વિશ્વનું એકમાત્ર મંદિર સુરતમાં કે જ્યાં શિવ પર થાય છે જીવતા કરચલાનો અભિષેક, કહાની જાણો છો?

પોષી એકાદશીએ સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ – ઘેલા મંદિરમાં શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવ્યો. અહીં યોજાયેલા મેળામાં હજારો ભક્તો ઉમટ્યા અને મહાદેવના દર્શન કરી તેમના પર જીવતા કરચલાથી અભિષેક કર્યો ત્યારે સવાલ થાય કે શા માટે કરચલાથી અભિષેક. આની પાછળ રોચક ઈતિહાસ જોડાયેલો છે. આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં.

સુરતના ઉમરા વિસ્તારના રામનાથ-ઘેલા મંદિરમાં દર વર્ષની જેમ પોષ એકાદશીએ અહીં મેળાનું આયોજન કરાયું. આ મેળામાં હજારો ભક્તો ઉમટયા. અને તેમણે જીવતા કરચલાની ખરીદી કરી. જીવતા કરચલાને એક થેલીમાં ભરી ભક્તો મંદિરમાં પ્રવેશ્યા. અને રામનાથ – ઘેલા મહાદેવ પર જીવતા કરચલાનો કર્યો અભિષેક.

પણ જીવતા કરચલાનો અભિષેક શા માટે? આની પાછળ રસપ્રદ ઈતિહાસ છે. કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમ્યાન અહીં રોકાયા હતા. જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા – અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા. જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો.

તર્પણવિધિ દરમ્યાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિન્નતી કરી હતી. સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી. આ દરમ્યાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા. ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા.

ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદેશથી એક સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે માહાત્મ્ય આંકવામાં આવે છે. દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે.

શિવલિંગ પર કરચલા ચઢાવી કેટલાક ભક્તોએ કાનના થતાં રોગો અંગે બાધા મૂકી. તો કેટલાકની મનોકામના પૂર્ણ થતાં બાધા છોડી પૂજન-અર્ચન કરતા જોવા મળ્યા. આવું મંદિર સમગ્ર વિશ્વમાં એક જ છે. જ્યાં શિવલિંગ પર જીવિત કરચલા ચઢે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter