સુરતમાં સોમવારની રાત્રે એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી અને એક આઈએએસ અધિકારી વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દિલ્લી-સુરત ફલાઈટ સુરત આવી રહી હતી તે દરમ્યાન મોબાઈલની રિંગટોન સતત વાગી રહી હોવાના કારણે આઈએએસ અધિકારી આનંદ કુમારે મહિલા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મેઘના પટેલને ટકોર કરી હતી. પરંતુ મોબાઇલમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે રિંગ બંધ થઈ શકી ન હતી. જો કે મોબાઈલ રિંગ મેઘના પટેલના ફોનની નહીં પરંતુ તેમની બાજુની સીટ પરના પેસેન્જરના ફોનની વાગી રહી હતી. સતત વાગી રહેલી રિંગટોન બંધ નહીં થતાં અધિકારી આનંદ કુમાર અકળાયા હતા અને અપશબ્દો બોલવાનું શરૂ કરી દેતા હોબાળો થયો હતો. આથી ઉશ્કેરાઇને મેઘના પટેલે આનંદ કુમારને સૌપ્રથમ તમાચો ઝીંકી દીધો હતો. તો સામે આનંદકુમારે પણ મેઘના પટેલને વળતા બે લાફા ઝીંકી દીધા હતા. મામલો વધુ ઉગ્ર બનતો જોઇ એરપોર્ટ ઓથોરિટી અને અન્ય મુસાફરોએ મધ્યસ્થી કરી હતી. બંનેએ એકબીજાને તમાચા ઝીંકી રોષ ઠાલવ્યો હતો. જો કે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. બીજી તરફ એરપોર્ટ પર સર્જાયેલા લાફાકાંડ અંગે મેઘના પટેલે પ્રતિક્રિયા આપી હતી.