ઇવીએમ મુદ્દે ૨૧ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી : 50 ટકા VVPAT સ્લીપની ગણતરી કરવા માગ

evm issue

ઇવીએમની ૫૦ ટકા વીવીપેટ(વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ) સ્લીપની ગણતરી કરવાની માગ અંગે વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠે આ અરજીની સુનાવણી ૨૫ માર્ચના રોજ રાખી છે અને આ દિવસે ચૂંટણી પંચને પોતાના અધિકારીને કોર્ટમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે. 

આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને અન્ય સહિતના વિવિધ વિરોધ પક્ષના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં  લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર કરતા પહેલા ૫૦ ટકા મતોની પેપર ટ્રાયલ સાથે સરખામણી કરવાની માગ કરવામાં આવી છે. 

આ અરજીના પ્રમુખ પક્ષકાર ચંદ્રાબાબુ નાયડુએ ફેબુ્રઆરીમાં જ જાહેરાત કરી હતી કે વિરોધ પક્ષો ઇવીએમની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. 

કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીઆઇ(એમ), સીપીઆઇ, તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય લોક દળ, લોકતાંત્રિક જનતા દળ, ડીએમએકે સહિતના ૨૧ વિરોધ પક્ષો દ્વારા દાખલ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરતી વખતે ચૂંટણી પંચે જણાવ્યું છે કે દરેક લોકસભા બેઠક દીઠ ફક્ત એક પોલિગ સ્ટેશનમાં ઇવીએમના મતોની સરખામણી વીવીપેટ સ્લીપથી કરવામાં આવશે.  એનસીપી પ્રમુખ શરદ પવારના મકાનમાં વિરોધ પક્ષોની બેઠક પછી સુપ્રીમ કોર્ટમાં આ અરજી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter