મોબાઇલમાં સસ્તું થયેલુ ઇન્ટરનેટ ફાયદારૂપી છે. પરંતુ સસ્તા ડેટાનું દૂષણ અશ્લિલ વીડિયો થકી એટલી હદે પહોંચી ગયું છે કે આજ અશ્લિલ ક્લિપોના કારણે સમાજમાં દૂષ્કૃત્યની ઘટનાઓ વધી છે. ખાસ કરીને માસૂમ બાળકીઓને નિશાન બનાવાઇ રહી છે. સુરતની 3 વર્ષની માસૂમ પણ આવી જ અશ્લિલ વીડિયો ક્લિપના કારણે દૂષ્કૃત્યનો ભોગ બની. અને તેની હત્યા કરી દેવાઇ.
સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકીનું દુષ્કૃત્ય અને તેની હત્યાના આરોપી અનિલ યાદવને સુરત ક્રાઇમબ્રાંચ બિહારથી દબોચીને લાવી છે. પોતાના મિત્રના ઘરે છૂપાઇ ગયેલા અનિલ યાદવની સુરત લાવીને કરાયેલી પૂછપરછમાં એ ચોંકાવનારી વિગત સામે આવી કે તે રાત્રે 8 વાગ્યાના અરસામાં મોબાઇલમાં પોર્ન વીડિયો જોઇ રહ્યો હતો. આ સમયે પાડોશમાં રહેતી બાળકી આવી ચઢી. અને તે કામાંધ બની ગયો અને માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવીને તેનું ગળું દબાવી દીધું.
સુરત ક્રાઇમબ્રાંચ આરોપી અનિલ યાદવને હાલમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર લાવી છે હવે કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવશે. બની શકે પોલીસ આખીયે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવે. ત્યારે સુરતમાં લઇને આવવામાં આવેલા આરોપીને લઇને લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. જેથી પોલીસે સઘન બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.