વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઇને ભારે વિવાદ સર્જાયો છે. જ્યારે સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુકતો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે શુક્રવારે સુનાવણી કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર પાસેથી પ્રતિબંધોના નિર્ણયોના દસ્તાવેજો માગ્યા છે. જોકે હાલ પ્રતિબંધોને હટાવવા માટે કોઇ આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે બીબીસીની ડોક્યુમેન્ટ્રી ક્યા કારણોસર અને ક્યા કાયદા હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી છે. કોના દ્વારા આ આદેશ જાહેર કરાયો હતો તેની સંપૂર્ણ વિગતો દસ્તાવેજોની સાથે ત્રણ સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ મામલે હવે આગામી એપ્રીલ મહિનામાં વધુ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સામે જે અરજીઓ થઇ છે તેના અરજદારોમાં પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને પ્રશાંત ભૂષણનો સમાવેશ થાય છે. તેમની માગણી પર હાલ કોઇ પણ પ્રકારનો આદેશ નથી આપવામાં આવ્યો.

કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે બીબીસીની આ ડોક્યુમેન્ટ્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક નેતાઓએ તેને બ્રિટિશ મીડિયા દ્વારા ભારતને વિભાજીત કરવાનું કાવતરુ પણ ગણાવ્યું હતું. જ્યારે કેટલાક નેતાઓ દ્વારા તેને સમર્થન મળ્યું હતું અને કેટલાક રાજ્યોમાં યુનિ.માં ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ રખાતા ભારે વિવાદ પણ સર્જાયો હતો. જામીયા, જેએનયુ, પંજાબ યુનિ. કેરળની યુનિ.ઓમાં આ સ્ક્રીનિંગ રખાયું હતું. જે દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.
આ ડોક્યુમેન્ટ્રીને લઇને અમેરિકા, બ્રિટન સરકાર તરફથી પણ પ્રતિભાવ આવ્યા છે. હાલ સુપ્રીમે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે જે બાદ સમગ્ર મામલે વધુ સુનાવણી કરવામાં આવશે. અરજદારો વતી એવી દલીલ કરવામાં આવી હતી કે બીબીસી ડોક્યુમેન્ટ્રી એક અભ્યાસનો વિષય છે, જેને જોવાનો પત્રકારોને અને મીડિયાને તેમજ આ દેશના નાગરિકોને અધિકાર છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટ્રીમાં પીડિતોને પણ દર્શાવવામાં આવ્યા છે, જેમના મંતવ્યો કે પ્રતિભાવો તેમને ન્યાય અપાવવામાં મદદરૂપ પણ થઇ શકે છે માટે તેના પર પ્રતિબંધ લગાવવો અયોગ્ય છે.
READ ALSO
- Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો
- આત્મસમર્પણની અટકળો વચ્ચે અમૃતપાલનો એજન્સીઓને ખુલ્લો પડકાર, ‘જે કરવું હોય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં કરી શકો’
- બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક