GSTV
India News ટોપ સ્ટોરી

ચિદમ્બરમને ધરપકડ સામે સુપ્રીમની રાહત સીબીઆઈની કસ્ટડીમાં દખલનો ઈનકાર

સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડી દ્વારા દાખલ મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે કોંગ્રેસ નેતાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી છે અને આ કેસમાં સીબીઆઈ અને ઈડીના કેસની એક સાથે ૨૬મી ઓગસ્ટને સોમવારે સુનાવણી કરવા સંમતી દર્શાવી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં સીબીઆઈ કસ્ટડીમાં દરમિયાનગીરી કરવાનો ઈનકાર કરતાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમ સોમવાર સુધી સીબીઆઈની કસ્ટોડિયલ પૂછપરછ હેઠળ જ રહેશે. 

બીજીબાજુ એરસેલ-મેક્સિસ કેસમાં ઈડી અને સીબીઆઈ દ્વારા દાખલ ફરિયાદમાં દિલ્હીની કોર્ટે શુક્રવારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમ્ અને તેમના પુત્ર કાર્તિને ધરપકડમાંથી વચગાળાનું સંરક્ષણ ૩ સપ્ટેમ્બર લંબાવ્યું છે અને ત્યાં સુધી આગોતરા જામીન અરજી પર તેનો ચૂકાદો અનામત રાખ્યો છે. ન્યાયાધીશો આર. ભાનુમતિ અને એ. એસ. બોપન્નાને સમાવતી બેન્ચે બંને બાબતોની સુનાવણી ૨૬મી ઓગસ્ટને સોમવાર સુધી મુલતવી રાખી હતી.

અરજદાર ચિદમ્બરમના વકીલો અને સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાંભળ્યા બાદ અમારૂં માનવું છે કે આઈએનએક્સ મીડિયાના ઈડી કેસમાં સહ-આરોપીના જામીન મંજૂર રાખવામાં આવ્યા હતા. આ કેસમાં વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી ઈડી અરજદારની ધરપકડ નહીં કરી શકે. ઈડી અને સીબીઆઈ બંને સોમવારે તેમનો જવાબ અને દલીલો રજૂ કરી શકશે.

આ કેસમાં ચૂકાદો આપ્યા બાદ તુષાર મહેતાએ સીલ કવરમાં કોર્ટને દસ્તાવેજોનું એક કવર આપતા કહ્યું કે બેન્ચ ચિદમ્બરમ્ને ધરપકડમાંથી રાહત આપતો આદેશ આપતા પહેલાં તેની ગંભીરતા ચકાસી શકે છે. જોકે, બેન્ચે આ દસ્તાવેજો સ્વીકારવાનો ઈનકાર કરતાં મહેતાને સોમવારે તે રજૂ કરવા જણાવ્યું હતું.

આ કેસની સુનાવણી વખતે સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ અને ચિદમ્બરમ્ના સાથી કપીલ સિબલ અને અભિષેક મનુ સિંઘવી વચ્ચે ઉગ્ર શાબ્દિક ચર્ચા થઈ હતી. ઈડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમને ધરપકડમાંથી રાહત આપવાના આદેશનો મહેતાએ તીવ્ર વિરોધ કર્યો હતો. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા ગૂ્રપના તત્કાલિન પ્રમોટર્સ પીટર અને ઈન્દ્રાણી મુખરજી એફઆઈપીબીની મંજુરી મુદ્દે તેમને મળ્યા ત્યારે તેમના પુત્ર કાર્તિનું ‘ધ્યાન’ રાખવા તેમને કહ્યું હતું.

તેમણે કહ્યું કે ઈડીને તપાસ દરમિયાન જણાયું હતું કે ચિદમ્બરમ વિદેશમાં ૧૧ અચલ સંપત્તિ અને ૧૭ બેન્ક ખાતા ધરાવે છે. સૌૈથી આશ્ચર્યજનક બાબત એ છે કે જે લોકોના નામે શેલ કંપનીઓ બનાવાઈ છે તેમણે ચિદમ્બરમની પૌત્રીના નામે વસીયત બનાવી હતી. આ કૌભાંડને ખુલ્લું પાડવા માટે ચિદમ્બરમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.

સિબલ અને સિંઘવીએ કહ્યું કે તેમણે સીબીઆઈને ચિદમ્બરમ્ની કસ્ટડીની મંજૂરી આપતા વિશેષ જજના આદેશને પડતારતી અલગ અરજી દાખલ કરી છે. સિબલે કહ્યું હાઈકોર્ટે ઈડી દ્વારા રજૂ કરાયેલી નોંધની સીધી જ તેના આદેશમાં નકલ કરી લીધી હતી અને અરજદારોને આ નોંધ પર દલીલની તક આપી નહોતી. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના ૨૦મી ઓગસ્ટના ચૂકાદાને પડકારતી ચિદમ્બરમ્ની બે અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં ચિદમ્બરમ્ની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી.

દિગ્વિજયસિંહના ભાઈનો બફાટ

ચિદમ્બરમને કોંગ્રેસના વકીલો બચાવી શક્યા નહીં

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહે બફાટ કરતાં શુક્રવારે પક્ષના જ નેતાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પક્ષના જ નેતાઓ અને વકીલો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને કોર્ટમાંથી રાહત અપાવવામાં નિષ્ફળ ગયા છે.

કોંગ્રેસ નેતા કપિલ સિબલ અને અભિષેક મનુ સિંઘવીનો ચિદમ્બરમનો બચાવ કરતા વકીલોમાં સમાવેશ થાય છે, પરંતુ તેઓ આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસ નેતાને આગોતરા જામીન અપાવી શક્યા નહીં કે તેમની ધરપકડ અટકાવી શક્યા નહીં. કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે કહ્યું કે મને આશા છે કે ચિદમ્બરમ નિર્દોષ બહાર આવશે અને પક્ષની છબીને સ્વચ્છ રાખી શકશે.

એરસેલ-મેક્સિસ કેસમાં વારંવાર સુનાવણીની માગ મારા માટે ક્ષોભજનક : જજે ઈડીને ખખડાવી

દિલ્હી કોર્ટે પણ  ચિદમ્બરમને ધરપકડ સામે વચગાળાની રાહત આપી

સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ એરસેલ-મેક્સિસ કેસમાં દિલ્હીની કોર્ટે શુક્રવારે ચિદમ્બરમ્ અને તેમના પુત્ર કાર્તિને ધરપકડમાંથી ૩જી સપ્ટેમ્બર સુધી વચગાળાની રાહત આપી હતી અને તેમની આગોતરા જામીનની અરજી પર ચૂકાદો ત્યાં સુધી અનામત રાખ્યો હતો. જોકે, ઈડી અને સીબીઆઈ દ્વારા આ કેસમાં વારંવાર સુનાવણી રાખવા વિનંતી કરતાં સ્પેશિયલ જજ ઓ.પી. સૈનિએ આ અંગે તીવ્ર વાંધો ઉઠાવતાં કહ્યું કે મારા માટે આ ક્ષોભનજક બાબત છે.

 ઈડી અને સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમ્ અને તેમના પુત્ર સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં અનામત હોવાથી એરસેલ-મેક્સિસ કેસની સુનાવણી મોકુફ રાખવા દિલ્હીની કોર્ટને વિનંતી કરી હતી. દિલ્હી કોર્ટે ચિદમ્બરમ્ની આગોતરા જામીન અરજી ૩જી સપ્ટેમ્બર પર ચૂકાદો અનામત રાખ્યો હતો અને ત્યાં સુધી તપાસ સંસ્થાને તેમની ધરપકડમાંથી વચગાળાની રાહત લંબાવી હતી.

READ ALSO

Related posts

કેમેરામેનથી ખોવાઈ ગયા લગ્નના વીડિયો, વરરાજા કોર્ટમાં પહોંચ્યો, કોર્ટે ફટકાર્યો 25,000 રૂપિયાનો દંડ

Padma Patel

56 વર્ષનો પ્રેમી ને 36 વર્ષની પ્રેમિકા….. પહેલા મશીનથી કર્યા મૃતદેહોના ટુકડા, પછી કપાયેલા અંગોને કૂકરમાં ઉકાળ્યા, સનકી પ્રેમીએ ક્રૂરતા પૂર્વક લિવ ઈન પાર્ટનરની કરી હત્યા

pratikshah

Accident/ ઉત્તર અફઘાનિસ્તાનમાં વાન ખીણમાં ખાબકી, મહિલાઓ અને બાળકો સહીત 24ના મોત

Padma Patel
GSTV