અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં શાકભાજી અને ફ્રૂટની લારીવાળાઓને હવે હેલ્થકાર્ડ આપવાનો નિર્ણય લેવાયો છે. જે તે ગામના શાકભાજીવાળાઓના આરોગ્યની તપાસ કરીને તેઓને સાત દિવસની સમયમર્યાદાવાળા હેલ્થકાર્ડ આપી શાકભાજી વેચવાની છૂટ અપાશે. ગામમાં બહારનો કોઇ વ્યક્તિ શાકભાજી વેચવા આવે નહીં તે સુનિચ્છિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
હેલ્થ કાર્ડ અપાશે
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના જણાવ્યા મુજબ તમામ ગ્રામપંચાયતોને આદેશ આપી દેવાયો છે. તેઓએ તેમના ગામના શાકભાજીવાળાઓનું લિસ્ટ બનાવીને તેમના આરોગ્યની તપાસ કર્યા બાદ જ એક અઠવાડિયા માટે તેઓને ગામમાં શાકભાજી વેચવાની પરવાનગી આપવાની રહેશે. તે માટે હેલ્થ કાર્ડ અપાશે.
અઠવાડિયા બાદ તેઓએ રિન્યુની પ્રક્રિયા કરવી પડશે. ગામમાં મર્યાદિત સંખ્યામાં આ હેલ્થ કાર્ડ આપીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે શાકભાજીની લારીઓ ઉભી રાખવાની છૂટ અપાશે. સાત નગર પાલિકાઓને પણ આ પ્રમાણેનો આદેશ આપી દેવાયો છે.
સુપર સ્પ્રેડર બનતા હોવાથી ભરવામાં આવ્યું આ પગલું
શાકભાજીની લારીવાળાઓ કોરોના સંક્રમણના સુપર સ્પ્રેડર બનતા હોવાથી ઉપરોક્ત પગલું તકેદારીના ભાગરૂપે લેવામાં આવ્યું છે. ગુરૂવારે અમદાવાદ જિલ્લામાં ધોળકામાં ૧૧ અને દસક્રોઇમાંથી એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ લોકો કેડિલા કંપનીમાં કામ કરતા હતા અને સંક્રમણનો ભોગ બન્યા હતા.
અમદાવાદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોમાં હવે કામદારોનું ફરજિયાત પણે સ્ક્રીનિંગ કરવાની સુચના જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અપાઇ છે. જો કોઇ કર્મચારીને કોરોનાના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક નજીકના પીએચસીમાં લઇ જવા જણાવાયું છે.
ધોળકામાંથી મળી આવ્યા 25 કેસો
નોંધપાત્ર છેકે જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા ૮૨ થઇ ગઇ છે. છેલ્લા બે દિવસમાં જ ધોળકામાંથી ૨૫ કેસો મળી આવ્યા છે. જિલ્લામાં દસક્રોઇ તાલુકામાં ૪૧ કેસો અત્યાર સુધીમાં નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં બોપલ નગર પાલિકા વિસ્તારમાં આગામી તા.૧૭ મે સુધી શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો ખોલવા પર પ્રતિબંધ પાલિકાતંત્ર દ્વારા મુકી દેવાયો છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત