સુરેશ રૈનાએ અકસ્માતને લઇને કર્યો મોટો ખુલાસો, વીડિયો થઇ રહ્યાં છે વાયરલ

ભારતીય ટીમમાં વાપસી માટે સતત પ્રયાસ કરી રહેલો સુરેશ રૈના આજકાલ એક ખાસ કારણે ચર્ચામાં છે. સુરેશ આજકાલ એક કારણસર પરેશાન થઇ રહ્યો છે. તેની પરેશાની ફિટનેસ નહી પરંતુ કંઇક બીજુ છે. હકીકતમાં યુટ્યૂબ પર તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં રોડ એક્સિડેન્ટમાં સુરેશના નિધનની વાત કરવામાં આવી હતી.

આ અફવાના કારણે ક્રિકેટર સુરેશ રૈના પરેશાન થઇ ગયો છે જેના કારણે તેણે ટ્વીટ કરીને ફેન્સને આ અફવાની ઉપેક્ષા કરવાની વાત કરી છે.

તેણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, પાછલાં કેટલાંક દિવસોથી યૂટ્યૂબ પર મારી કાર એક્સીડન્ટની ખબર ફેલાવવામાં આવી રહી છે. આ ફેક ખબર પર મારા પરિવાર અને મિત્રો ખૂબ જ પરેશાન થઇ ગયાં છે. હું આપ સૌને વિનંતી કરૂ છું કે આ પ્રકારની ખબરોને નજરઅંદાજ કરો. ઇશ્વરની કૃપાથી હું બિલકુલ ઠીક છુ. જે ચેનલોએ આ પ્રકારની અફવા ઉડાવી છે તે રિપોર્ટ કરવામાં આવી છે અને આશા ચે કે ટૂંક સમયમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રૈના હાલ ઇન્ટરનેશનલ ટીમમાંથી બહાર છે પરંતુ ઉત્તર પ્રદેશની રણજી ટીમમાં રમી રહ્યો છે. તેણે અંતિમ મેચ ડિસેમ્બરમાં ઝારખંડ સામે રમી હતી. આ મેચમાં તેણે 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઇન્ટરનેશનલની વાત કરીએ તો છેલ્લીવાર જુલાઇમાં ઇંગ્લેન્ડ સામે મેચ રમી હતી.

રૈનાએ ભારત માટે 226 વન ડે રમી હતી. આ દરમિયાન તેણે 5 સદી અને 36 અડધી સદીની મદદથી 5615 રન બનાવ્યાં છે. તેને ટ્વીટ સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. ટી-20 ઇન્ટરનેશનલમા તેણે 78 મેચ રમીને 1605 રન બનાવ્યાં છે. ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારા ગણતરીના ખેલાડીઓમાં રૈનાનો સમાવેશ થાય છે. તેના નામે 18 ટેસ્ટમાં એક સદી અને 7 અડધી સદી નોંધાયેલી છે. ટેસ્ટ કરિયરમાં તેણે 768 રન બનાવ્યાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter