સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટીંગ આંશિક મંદ પડી છે. અડધાથી છ ઇંચ સુધીના વરસાદમા સૌથી વધુ સુરતના માંગરોળ તાલુકામાં ૧૨ કલાકમાં ૬ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નવસારીમાં સરેરાશ ૧.૭ ઇંચ વરસાદને લીધે વધુ બે તળાવો છલકાઇ જતા નજીકના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વલસાડમાં કપરાડામાં સૌથી વધુ ૪.૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સુરત-માંગરોળમાં મેઘો મનમુકીને વરસ્યો
સુરત જિલ્લામાં અવિરતપણે વરસી રહેલા મેઘરાજા આજે દિવસના માંગરોળ તાલુકામાં મનમુકીને વરસતા ૧૨ કલાકમાં ૬ ઇંચ પાણી ઝીંકાઇ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે ઉમરપાડમાં ૩ ઇંચ અને સુરત સિટીમાં ૨ ઇંચ સુધીના વરસાદની કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સિટીમાં મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે. સતત વરસાદને લીધે સુરતીઓ ટેન્શનમાં રહ્યા છે. આજે દિવસ દરમિયાન મેઘરાજાનું જોર ઘટયું હતું. સિટીમાં આખો દિવસ હિલ સ્ટેશન જેવો માહોલ રહ્યો હતો.

નવસારીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા
નવસારી જિલ્લામાં સરેરાશ ૧.૭ ઇંચ વરસાદને પગલે ગઈકાલે વિજલપોરમાં ડોલી તળાવ છલકાતા ૧૫ જેટલા ઘરોમાં પાણી ભરાતા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નવસારીમાં દુધીયા તળાવ ઓવરફલો થતા શાકભાજી માર્કેટમાં ત્રણ દિવસ પાણી ભરાયા છે. નવસારી વિરાવળ ગામે તળાવ ઓવરફલો થતા નવસારી-સુરત સ્ટેટ હાઈવે પર પાણી વહેતા વાહનચાલકો-રાહદારીઓ મુશ્કેલીંમાં મુકાયા હતા. ખેતરો પાણીથી છલોછલ થતા ડાંગર, શાકભાજીના પાકને નુક્સાનની ભીતિ છે.

વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
વલસાડ જિલ્લામાં મેઘરાજાની બેટીંગ રવિવારે ચાલુ રહી હતી. સૌથી વધુ કપરડામાં ૪.૮ ઇઁ, ઉમરગામમાં ૪.૩ ઇંચ વરસાદ નોધાયો હતો. તાપી જિલ્લામાં પણ વરસાદનું જોર ઘટયું છે. જોકે, નિઝર અને કુકરમુંડા તાલુકામાં ખેડૂતોના કપાસના પાકને નુક્સાન થયું છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ધોધમાર ૩ ઇંચ અને દમણમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. કેચમેન્ટમાં વરસાદને પગલે મધુબન ડેમમાંથી ૧૦ પૈકી ૪ દરવાજા ૧.૩૦ મીટર ખોલીને ૨૫,૮૭૬ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમની સપાટી ૭૬ મિટર નોંધાઇ હતી.
Read Also
- પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’
- ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે
- ઈણાજમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ત્રિરંગાને આન, બાન અને શાન સાથે આપી સલામી
- Health Tips: ડાયાબિટીઝથી લઇને કેન્સર જેવા રોગમાં અતિ ફાયદાકારક છે કારેલું, ખાવાના એક નહીં અઢળક છે ફાયદાઓ
- થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા