GSTV
Life

”ઘરે આવો છો કે સવિતાના ફ્લેટમાં જશો?” બંને ઘરમાં ઘૂસતાં જ સીધા રૂમમાં દોડ્યા

કારમાં બેઠેલી દિવ્યાને એ બહુમાળી મકાનનું મુખ્ય દ્વાર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, જેમાં તેના પતિ વિવેકની ઓફિસ હતી. કામ પૂરું થવાનો સમય થયો હોવાથી લોકો મોટી સંખ્યામાં બહાર આવવા લાગ્યા. દિવ્યા અતિશય બેચેની અને ભયનો શિકાર બનેલી હતી. બ્લ્યુ રંગની પોતાની મારુતિ કાર પર નજર પડતાં જ તેણે એક મેગેઝિન ઉપાડીને પોતાના ચહેરા સામે રાખ્યું. કાર તેની સામે થઈને પસાર થઈ. તેણે વિવેક અને તેની બાજુમાં બેઠેલી સવિતાનો ચહેરો સ્પષ્ટપણે જોયો. બંને કોઈ વાત પર હસી રહ્યાં હતાં. દિવ્યાની દિશામાં જોવાની તેમણે કોશિશ જ નહોતી કરી. દિવ્યાએ પોતાની સહેલીની કારને વાળીને બ્લ્યુ મારુતિનો પીછો કરવાનું શરૂ કર્યું. તે રડવા નહોતી માંગતી એટલે તેણે પોતાનો નીચલો હોઠ દાંતોની વચ્ચે જોરથી દબાવી લીધો. વારંવાર તેના દિલમાં વિવેકના સહયોગી મિત્ર અરુણ સાથે થયેલી વાતચીતના અંશ ગુંજી ઊડયા, ”દર શનિવારની સાંજ વિવેક સવિતા સાથે પસાર કરે છે. તે તેને પોતાના ફ્લેટ પર પણ લઈ જાય છે. વિવેકને રોકો, નહીં તો તમારો ઘરસંસાર બરબાદ થઈ જતાં વાર નહીં લાગે.”

તેને ખબર હતી કે થોડા મહિના પહેલાં અરુણનું નામ સવિતા સાથે જોડવામાં આવતું હતું. છૂટાછેડા લીધેલી સવિતા તેની સાથે જ કામ કરતી હતી. અરુણે ઈર્ષાવશ તેની સાથે સાચું કહ્યું છે કે નહીં, તેની તપાસ કરવા જ દિવ્યા વિવેકની જાસૂસી કરવા મજબૂર બની. લગભગ ૧૫ મિનિટ પછી વિવેક અને સવિતા એક મોંઘા રેસ્ટોરન્ટમાં જતાં રહ્યાં. કાર એક તરફ ઊભી રાખીને દિવ્યા તેમના બહાર આવવાની રાહ જોવા લાગી. વિવેક સાથે તેનાં લગ્ન લગભગ પાંચ વર્ષ પહેલાં થયાં હતાં. તેનો દીકરો સોનુ ૩ વર્ષનો થવા આવ્યો હતો. કાલ સુધી તો તે પોતાને બહુ સુખી અને સંતુષ્ટ સમજતી હતી. પણ આજે તેનો વિવેકના પ્રેમ પરનો વિશ્વાસ ડગમગી ગયો હતો. ક્યારેક આવું થઈ જશે તેની તેણે ક્યારેય કલ્પના કરી નહોતી. તેની નજરોમાં વિવેક બધી રીતે સારો પતિ અને પિતા હતો. ”મને શા માટે છેતરી? મારા પ્રેમ અને સેવામાં તેને શું ઓછું લાગ્યું?” આવા સવાલોથી મૂંઝાતી દિવ્યાની આંખો અત્યાર સુધીમાં અનેક વાર ભરાઈ આવી હતી.

વિવેકને સવિતાના ફ્લેટમાં જતો જોઈ તે શાંત રહી ન શકી

લગભગ કલાક પછી વિવેક અને સવિતા રેસ્ટોરન્ટની બહાર આવ્યાં. તેમણે એકબીજાના હાથ પકડેલા જોઈને દુ:ખની તેજ લહર દિવ્યાના તનમનમાં દોડી ગઈ. તેમની કારનો પીછો કરતી દિવ્યા મનમાં ને મનમાં આંસુ વહાવતી રહી. સવિતાના ઘરનું સરનામું પણ અરુણે તેને કહ્યું હતું. આગળની કારને એ દિશામાં જતી જોઈને તેનું દિલ ભારે થઈ ગયું. સવિતાનો ફ્લેટ એક બહુમાળી મકાનમાં હતો. તેની સામે વિવેકે કાર રોકી. દિવ્યાના દિલમાં તેની વફા માટે જે આશા બચી હતી તે પણ જતી રહી, જ્યારે તેણે પોતાના પતિને ઊતરીને કાર લોક કરતો જોયો. વિવેકને સવિતાના ફ્લેટમાં જતો જોઈ તે શાંત રહી ન શકી. કારમાં બેઠાં બેઠાં તેણે ઊંચા અવાજે બૂમ પાડી તેને ઓળખી જતાં જ બંનેના ચહેરા પરનું જાણે નૂર ઊડી ગયું. વિવેકને કશું કહ્યા પછી સવિતાએ તેની તરફ એકવાર હાથ હલાવ્યો અને એકલી જ મકાનમાં પ્રવેશી. વિવેકે તેની પાસે જઈ નકલી રીતે હસતાં પૂછયું, ”તું અહીં શું કરી રહી છે?” ”ઘરે આવો છો કે સવિતાના ફ્લેટમાં જશો?” દિવ્યા પોતાના અવાજમાં આવેલા દુ:ખ, ફરિયાદ અને નારાજગીના ભાવોને દૂર ન કરી શકી. ”તેને તો હું અહીં સુધી મૂકવા આવ્યો હતો. આજે ઓફિસમાં મોડે સુધી કામ…”

કપડાં બદલીને વિવેક ટીવી જોવા લાગ્યો

તેના ખોટા બહાનાને વચ્ચે જ કાપતાં દિવ્યાએ કહ્યું, ”મારે આ કાર વંદનાને પાછી આપવાની છે. તમે પાછળ પાછળ આવો, મને તેના ઘરેથી પિકઅપ કરવા માટે.” વિવેકને કશું જ બોલવાની તક આપ્યા સિવાય દિવ્યાએ કાર ઝડપથી આગળ વધારી દીધી. તેની નજરમાંથી દૂર થતાં જ તેની આંખો ફરી આંસુથી ભરાઈ ગઈ. વંદનાના ઘરથી લઈને પોતાના ઘર સુધીની યાત્રા દરમિયાન તે પૂરેપૂરી ભાવશૂન્ય અને મૌન રહી. વિવેકે સવિતા સાથે હોવાનું ખોટું સ્પષ્ટીકરણ તેને આપવાની કોશિશ કરી, પરંતુ જ્યારે દિવ્યાએ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી ત્યારે તેણે પણ નારાજગીભરી ચુપકીદી ઓઢી લીધી. ઘરે પહોંચીને પણ દિવ્યાએ તેને કશું જ ન કહ્યું અને જમવાનું તૈયાર કરવામાં લાગી ગઈ. કપડાં બદલીને વિવેક ટીવી જોવા લાગ્યો. ઘરમાંનું ટેન્શનભર્યું વાતાવરણ કોઈ મોટા તોફાનના આગમનના સંકેત સમું લાગતું હતું.

