સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમે સીબીઆઇને જણાવ્યું હતું કે એવા પુરાવા મળ્યા નથી કે ચિદમ્બરમ વિદેશ ભાગી જશે કે ટ્રાયલમાં હાજર નહીં થાય. જો કે ચિદમ્બરમને સીબીઆઇના કેસમાં જામીન મળ્યા હોવા છતાં તે બહાર નહીં આવી શકે કારણકે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં તેમને પોતાની કસ્ટડીમાં લઇ લીધા છે.

શરતોને આધીન જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે સીબીઆઇની એ દલીલને પણ ફગાવી દીધી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ચિદમ્બરમે બે સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયત્નો કર્યા હતાં. સુપ્રીમે જણાવ્યું છે કે ચિદમ્બરમ સાક્ષીઓને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળ્યા તે અંગેની વિગતો સીબીઆઇ દ્વારા રજૂ કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરમને કેટલીક શરતોને આધીન જામીન આપ્યા છે. પી ચિદમ્બરમ નીચલી કોર્ટની મંજૂરી વગર વિદેશ નહીં જઇ શકે. તેમણે તપાસમાં સહકાર આપવો પડશે. જ્યારે પણ સીબીઆઇ પૂછપરછ માટે બોલાવશે ત્યારે તેમને સીબીઆઇ સમક્ષ હાજર થવું પડશે. ચિદમ્બરમને પોતાનો પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરાવવો પડશે.

બે મહિનાથી પી.ચિદમ્બરમ જેલમાં હતા બંધ
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણયની અસર ચિદમ્બરમની વિરૂદ્ધ ચાલી રહેલા અન્ય કેસો પર પડશે નહીં. સુપ્રીમ કોર્ટે બચાવ પક્ષની એ દલીલને પણ સ્વીકારી હતી કે ચિદમ્બરમ છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ 15મે, 2017ના રોજ દાખલ કરેલા આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં 21 ઓગસ્ટ, 2019ના રોજ ચિદમ્બરમની ધરપકડ કરી હતી. તેમના પર આરોપ છે કે નાણા પ્રધાન તરીકેના કાર્યકાળમાં 2007મા આઇએનએક્સ મીડિયા ગુ્રપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મેળવવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ(એફઆઇપીબી)ની મંજૂરી આપવામાં અનિયમિતતા આચરી હતી.

ચિદમ્બરમે સાક્ષીઓને પ્રભાવીત કર્યા
ન્યાયમૂર્તિ આર બાનુમતિના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે ચિદમ્બરમ સાક્ષીઓને પ્રભાવિત કર્યા છે અને જામીન મળ્યા પછી તે વધુ પ્રભાવિત કરશે તેવી સીબીઆઇની દલીલ તેમને જામીન આપવાથી અમને રોકી ન શકે. આ ખંડપીઠમાં ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના, ઋષિકેશ રોય પણ સામેલ હતાં. ખંડપીઠે 30 સપ્ટેમ્બરના દિલ્હી હાઇકોર્ટના જામીન નહીં આપવાના ચુકાદાને ફગાવી દીધો હતો.

સુપ્રીમે આર્થિક અપરાધીઓનું વિદેશ ભાગી જવું રાષ્ટ્રીય ઘટના બની હોવાની દલીલ ફગાવી
સુપ્રીમ કોર્ટે સીબીઆઇની એ દલીલને માનવાનો ઇનકાર કરી દીધો છે કે આર્થિક અપરાધીઓનું વિદેશ ભાગી જવું રાષ્ટ્રીય ઘટના બની ગઇ છે કારણકે અગાઉ વિજય માલ્યા સહિતના આર્થિક અપરાધીઆ વિદેશ ભાગી ગયા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અગાઉ વિદેશ ભાગી ગયેલા આર્થિક અપરાધીઓ સાથે દરેક વ્યકિતને સાંકળી ન શકાય. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઇ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની આ દલીલને આધારે ચિદમ્બરમને જામીન આપવાનો ઇનકાર કરી ન શકાય.
READ ALSO
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
- ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત