએની સાથીદાર છે.
ઓમપ્રકાશ રાજભરે તાજેતરમાં વારાણીસના બાબતપપુર એરપોર્ટ ખાતે સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવ સાથે મુલાકાત કરી હતી. તે સમયે રાજભરે ભાજપના ધારાસભ્ય પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે હાથી ચાલે છે અને કૂતરા ભસતા હોય છે. ઓમપ્રકાશ રાજભરના નિવેદન પર પલટવાર કરતા ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કહ્યુ હતુ કે આ રાજભરનો સ્વભાવ બોલી રહ્યો છે.
હકીકતમાં લોભ માટે કોઈપણ ઠેકાણે જવાનો સ્વભાવ શ્વાનનો હોય છે. તેવામાં રાજનૈતિક અને આર્થિક ફાયદા માટે કોઈપણ ઠેકાણે જવું શ્વાનની ઓળખ છે. સુરેન્દ્રસિંહ આટલેથી જ અટક્યા નહીં અને તેમણે ક્હયુ હતુ કે શિવપાલ અને માયાવતી જ્યાં પણ રોટલી દેખાડશે તેઓ ત્યાં દોડશે. કારણ કે ભાજપે રાજભરને જે સમ્માન આપ્યું છે.. તે તેમને પચી રહ્યું નથી. મહત્વપૂર્ણ છે કે રાજભર અને સુરેન્દ્રસિંહ બંને વિવાદીત નિવેદનો આપવાને કારણે અવાર-નવાર ચર્ચામાં છવાતા રહ્યા છે.