મોડું થઈ જવાથી મેં તેને ઘર સુધી લિફ્ટ આપી

વિસ્ફોટ ત્યારે થયો જ્યારે દિવ્યાએ વિવેકને જમવા માટે કહ્યું. ”મારે નથી ખાવું.” વિવેકે એકદમ રુક્ષતાથી જવાબ આપ્યો. તે દિવસે વારંવાર તેને મનાવવાને બદલે દિવ્યા આંસુ પાડવા લાગી. વિવેકનો ગુસ્સો વધતાં વાર ન લાગી. ”તારા આ આંસુનું કારણ હું જાણી શકું? કાંઈ બોલીશ ખરી? સાંજથી મારું મગજ ખરાબ કરવા કેમ પાછળ પડી છે?” વિવેકનો ગુસ્સો ફાટયો. પાસેના સોફા પર બેઠાં પછી તે હાથથી મોં છુપાવી જોરજોરથી રડવા લાગી. ”તું સવિતાની બાબતમાં મારા પર શંકા કરી રહી છે ને?” વિવેકના આ સવાલનો જવાબ ન આપીને દિવ્યા રડતી હતી. ”અરે, મારે એની સાથે કોઈ ચક્કર નથી ચાલતું. મોડું થઈ જવાથી મેં તેને ઘર સુધી લિફ્ટ આપી. બસ, આટલી અમથી વાત પર આટલો મોટો બખેડો કેમ ઊભો કરે છે?”

હજુ પણ કોઈ જવાબ આપ્યા વિના તે રડતી રહી. વિવેકે તેને ખભાથી પકડીને હલાવી દીધી. ત્યારે દિવ્યાએ તેની પકડમાંથી છૂટવા માટે એવો ધક્કો માર્યો કે તે સોફા પર પાછળ નમી ગયો. ”મને અડકશો પણ નહીં. આટલું જૂઠું બોલતાં તમને શરમ નથી આવતી?” દિવ્યા ગરજી. ”શું ખોટું બોલ્યો હું?” વિવેકે ડબલ ઊંચા અવાજે લગભગ ચીસ પાડીને પૂછયું. ”તમે બંને ઓફિસમાં નહોતાં.” પહેલાં રેસ્ટોરન્ટમાં લઈ ગયા તેને. પછી તેના ફ્લેટમાં, પાછલા અનેક શનિવારની જેમ આજે પણ તેની સાથે મજા કરવા જઈ રહ્યા હતા તમે. હવે જૂઠું બોલીને મને મૂર્ખ ન બનાવો. વિવેક તેની વાતથી ઉશ્કેરાઈ ગયો. પહેલાં તો તેના મોંમાંથી એક શબ્દ પણ બહાર ન આવ્યો. પછી તેનો ચહેરો પલપલ ગુસ્સાથી લાલ થવા લાગ્યો. ”તેં મારી જાસૂસી કરવાનું શરૂ કરી દીધું છે?” તેણે દિવ્યાને ખાઈ જવાના અંદાજમાં પૂછયું.

”હું પણ જોઉં છું કે તું હવે શું કરે છે?

”એ સિવાય તમને રંગે હાથ પકડવાનો બીજો કયો ઉપાય હતો?” દિવ્યાનો સ્વર વિવેકનું મગજ ખરાબ કરી ગયો, ”હવે શાંતિ થઈને મને રંગે હાથ પકડીને?” તેના અવાજમાં ઝેર ઘોળાયું અને ધમકીભર્યા સ્વરે બોલ્યો, ”હું પણ જોઉં છું કે તું હવે શું કરે છે? અરે, મારી જાસૂસી કરવાની તારામાં હિંમત ક્યાંથી આવી? સવિતા હજુ સુધી તો મારી મિત્ર છે પણ હવે હું તેની સાથે ખુલ્લંખુલ્લો પ્રેમ કરીશ. તું મને છોડે, છૂટાછેડા લે કે મરે, પણ જાસૂસી કરવાની મજા હવે હું તને ચખાડીશ ખરો.” ગુસ્સામાં પગ પછાડતો વિવેક ઘરની બહાર નીકળી ગયો. દિવ્યા મોડે સુધી રડતી રહી. એ રાત્રે બંને જમ્યા નહીં અને પલંગ પર પાસે પાસે સૂતાં રહ્યાં. પણ બેચેની, નારાજગી, દુ:ખ, ફરિયાદ, અપરાધભાવ, ગુસ્સા જેવા ભાવોને કારણે સૂઈ ન શક્યાં.

વિવેકના મોંમાંથી નીકળેલાં વાક્યોએ દિવ્યાનું કાળજું ચાળણી કરી નાખ્યું હતું. તેની માફી માંગવાની કે તેને મનાવવાની કોશિશ કરવાની વાત તો દૂર રહી, વિવેક તો અલગ થવાની ધમકી આપી ગયો. આવી ધમકીથી તેને ભારે આઘાત લાગ્યો. વારંવાર તેના મનમાં વિવેકનાં વાક્ય ગુંજતાં અને તે રડવા લાગતી. તેની સામે આવતાં જ દિવ્યાના મોં પર તાળું લાગી જતું. બીજા ૪ દિવસો સુધી બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ. ગુરુવારે દિવ્યાના મોટાભાઈ આનંદનું એના ઘરે આવવાનું થયું. ”દિવ્યા. તું માંદી છે. શું? આટલી નબળી અને નિસ્તેજ કેમ દેખાય છે?” તેના પર નજર પડતાં જ આનંદ ચિંતાથી બોલી ઊઠયો. ”મારે થોડા દિવસ માટે મમ્મી પાસે રહેવું છે ભાઈ.” દિવ્યાની આંખો ભરાઈ આવી. ”ચોક્કસ જા. ત્યાંથી જાડીપાડી થઈને આવજે. વિવેક, લઈ જાઉં દિવ્યાને મારી સાથે?” આનંદે બહુ જ ગંભીરતાથી વિવકને પૂછયું. સલાહ લીધા વિના અને રજા માંગ્યા વિના પિયર જવાની વાત કરીને દિવ્યાએ વિવેકને વધુ નારાજ કરી દીધો.

ઘરમાંથી નીકળતી વખતે દિવ્યાએ વિવેકનાં પગને સ્પર્શ કર્યો

”તે ઈચ્છે ત્યાં સુધી પિયરમાં રહી શકે છે.” શુષ્ક સ્વરમાં જવાબ આપીને વિવેક ઓફિસ જવા માટે તૈયાર થવા લાગ્યો. ”તમારા બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે? મને કહે બધું.” આનંદના વારંવારના પૂછવા છતાં દિવ્યા તેને કશું જ કહી ન શકી, કારણ કે પોતાના ભાઈની નજરોમાં તે પોતાના પતિની છબિ બગાડવા નહોતી માંગતી. સોનુનો અને અને પોતાનો જરૂરી સામાન ભેગો કરી દિવ્યાએ અટેચીમાં રાખી લીધો. વિવેક ઓફિસ જવા માટે તૈયાર થયો ત્યાં સુધીમાં તેણે પિયર જવાની તૈયારી કરી લીધી. ઘરમાંથી નીકળતી વખતે દિવ્યાએ વિવેકનાં પગને સ્પર્શ કર્યો અને ચરણરજ લીધી. તે પછી દિવ્યા ઊભી થઈ ત્યારે બંનેની નજર લાંબા સમય પછી મળી. દિવ્યાને વિવેકની આંખોમાં ફરિયાદ, ગુસ્સો અને તાણ દેખાયાં. તે દિવ્યાને રોકવા માંગતો નહોતો કે તેના જવાથી દુ:ખી પણ નહોતો.

દિવ્યાની આંખોમાં નજર કરતાં જ વિવેક અંદર સુધી હલી ગયો. સદા જીવંત અને હસતી આંખો અત્યારે નિસ્તેજ અને ઉદાસ દેખાતી હતી. તેનું સમગ્ર વ્યક્તિત્વ ઊંડી પીડા અને નિરાશામાં ડૂબેલું હતું. તેમની આંખોની વચ્ચે સંપર્ક તૂટે તે પહેલાં જ વિવેકે દિવ્યાની આંખોમાં ભરાઈ આવેલાં આંસુને જોયાં. ”જવા નથી ઈચ્છતી. મને તમારાથી દૂર જતાં રોકી લો. તેને લાગ્યું જાણે દિવ્યાની આંખો આવી જ કાંઈક પ્રાર્થના તેને કરી રહી હતી.” વિવેકનો અહં તેને આડે આવ્યો અને તે ઈચ્છવા છતાં પણ દિવ્યાને રોકવા માટે એક શબ્દ પણ ન બોલી શક્યો. જતાં પહેલાં જ્યારે સોનુ તેને ગળે વળગ્યો, ત્યારે પણ તે શાંત રહ્યો. જોતજોતામાં આનંદનું સ્કૂટર એ ત્રણેને લઈને આંખોથી દૂર જતું રહ્યું. તેના મનનો એક ભાગ બહુ જ ખાલી અને નિરાશાની અનુભૂતિ મહેસૂસ કરવા લાગ્યો. આથી તે આખો દિવસ માંદા જેવો અને થાકેલો રહ્યો. રહી રહીને દિવ્યાનો આંસુ ભરેલો ચહેરો તેની આંખોની સામે આવીને તેને અજબ ગુનાહિત લાગણીનો ભોગ બનાવી જતો.

એ દિવસે તે સવિતાની ”ના” સાંભળવાના મૂડમાં બિલકુલ નહોતો

તેના મનનો એક ભાગ સવિતાની રૂપજાળમાં ફસાયેલો હતો. દિવ્યાના ચાલ્યા જવાથી આ ભાગે આઝાદી અનુભવી અને સવિતાની સાથે મોજમસ્તીની કલ્પનાઓમાં ડૂબી ગયો. સવિતાનું સપ્રમાણ શરીર અને સુંદર ચહેરો વિવેકના મનને આકર્ષતો હતો. તેમની વચ્ચે હદયના પ્રેમ જેવી કોઈ વાત નહોતી. દિવ્યાએ ભલે જે કાંઈ સમજ્યું હોય પણ સચ્ચાઈ એ હતી કે તે હજુ સુધી સવિતાના શરીરને મન ભરીને પ્રેમ કરવાનો અવસર નહોતો મેળવી શક્યો. એટલે તેના મનમાં સવિતા પ્રત્યે ઊંડું આકર્ષણ રહ્યું હતું. સવિતાની મમ્મીના આગમનને કારણે તેના ૧ ફ્લેટમાં વિવેકની ઈચ્છા પૂરી નહોતી થઈ શકતી. ત્યારે દિવ્યાના ગયાના ૨ દિવસ પછી શનિવારની સાંજે તે સવિતાને પોતાને ઘરે લઈ આવ્યો. એ દિવસે તે સવિતાની ”ના” સાંભળવાના મૂડમાં બિલકુલ નહોતો. ઘરમાં પ્રવેશતાં જ વિવેક તેને ઊંચકીને સીધો બેડરૂમમાં લઈ આવ્યો. તેના ચહેરા પર અસંખ્ય ચુંબન કર્યા પછી તે તેને કપડાંની કેદમાંથી આઝાદ કરવાના પ્રયાસમાં લાગી ગયો.

થોડી આનાકાની પછી સવિતા તેના એ કામમાં તેને સાથ આપવા લાગી. બંનેની ઉત્તેજનાને કારણે ઝડપથી ચાલતા શ્વાસનું સંગીત રૂમમાં છવાઈ રહ્યું. બંને પૂરી ઉત્તેજનામાં હતાં અને હાલત બંનેની ખરાબ બનતી જતી હતી. પોતાનાં કપડાં ઉતારવા માટે વિવેક, જ્યારે સવિતાથી દૂર થયો ત્યારે તેની નજર દીવાલ પરના ફોટોગ્રાફ પર ગઈ, જેમાં નવવધૂ દિવ્યા તેની નજીક ઊભી રહીને મોહક અને શમલા અંદાજમાં મંદ મંદ હાસ્ય કરી રહી હતી. વિવેકે તે જોઈને પોતાનું મોં ફેરવી લીધું પણ દિવ્યાને પોતાના દિલમાંથી દૂર કરી શક્યો નહીં. વિદાય થતી વખતે દિવ્યાનો ઉદાસ, કરમાયેલો ચહેરો એકદમ તેની આંખો સામે આવી ગયો. કપડાં કાઢતી વખતે તેણે અનેકવાર પોતાનું માથું ઝાટકીને દિવ્યા સાથે જોડાયેલા વિચારોને ખંખેરી નાખવા પ્રયાસ કર્યો પણ તે એમ કરવામાં અસફળ રહ્યો. આ બેડરૂમમાં તેણે દિવ્યાને અનેકવાર પ્રેમકર્યો હતો. રૂમના ખૂણેખૂણામાં તેમની ખટમીઠી યાદો જોડાયેલી હતી. એવી ઘણી યાદો વિવેકના મગજમાં એકસાથે ઊમટી આવી અને ખળભળાટ મચાવી ગઈ.

”રહેવા દો, વિવેક. મારે ઘરે જલદી જવું છે.”

બંને નિર્વસ્ત્ર થઈ ચૂક્યાં હતાં. સવિતાએ હાથ ફેલાવ્યા તો વિવેક તેને વળગી પડયો. ખૂબ આવેશથી તે તેને ચૂમવા લાગ્યો. એના યુવાન શરીરની ગરમી અને મહેક તે સ્પષ્ટપણે અનુભવી રહ્યો હતો, પણ તેમ છતાં મસ્તીનું જે તોફાન તેની અંદર ચાલી રહ્યું હતું, તે પોતાની ઝડપ ગુમાવી રહ્યું હતું. દિવ્યાને પોતાના વિચારોમાંથી કાઢી ફેંકવામાં તે નિષ્ફળ રહ્યો. પોતાની પત્નીના વિશ્વાસને તોડવાની ગુનાહિત લાગણીએ તેને અચાનક ઘેરવાનું શરૂ કર્યું. તેના દિલને જબરજસ્ત પીડા પહોંચાડવાનો ઘેરો અફસોસ તે ખૂબ તીવ્રતાથી અનુભવી રહ્યો હતો. પોતાના ભરપૂર પ્રયાસો અને સવિતાનો પૂરો સહયોગ હોવા છતાં તેના શરીરે કામકૃત્ય માટે તૈયાર થવાનો ઈનકાર કરી દીધો. આવી અસમર્થતાનો સામનો તેને જીવનમાં પહેલીવાર કરવો પડયો હતો. ગભરાઈને તેણે સ્થિતિ સુધરવાની જેટલી વધુ કોશિશ કરી એટલી સ્થિતિ વધુ બગડતી ગઈ.”રહેવા દો, વિવેક. મારે ઘરે જલદી જવું છે.” તેની અસફળતાએ સવિતાને નારાજ અને ચીડિયલ બનાવી દીધી. ”કોણ જાણે, આજે કેમ આવું થઈ રહ્યું છે? હું તો હંમેશાં એ કામમાં બહુ જ સ્વસ્થ રહ્યો છું.” એવી સ્પષ્ટતા કરીને વિવેકે ખૂબ જ સંકોચ અને શરમની લાગણીનો અનુભવ કર્યો.

”કોઈકવાર આવું થઈ જતું હોય છે. મને ખાતરી છે કે તું તારી પત્નીને તો જરૂર સંતોષ આપી શકતો હશે.” સવિતાના હોઠ પર આવેલા કટાક્ષભર્યા હાસ્ય વિવેકના ઘા પર મીઠું છાંટવાનું કામ કર્યું. તે તેનાથી છૂટો પડયો. બંને જણાએ કપડાં પહેરતી વખતે પણ તાણભરી ખામોશી અનુભવી. સવિતાને ઘરે છોડવા તો વિવેકે જ જવાનું હતું. તેણે વિવેક સાથે સામાન્ય વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પણ આખે રસ્તે તે ચૂપચાપ રહી. વિદાય વખતે સવિતા ઉદાસ દેખાતી હતી. તેના હાવભાવથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે વિવેકમાં અચાનક તેને કોઈ રસ રહ્યો નથી અને કદાચ તેમની વચ્ચેનો સંબંધ હવે કાયમ નહીં રહે.

કારને પોતાની સાસરીની દિશામાં દોડાવતાં ખુદને રોકી શક્યો નહીં

સવિતાને છોડીને વિવેક ઘરે પાછા ફરવાની હિંમત ન કરી શક્યો. પોતાના પુરુષત્વ પરથી તેનો વિશ્વાસ ખરાબ રીતે ડગમગી ગયો હતો. સવિતાના કટાક્ષભર્યા હાસ્યથી તેના ઈગોને ભારે ઠેસ પહોંચી હતી. તે પોતાને ખૂબ બેચેન અને તાણગ્રસ્ત અનુભવી રહ્યો હતો. સવિતા તરફ તેનું મન નફરતથી ભરાઈ ગયું. બીજી તરફ દિવ્યા અને સોનુની યાદ અતિ તીવ્ર બની ગઈ. પોતાની પત્નીનાં આંસુઓને યાદ કરીને તેની પોતાની આંખો ભરાઈ આવી. તેનું દિલ તોડવાનું કામ વિવેકનાં દિલ-દિમાગને અફસોસથી ભરી તેને ભાવુક કરવાનું કામ કરી ગયું. દિવ્યાને મળવાની ઈચ્છા અચાનક તેના મનમાં એટલી મજબૂત બની ગઈ કે તે કારને પોતાની સાસરીની દિશામાં દોડાવતાં ખુદને રોકી શક્યો નહીં.

વિવેકને અચાનક આવેલો જોઈ દિવ્યાને નવાઈ લાગી. તેણે પોતાના પતિની આંખોમાં ઊંડે સુધી નજર કરી. ત્યાં તેને પોતાના માટે પહેલાં જેવો પ્રેમ નજરે ચઢયો, ત્યારે તેનો ઉદાસ ચહેરો અચાનક ગુલાબના ફૂલ સમાન ખીલી ઊઠયો. પોતાની સાસુ અને સાળાની હાજરીની પરવા કર્યા વિના વિવેકે દિવ્યાના હાથને પકડીને ભાવુક અવાજે કહ્યું, ”હું તને લેવા આવ્યો છું. અત્યારે જ ઘરે આવવાનું છે.” ”આજે અહીં રોકાઈ જાઓ. કાલે જઈશું.” દિવ્યા હસી. ”ના, અહીં તારી સાથે વાત કરવા માટે જરૂરી એકાંત નહીં મળે. બહુ બધી વાતો કરવાની છે.” ”જે નવી સાહેલી બનાવી છે તેની સાથે કરોને બહુ બધી વાતો.” દિવ્યાએ જરા રિસાવાના અંદાજમાં ધીરે રહીને ફરિયાદ કરી. ”એની વાત ન કર દિવ્યા. એ ચેપ્ટરને મેં હંમેશને માટે બંધ કરી દીધું છે.” વિવેકે પોતાના એક એક શબ્દ પર ભાર મૂક્યો. ”પ્રેમનું ભૂત આટલું જલદી માથા પરથી કેવી રીતે ઊતરી ગયું, જનાબ?” ધીમા સ્વરમાં આ સવાલ પૂછી દિવ્યાએ તેને જરા છંછેડયો. ”હું એ પુરુષોમાંનો નથી જેમને ગેરકાનૂની સંબંધો માફક આવે.” વિવેક ફિક્કુ હસ્યો, ”તને દુ:ખ આપીને હું ક્યારેય સુખી ન રહી શકું, એ વાત મને સમજાઈ ગઈ. હું તારી સાથે ક્યારેય બેવફાઈ નહીં કરું.”

વિવેકની આંખોમાં પોતાના માટે અઢળક પ્રેમ ઊમટતો જોઈ દિવ્યા તેને વળગી પડી હોત પણ મમ્મી અને ભાઈની શરમ નડી. ”તમે મમ્મી સાથે વાત કરો. હું અટેચી અને સોનુને લઈને આવું છું.” તેનો હાથ પ્રેમથી દબાવી દિવ્યા અંદર ચાલી ગઈ. તેને જતી જોઈ વિવેકે પોતાના શરીર અને મનમાં ઝણઝણાટી જગાવતા તરંગોની તીવ્રતા અનુભવી. તેને ખાતરી થઈ ગઈ કે જે સમસ્યા તેણે સવિતા સાથે સહન કરી હતી તે દિવ્યા સાથે ક્યારેય ઊભી નહીં થાય.

Related posts

પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ

Drashti Joshi

પાનના આ નુસખા અજમાવો, પૈસાનો વરસાદ થવા લાગશે, વાંચો પાનના કેટલાક ઉપાય

Padma Patel

જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ

Hina Vaja
GSTV