GSTV
Home » News » 24 બાળકોના જીવતા ભૂંજાઈ જવાનો 24 કલાક પણ મલાજો ન જળવાયો, હજુ રાખ પણ નથી થઈ ઠંડી

24 બાળકોના જીવતા ભૂંજાઈ જવાનો 24 કલાક પણ મલાજો ન જળવાયો, હજુ રાખ પણ નથી થઈ ઠંડી

ચારે કોર બસ ધૂમાડો… ધૂમાડો અને ધૂમાડો, બુમાબુમ અને આગની લપેટો…ક્યાં જવું ક્યાં ન જવું અને આખરે બારીમાંથી કૂદી પડવાનો લીધો નિર્ણય… સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 24 નિર્દોષ બાળકો જીવતા ભૂંજાઈ ગયા છે. બપોરે ઘરેથી નીકળ્યા ત્યારે રતિભાર જેટલી પણ મા-બાપને આશંકા ન હતી કે બાળકો ફરીવાર ઘરે ક્યારેય નહીં આવી શકે. એકાએક સર્જાયેલી આ માનવ સર્જિત આગની લપેટો એવી ઉઠી કે 17 દિકરીઓ સહિત 24 બાળકોનાં મોત નિપજી ચૂકયા છે. સરકારે આ ઘટનામાં જવાબદારોને સસ્પેન્ડ કરવાથી લઇને રાજ્યભરમાં ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાના આદેશો તો કરી દીધા પણ 24 કલાક મોતનો મલાજો જળવાયો નથી. સીએમે તો તો મા-બાપ પૈસાના ભૂખ્યા હોય તેમ 4-4 લાખની સહાય જાહેર કરી દીધી. સાહેબ બાળકો જવાનો ગમ કેવો હોય છે એ તમારાથી સારી રીતે તો કોણ જાણી શકે. આમ છતાં નેતાઓએ જીતના જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગઈકાલે ભડથું થયેલા બાળકોના દેહનાં ઢગલામાંથી પોતાની વ્હાલસોયા દિકરા અને દીકરીને કેમ શોધવા તે મા-બાપના વલોપત કદાચ આપને દેખાયા નહીં હોય. બાળકોના શરીર પર જે થોડા ઘણા કપડાં દેખાતા હતા એના પરથી જ અન્ય મા-બાપની આંખો પણ પોતાના બાળકોને જ શોધી રહી હતી. જેમાંથી કોઈ હાથ પર બાંધેલા ધાગા કે ફ્રેન્ડશિપ બેલ્ટ, કપડાં, બુટ -ચંપલ જોઈને પોતાના લાડકવાયાઓને શોધી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું કંપાવનારું હતું કે, નજરે જોનારાના હદ્રય દ્વવી ઉઠ્યા હતા.

મોતને ભેટનારા બાળકોના માતા-પિતા એક ખૂણામાં ગમગીન બનીને પોક મૂકીને રડી રહ્યાં હતા. તેમાંના ઘણા માતા-પિતાએ તો ભારે હૈયે કોલસો થયેલા મૃતદેદેહ પોતાના માનીને સ્વીકારી લીધા હશે… કારણ કે ઓળખ શક્ય જ ન હતી. આજે આ બાળકોની રાખ શાંત પણ થઈ નથી અને ભાજપે જીતના જશ્નની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત સરકારે 182 મીટર ઊંચી પ્રતિમા બનાવી દીધી, પણ પાંચ માળે પહોંચે એવી સ્નોરકેલ વસાવી નથી. સુરતને શાંઘાઈ અને સિંગાપુર બનાવવાના સપનાં જોતી સરકારો સ્નોરકેલ આપે તો પણ બસ જ છે. જેનાથી કેટલાયના સપનાં તો રોળાતાં બચી જશે. કાલે સ્નોરકેલ હોત તો અનેકના લાડકવાયાં બચી ગયાં હોત.

ભાજપની જબરજસ્ત જીતનો ઉત્સાહ હોવો એ સ્વાભાવિક છે. ગુજરાતમાં જીતનો જશ્ન ટાળી શકાયો હોત આ નિર્દોષ બાળકો એ તંત્રની બેદરકારીના પાપે ભોગ બન્યા છે. સરકારમાં ખાયકી કરવા ટેવાયેલા નેતાઓ અને અધિકારીઓના પાપે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે. આ ઘટના ટાણે ભલે મોટાપાયે કાર્યવાહી થઈ રહી છે પણ થોડા દિવસો જતાં લોકો ભૂલી જશે અને આ અગ્નિકાંડ પણ ભૂલાઈ જશે પણ નહીં ભૂલી શકે આ ઘટનાને ભોગ બનનારના સ્વજનો. એક દિકરીએ આ અગ્નિકાંડમાંથી બચવા પિતાને ફોન કરી વાયદો કર્યો હતો કે, ગમે તે કરીને જીવ બચાવવાનો પ્રયાસ કરીશ પણ પિતા પહોંચ્યા ત્યારે દીકરીનો ભડથું થયેલી લાશ મળી હતી. આ બાળકોના અનેક અરમાનો હતા જે અગ્નિકાંડમાં ભસ્મીભૂત થયા છે. કદાચ આ ઘટનામાંથી ધડો લઈ નેતાઓએ જીતની ઉજવણી ટાળવાની જરૂર હતી પણ સત્તા આગળ શાણપણ નકામું છે. ઘટનામાં મૃત્યુ પામનાર 24 બાળકોમાં 17 દીકરીઓનો પણ સમાવેશ થાય છે. અગ્નિકાંડનો ભોગ બનેલા બાળકોમાં કોઈને પેઈન્ટર બનવું હતું તો કોઈને આર્ટિસ્ટ બનવું હતું. હવે આ ભુલકાઓના તમામ સપનાં અધુરા રહી ગયા છે.

Related posts

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!