એક પ્યુન નિવૃત થાય ત્યારે આટલું માન-સન્માન લગભગ ગુજરાત સિવાય ક્યાંય જોવા ન મળે

સુરત માત્ર ખરાબ ખબરો માટે જ જાણીતું નથી. એક એવો કિસ્સો જોવા મળ્યો સુરતનાં આંગણે કે જે જોઈને તમે પણ કહેશો વાહ! આખુ વર્ષ મહેનત કરી કંપનીને કે પેઢીને કરોડો રૂપિયા રળી આપતાં કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર, ઘર કે સોના-ચાંદીનાં ઘરેણાની ભેટ આપતા કિસ્સા તો અનેક જોવા મળ્યાં છે. પરંતુ, 37 વર્ષ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી શાળામાં પટાવાળા તરીકે સેવા બજાવનાર સેવકનું બહુમાન કરી તેમને સોનું અને રોકડ રકમની ભેટ ઉપરાંત તેમના પુત્રને નોકરીની સાથે વિદાય આપતો કદાચ શહેરમાં પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે.

શાળાનાં પ્રમુખ તથા મંત્રી દ્વારા સેવકનું શાલ-સ્મૃતિભેટ આપી બહુમાન કર્યુ. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 84000 હજાર રૂપિયા આપ્યા. સોનાની વિંટી-ચેન તથા મોપેડ આપી સન્માનિત કરાયા. પુત્ર અરવિંદભાઈ ભીલને શાળામાં તેમના સ્થાને નોકરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી.

શાળાના આચાર્ય વિજયભાઈ પટેલનું કહેવું છે કે શાળામાં પટાવાળા તરીકે સેવા બજાવતાં ગોવિંદભાઇએ ક્યારેય ચૂક કરી નથી. જુલાઈ, 2005માં ભારે વરસાદના માહોલ સમયે જ ગાંધીનગરથી શાળાનાં આચાર્ય તરીકે મારી નિમણૂંકનો મેસેજ આવ્યો હતો. તે સમયે ગોવિંદભાઈ ભીલે ભારે જહેમત ઉઠાવીને મને એ મેસેજ પહોંચાડ્યો હતો.

જો એ દિવસે મને મેસેજ મળ્યો ન હોત, તો આજે હું આજે આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો ન હોત. આ ઉપરાંત 2006માં સુરતમાં પુર આવ્યું હતું, ત્યારે પુણાગામ વિસ્તાર 8થી 10 ફુટ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. શાળાનાં ભૌતિક સાધનો અને તમામ પ્રકારનું રેકર્ડ તેમણે એકલા હાથે સુરક્ષિત સ્થળે પહોંચાડ્યું હતું. કામને નિષ્ઠા, પ્રમાણિકતા અને સમર્પણની ભાવનાને લઈને શાળાએ તેમનું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter