GSTV
Life Relationship Trending

તારા જેવી નાગણ આજ સુધી એટલે કુંવારી રહી કે પરાયા પુુરુષો સાથે મોજ કરી શકે, બાકી જતીન પર પૂરો ભરોસો હતો

છેલ્લા ચારેક દિવસથી તાવ હોવાથી સુમનનું શરીર કળતું હતું. માથું પણ દુ:ખતું હતું. આ કારણે જતીને ઘરની વ્યવસ્થા સંભાળવા માટે ઓફિસથી રજા લીધી હતી. તેણે રજા લીધી એટલે સુમન ખુશ થઈ કે ચાલો, માંદગીના બહાને તો એમ, પણ તેને પતિનું સાન્નિધ્ય તો મળ્યું! કેટલા દિવસો બાદ તેણે પતિને પોતાની આટલો નજીક જોયો હતોે, કેમ કે છેલ્લા ઘણા સમયથી તેને લાગતું હતું કે પોતાનોે પતિ જતીન તેનાથી વેગળો થતો જાય છે, જો કે તેનું સાચું કારણ સુમન જાતે પણ નહોતી જાણતી. પરિસ્થિતિ પર જાણે તેનો કાબૂ રહ્યો નહોતો. એ પોતાની જાતને પરતંત્ર અનુભવી રહી હતી, છતાં જતીન પર શંકા કરીને તેણે ભારે ભૂલ કરકી હતી, એવો વિચાર તેને અત્યારે આવતો એ તો સારું હતું કે જતીનને આ અંગે કશી જાણ નહોતી. નહીં તો એ શું વિચારે?

સુમનના આનંદનું કારણ એક બીજું પણ હતું કે કાજલ ઘણા દિવસથી આવી નહોતી.  કાજલની હાજરી તેનાથી સહન નહોતી થતી છતાં તેને કશું કહીં નહોતું શકાતું, એ તેની મોટી લાચારી હતી. કાજલ  જ્યારથી અહીં આવતી હતી ત્યારથી તેના સ્થિર અને સુખી જીવનમાં ખળભળાટ મચી ગયો હતો, પરંતુ આ માટે અમુક હદ સુધી એ પોતાની જાતને દોષિત ગણતી હતી.  જો તેણે કાજલ સાથે પોતાની પુરાણી ઓળખ તાજી ન કરી હોત, તો આ હાલત પેદા જ ન થઈ હોત. સુમન અને કાજલ કોલેજકાળથી સખીઓ હતી, ભણતર પૂરું થતાં જ સુમનનાં લગ્ન જતીન સાથે થઈ ગયાં. જતીન એક વિખ્યાત કંપનીમાં આર્કિટેક્ટ તરીકે કામ સંભાળતો હતો. કાજલ એમ.બી.એ.પૂરું  કરીને નોકરી કરવા લાગી હતી. ઘરના વડીલોની સામે થઈને તેણે લગ્નના ફંદામાં પડવાનો ચોેખ્ખો નનૈયો ભણ્યો, કારણ કે એ પોેતાની કારકિર્દીને, લગ્ન કરતાં વધારે મહત્ત્વની માનતી હતી.

લગ્ન કરીને સુમન પતિ સાથે અમદાવાદમાં વસવાટ કરવા લાગી. એ વખતે શરૂઆતના ગાળામાં બંને બહેનપણીઓ વચ્ચે નિયમિત એસએમએસની આપલે થતી હતી. પણ સમય જતાં બંને વચ્ચે ઉત્સાહ થોડો ઠંડો પડી ગયો તેથી સેલફોન કરવાની સંખ્યા ઘટવા લાગી હતી.  પરંતુ એક દિવસ સુમનને કાજલનો મેસેજ મળ્યો ત્યારે એ ચમકી ઉઠી. મેસેજ વાંચતા જ તેને નવાઈ લાગી. કાજલે લખ્યું  હતું કે, પોતાને એક બહુરાષ્ટ્રીય કંપનીની વડી કચેરીમાં એકાઉન્ટન્ટ  તરીકે નોકરી મળી છે અને એ ઓફિસ તારા શહેરમાં છે. એટલે થોડા સમયમાં અહીંનું બધું આટોપીને હું તારા શહેરમાં સ્થાયી થવા આવીશ. કાજલે એ પણ લખ્યું હતું કે, ”મને રહેવા માટે મકાન પણ કંપની તરફથી મળવાનું છે, પરંતુ આવડા મોટા શહેરમાં પ્રથમ વખત આવી રહી છું, અને તારા સિવાય અહીં કોઈને પણ ઓળખતી નથી. બ સ, તારા અને જીજાજીના વિશ્વાસે જ મેં આ શહેરમાં આવવાની હિંમત કરી છે. નહીં તો મારે આ નોકરી સ્વીકારતા પહેલાં ઘણો બધો વિચાર કરવો પડયો હોત.’

કાજલ આવી એટલે સુમને તેનું ઉમળકાથી સ્વાગત કર્યું. પછી પતિ સાથે ઓળખાણ કરાવી. આ પછી બંને ખૂબ રસપૂર્વક પરસ્પર વાતોએ ચડી ગયાં. બીજા દિવસથી કાજલે ડયુટી જોઈન કરી લીધી. જતીન જાતે મૂકવા અને સાંજે લેવા ગયા હતા. એકાદ અઠવાડિયામાં જ કાજલને કંપની તરફથી મકાન ફાળવી દેવાયું. જો કે  સુમનની ઈચ્છા હતી કે પોતે જ્યાં સુધી આ શહેરમાં છે અને રહેવા માટે ખાસું મોટું  ઘર છે પછી કાજલે અલગ રહેવાની શી જરૂર છે? પણ કાજલે તેની વાત સ્વીકારી નહીં. થોેડા દિવસો બાદ કાજલ પોતાના મકાનમાં રહેવા ચાલી ગઈ. સાંજે ઓફિસેથી છૂટીને એ લગભગ અહીં ચાલી આવતી હતી અને ઘણી વખત રાતનું  ભોજન પણ સુમન અને જતીન સાથે જ ખાતી હતી. પછી જતીન તેને પોતાની કારમાં તેના ઘેર મૂકી આવતો.

શરૂઆતમાં બધું જરાય ખટકતું નહોતું.  સાંજે કાજલના આવવાથી ઘરમાં જાણે રોનક આવી જતી હતી. વાતચીત અને આનંદ-મજાક ચાલતા. જતીન સાથે કાજલની મશ્કરીઓ ચાલ્યા કરતી. આમ જુઓ  તો કાજલ પોતાની ખાસ સખી હોેવાને લીધે સુમનને પણ ગમે તે મશ્કરીઓ થાય તો પણ વાંધોે ન લાગતો. પણ ધીમે ધીમે સુમનને હવે કંટાળો આવવા લાગ્યો હતો. કાજલના આવતાની સાથે જ જતીન જોડે વાતે વળગી પડતી. બંને ક્યાંય સુધી ગામ-ગપાટા મારતાં મોટે મોટે હસ્યા કરતા. જ્યારે સુમન બિચારી એકલી રસોડામાં ઝુડાયા  કરતી.

જો કે સુમને કોઈ દિવસ પતિ ઉપર સંદેહ નહોતો કર્યો. જતીન ઘણા ઠરેલ અને વ્યવહારું હતા, પણ ધીમે ધીમે તેમનામાં પણ પરિવર્તન આવવા લાગ્યું હતું. એ જરૂર કરતાં વધારે પ્રમાણમાં  કાજલમાં રસ લેવા લાગ્યાં હતાં. એવી જ રીતે કાજલ પણ જતીન સાથે વધારેમાં વધારે નિકટતા કેળવવાનો પ્રયાસો કરતી હતી. સુમને આપેલી છૂટ અને ભલમનસાઈનો તે વધારે પડતો લાભ લેવા લાગી હતી. સુમને આવી તો કલ્પના જ નહીં કરી હોય કે કાજલ આ રીતે રમત રમશે.

કાજલને નકામું આટલું બધું મહત્ત્વ આપવા બદલ સુમન હવે મનોમન પસ્તાતી હતી. એ પોતાની અંગત સહેલી હતી,  એમાં કોઈ ના નહીં, પણ એ રૂપાળી અને અપરિણીત હતી, એ બંને  બાબત અંગે સુમને પહેલાં કશો વિચાર જ નહોતો કર્યો. માંદગીના બિછાંને પડેલી સુમન વિચારોમાં ડૂબેલી હતી, ત્યાં જતીનના સંબંધોથી સહેજ ચમકી ગઈ. એ સુમન માટે ખીચડી બનાવી લાવ્યો હતો.  જતીને કહ્યું, ”તું શું વિચારે છે?” ”કશું નહીં’…” સુમને જવાબ આપ્યો. પછી તેને સહજપણે સંકોચ જાગ્યો કે એ જતીન ઉપર અકારણ સંદેહ કરતી હતી. એ ક્યારેય એવું ન કરી શકે.

રાતના અચાનક ફોનની ઘંટડી વાગી. સુમનની આંખો ખૂલે તે પહેલાં જ જતીને ચપળતાથી રિસીવર ઉઠાવી લીધું. સામે છેડેથી કશૂંક કહેવાયું, એ સાંભળીને જતીન ચમકી ગયો. પછી બોલ્યો, ”સાંભળ, કાજલ! તું ગભરાઈશ નહીં, હું હમણાં આવી પહોંચું છું… બસ, ગણતરીની મિનિટોમાં જ….” તેણે રિસીવર પછાડયું અને ઝડપથી કબાટમાંથી કપડાં કાઢીને બદલી લીધાં. સુમન આંખો મીંચેલી રાખીને ચૂપચાપ પડી રહી. તેના મગજમાં હથોડા પડતા હતા કે કાજલનો ફોન  અત્યારે શા માટે આવ્યો? જતીને મારી માંદગીને અનુલક્ષીને એક વાર પણ તેની માગણી નકારી ન કાઢી, બલ્કે આટલીરાત્રે તેની પાસે જવા માટે તૈયાર થઈ ગયા.

જતીન ઘરના મુખ્ય દરવાજાનો ગેટ બંધ કરીને બહાર નીકળી ગયા. કાર ચાલુ થયાનો અવાજ સાંભળતા જ સુમન પણ ઝડપથી બેઠી થઈ ગઈ. પછી પહેરેલે કપડે  જ ઘરમાંથી સડક પર આવી, ત્યાંથી પસાર થતી એક ટેક્સી રોકી ડ્રાઈવરને આગળ કારની પાછળ જવાનું કહીને તે અંદર બેસી ગઈ. ટેક્સી ડ્રાઈવરે કશી પડપૂછ કર્યા વિના એક આંચકા સાથે ટેક્સી ચાલુ કરી દીધી અને જતીનની પાછળ પાછળ સુમન પણ કાજલના ફ્લેટે પહોેંચી. કાર પાર્ક કરીને જતીને કાજલની બેલ કરી. સુમને ટેક્સી ફૂટપાથ પાસે ઉભી રખાવી અને ત્યાંથી જ હવે શું બને છે, તે જોવા લાગી. ફ્લેટનો દરવાજો  તરત ખૂલ્યો. જતીન જેવો અંદર ગયો, તે સાથે જ દરવાજો ધડામ  કરતો બંધ થઈ ગયો.

ફ્લેટની અંદર હવે શું બનશે તેની કલ્પના કરતી સુમન તિરસ્કાર, ક્રોધ અને અપમાનની લાગણીથી સળગી ઉઠી. સઘળું પોતાની સગી આંખે તે જોઈ ચૂકી હતી. અનાયાસ તેની આંખો સજળ બની ગઈ.  જેને સહુથી નિકટ માન્યો હતો અને જેના પર આંધળો વિશ્વાસ હતો, તેણે જ દગો કર્યો. પોતાના નિષ્ઠાપૂર્વકના પ્રેમ અને સમર્પણની ઘોર અવહેલના કરી. વધારે સમય ત્યાં ઉભા રહેવાનું તેને માટે દુષ્કર હતું. તેથી તરત પાછી વાળીને ઘેર આવી ગઈ અને ક્યાંય સુધી રૂમમાં આમતેમ ચક્કર મારતી રહી. એક વખત તેને થયું કે જતીનની રાહ જોઈને પછી કોઈપણ નિર્ણય લેવો. પરંતુ તેની રાહ જોવાનો હવે કોઈ અર્થ નહોતો. જે કંઈ પોતાની આંખે જોઈ લીધું હતું તેના પછી હવે વધારે જાણવાનું શું બાકી રહ્યું હોય જે વ્યક્તિએ તેને આટલો ભયંકર છેદ દીધો, તેની પાસેથી વફાની આશા કેમ કરીને રાખી શકાય?

સુમને એક પત્રમાં બધો ઉભરો ઠાલવીને, પત્ર ટેબલ પર મૂકી દીધો. તેણે મનોમન ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. ક્યાં જશે, શું કરશે, એ બાબતનો કશોય વિચાર કર્યા વિના તાબડતોબ તેણે છોડી દીધું. સવાર થતાં જ જતીન પાછો આવ્યો. તે ખૂબ થાકેલો હતો. તેણે બેડરૂમમાં ‘સુમનને ન જોઈ એટલે વારાફરતી રસોડા તેમ જ બાથરૂમમાં તપાસ કરી, ત્યાર પછી આખા ઘરમાં શોધી પણ સુમન ક્યાંય નહોતી. અત્યારમાં એ ક્યાં ગઈ હશે? જતીન મૂંઝવણમાં પડી ગયો. એવામાં તેની નજર ટેબલ પર પડેલા પત્ર ઉપર પડી. જતીને ઝડપથી પત્ર લઈને વાંચ્યો. પત્ર વાંચીને તેના ચહેરા પર સૂનકાર છવાઈ ગયો. પત્ર છાતી સરસો ચાંપી એ બોલ્યો, ”અરે, સુમી! આ તને શું સૂઝ્યું. આટલી ઉતાવળે નિર્ણય લીધો તે પહેલાં હું પાછો આવું, એટલી તો રાહ જોેવી  હતી.”

મૂંઝવણનો માર્યો એ  ઘરમાં બેચેનીથી આંટા મારવા લાગ્યો. સુમન ક્યાં ગઈ હશે, તેનોે પત્રમાં કોઈ ઉલ્લેખ નહોતો. હવે તેને ક્યાં શોધવી? મોડું કરવામાં પણ જોખમ હતું. રહી રહીને તેને કાજલનો સંપર્ક કરવાનો વિચાર આવતો હતો કે તેને આ તમામ પરિસ્થિતિથી વાકેફ કરવી જોઈએ.  જોકે એ પણ મુશ્કેલીઓથી ઘેરાયેલી છે. છતાં આ પરિસ્થિતિમાં તો તેણે કાજલને મળવાનો નિર્ણય લીધો અને સીધો જ ત્યાં જવા નીકળી ગયો. કાજલ તેને આટલી વારમાં પાછો આવેલો જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અને બોલી, ”અરે! કેમ આમ મૂંઝાયલા દેખાવ છો? શું થયું છે?”

જતીને કશું બોલ્યા વિના સુમનનો પત્ર તેની સામે ધરી દીધો. પત્ર વાંચીને કાજલથી બોલી જવાયું, ”અરેરે… આ ગાંડીએ કેવું પગલું ભર્યું? સુમી ભાવુક તો છે, પણ એ આટલી મૂર્ખ હશે, એવી મને ખબર નહોતી! હશે, હવે તમે ચિંતા ન કરશો. એ ક્યાં ગઈ હશે, તેની મને ખબર છે.” ઊંડો વિચાર કરતાં, સ્વગત બોલતી હોય તેમ બોલી, ”આપણે તાત્કાલિક રવાના થવું પડશે.” બારણું ખટખટાવવાનો અવાજ સાંભળીને સુમને જેવું બારણું ખોલ્યું તો સામે કાજલને ઊભેલી જોઈને ઘડીભર ડઘાઈ ગઈ. ”તું? અહીં?” ”હા, હું! મને જોઈને બહુ નવાઈ પામવાની જરૂર નથી.  તું મારાથી સહેલાઈથી છટકી શકીશ, એમ તું માનતી હતી?” ”એટલે તં શું કહેવા માગે છે?” ”પહેલાં અંદર ચાલ તને બધી વિગત સમજાવું છું. ” એમ કહેતી કાજલ તેને ધકેલીને અંદર આવી ગઈ. ”આ બધું શું છે? તને અહીંનું સરનામું કોણે આપ્યું?” ”મારાથી બચતા રહેવું મુશ્કેલ છે. સમજી સુમન?”

”ખોટું ભાષણ બંધ કર અને તું અહીંથી જતી રહે. મારે તારુ મોઢું પણ નથી જોવું. તું એટલી બેશરમ અને દગાબાજ નીકળીશ એવી તો મને કલ્પના પણ નહોતી. મેં તને મારી બહેન ગણી હતી. તારા માટે મેં શું નથી કર્યું? આ બધાનો આવો બદલો ચૂકવ્યો? મારા પતિને જ ભોળવવા લાગી?” ”ચાલી માની લઈએ કે હું તદ્ન બેશરમ છું અને મારા પર વિશ્વાસ મૂકી તે બહુ મોટી ભૂલ કરી છે, પરંતુ જતીન તો તારો પોતાનો માણસ હતો. તેના ઉપર તને અડગ વિશ્વાસ હતો!  એ આટલો જલદી કેવી રીતે પીગળી ગયો?”કાજલે  ટાઢા ડામ દેતી હોય તેમ કહ્યું. ”બહુ થયું. હવે. તારી જીભે જતીનનું નામ ન લઈશ.” સુમન ગુસ્સાથી બોલતી હતી, ”હા, જતીન પર મને પૂરો ભરોસો હતો અને આજે પણ છે. મને એ પણ ખબર છે કે તેણે અત્યાર સુધી કોઈ પરાયી સ્ત્રી સામે નજર સુધ્ધાં નથી કરી, પણ તું એક રૂપાળી નાગણ છે અને જતીનને તેં તારી રૂપજાળમાં ફસાવ્યો છે. આજ સુધી તું કુંવારી એટલા માટે રહી છે કે પરાયા પુુરુષો સાથે મોજ કરી શકે…”

”સુમન….” કાજલનો ચહેરો ક્રોેધથી લાલપીળો થઈ ગયો. પણ તેણે તરત પોતાની જાતને કાબૂમાં લઈ લીધી પછી તે બોલી, ”હજી   વધારે કંઈ બોલવાનું બાકી હોય તો બોલી નાખ. આજે તારી બધી હૈયાવરાળ કાઢી નાખ.” ”સુમને તિરસ્કારથી મોેઢું ફેરવી લીધું અને પગપાળા લાંબો પ્રવાસ કરીને આવી હોય તેમ ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. ઓરડામાં વજનદાર સન્નાટો છવાઈ ગયો હતો. આ સન્નાટાનો ભંગ કરતાં કાજલ બોલી, ”એક નાનકડી વાત કેટલું મોેટું સ્વરૂપ લઈ શકતી હોય છે! સંદેહ ગમે તે માણસને આટલો આંધળો  કરી મૂકે છે એ સાચું જોઈશ જ ન શકે! આ બાબતની મને આજે ખાતરી થઈ ગઈ છે.” ”એમ! ત્યારે તું એમ કહેવા માગે છે કે તે કોઈ ગુનો નથી કર્યો બલ્કે તારી ઉપર શંકા કરીને મેં મોટો ગુનો કરી નાખ્યોે છે?” એક એક શબ્દ ઉપર ભાર મૂકતા સુમને કહ્યું, ”પણ તારી સચ્ચાઈનો ડગમગતો પાયો મેં મારી સગી આંખે જોઈ લીધો છે.”

”તું ગઈ કાલ રાતે જતીન મારા ઘરે આવ્યા એ વખતની વાત કરે  છે ને? ત્યારે તે શું જોયું, એ તો મને કહે?” ”હું તારી માફક બેશરમ નથી કે એવી ઘૃણાસ્પદ વાત હું મારા  હોઠ ઉપર લાવું… જે કંઈ મેં જોયું હતું, એ પછી વધારે કશું જોવાનું બચ્યું જ ક્યાં હતું?’ ”અહીં હવે તું ગોથું ખાઈ ગઈ. તે રાતના સમયે જતીનને મારા ફ્લેટમાં આવતા જોયો અને તે તારો મનગમતો અર્થ કરી લીધો. પણ ક્યારેક આંખે જોયેલું પણ સત્ય નથી હોતું.” ”મને વધારે પડતી મૂરખ બનાવવાના પ્રયાસો હવે નહીં ચાલે, કાજલ! તું મહેરબાની કરીને તારો બકવાસ બંધ કર…”

”એવું નથી, સુમન! હું તને માત્ર સાચી હકીકતની જાણ કરવા માગું છું અને એટલા માટે જ તારી પાછળ અહીં આવી છું… ગઈ કાલ બપોરની વાત છે. ઘેરથી મારી મમ્મીનો ફોન આવ્યો હતો કેમારા પપ્પાને આગલા દિવસે હૃદય રોગનો બીજો હુમલો આવ્યો હતો.
ડોક્ટરોએ તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવાની ભલામણ કરી હતી. એ જ સાંજે મારો ભાઈ પપ્પાને લઈને વિમાનમાં રવાના થવાનો હતો. મમ્મીએ મને સૂચના આપી હતી કે એરપોર્ટ ઉપર પહોંચીને પપ્પાને લઈને બારોબાર હોસ્પિટલમાં દાખલ કરાવવાનો પ્રબંધ મારે કરી રાખવાનો હતો. હું તો અચાનક આ સમાચાર મેળવીને ખૂબ મૂંઝવણમાં પડી ગઈ હતી. મને કશું સૂઝતું જ નહોતું. મારો ભાઈ પપ્પાને લઈને છેક જામનગરથી અમદાવાદ આવતો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો સઘળો  પ્રબંધ મારે કરવાનો હતો. પણ મને આ બાબતમાં કશી જ ખબર નહોતી. અહીં તમારા બે સિવાય હું કોઈને પણ ઓળખતી નથી.

એટલે મારે હવે માત્ર તારો અને જીજાજીનો જ આધાર હતો. આથી મેં તાત્કાલિક તારા ઘેર ફોેન કર્યો. જીજાજી જોડે વાત થઈ પણ તેમણે તું માંદી હોવાની કશી વાત મને ન કરી. બલ્કે તરત જ  મારી મદદે આવી પહોંચવાનું વચન આપ્યું અને વેળાસર આવી પણ ગયા, પરંતુ તેમનો પીછો કરતી તું પણ મારા ઘર સુધી આવી છે, એ વાતની તેમને ખબર નહોતી. જીજાજીએ મારા ઘેરથી ત્રણ-ચાર ટેલિફોન કર્યા અને પછી તેમની કારમાં મને લઈને એરપોર્ટ જવા નીકળ્યા. એટલી વારમાં તું કદાચ ચાલી ગઈ હોઈશ, નહીં તો તને આ વાતનો ખ્યાલ આવી જાત.

જીજાજીએ પોતાના એક ડોક્ટર મિત્રને એમ્બ્યુલન્સ લઈને એરપોર્ટ ઉપર બોલાવી લીધા હતા. જેવા પપ્પાને લઈને ભાઈ ઉતર્યા કે અમે તરત એમ્બ્યુલન્સમાં ગોઠવીને હોસ્પિટલ લઈ ગયા. જીજાજીની ઓળખાણને કારણે અમે પપ્પાની ગંભીર હાલત જોઈને, તેમને તરત દાખલ કરી દેવાયા. પછી સવાર સુધી જીજાજી અમારી સાથે જ રોકાયા હતા. ત્યાંથી એ જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે તારો પત્ર તેમની રાહ જોતો પડયો હતો. પત્ર વાંચીને  એ તાબડતોબ પાછા મારી પાસે હોસ્પિટલ આવ્યા અને ત્યાર પછી અમે બંને તારી શોધમાં નીકળી પડયાં. મને થયું કે તું તારી ધોળકાવાળી માસી પાસે તો નહીં ચાલી ગઈ હોય ને! આ માસી માટે તેં જ મને એક વખત વાત કરી હતી. એ તો સારું થયું કે મારું અનુમાન સાચું પડયું અને તું મને અહીં મળી ગઈ. બધી વાત જાણ્યા પછી સુમન એકદમ ઢીલી થઈ ગઈ અને એકાએક ધૂ્રસકે ધૂ્રસકે રડી પડી. કાજલે તેના ખભે હાથ મૂકીને ધીમેથી દબાવ્યો, ”છાની રહી જા સુમન! જે કાંઈ  થયું તે બધું અજાણતામાં થયું છે. એમાં તારો કોેઈ દોષ નથી.” ”ના, કાજલ!” સુમન રડતાં રડતાં બોલી, ”મારાથી મોટો ગુનો થઈ ગયો છે. મેં મારી નાનપણની સખી પર શંકા કરી, તેને ન કહેવાનો વેણ કહ્યાં.”

”એથી શું થઈ ગયું? મેં તારી કોઈ વાતનું ખોેટું નથી લગાડયું. મારે તારી સામે કોઈ ફરિયાદ નથી, હા, એક વાત જરૂર કહીશ કે ઘર છોડવાનો નિર્ણય લેતા પહેલાં તારે એક વખત જીજાજીનો વિચાર કરવો હતો! ખેર, બનવાકાળ હતું તે બની ગયું, પણ હવે બહાર આવ, જીજાજી તારી રાહ જોતા ઉભા છે.” ”ના, કાજલ! મારાથી જતીનને મોેઢું નહીં દેખાડી શકાય. મારે કયા મોેઢે એમની સામે જવું?” સુમન પાછા પડી જતાં બોલી.

”આ તું બીજી ભૂલ કરે છે, અત્યાર સુધી જે કંઈ બન્યું, તે બધું ગેરસમજને લીધે બન્યું હતું, પણ હવે તું જાણીજોેઈને બહુ મોટી ભૂલ કરી બેસીશ.  હું તને એવી ભૂલ નહીં કરવા દઉ. જીજાજી  કેટલી આતુરતાથી તારી રાહ જુએ છે, તેનો તને ક્યાંથી અંદાજ હોય?” આમ કહીને તે સુમનને હાથ પકડીને બહાર લઈ ગઈ અને તેને જતીન સામે લાવીને ઉભી કરી દીધી. ”જીજાજી! મેં  મારું વચન પૂરું કર્યું છે. મારું ઈનામ હું પછી લઈશ. પણ પહેલાં તમે આ પગલીને સંભાળી લો.” સુમન જાણે ભોંય માર્ગ આપે તોે સમાઈ જવા જેટલો સંકોચ અનુભવી રહી હતી.  તેનામાં જતીન સામે નજર મેળવવાની હિંમત નહોતી. જતીનને તેની હાલતનો અંદાજ આવી ગયો એટલે એ પોેતે સામે ચાલીને તેની નજીક આવ્યો અને તેની દાઢી પકડીને ચહેરો ઊંચો કરતાં બોલ્યો, ”મારી સામે જો, સુમન! જોે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તું જે સજા આપે તે મને કબૂલ છે, પણ આવી રીતે મને છોેડીને જવાનું પગલું…” ”મને માફ કરી દો, જતીન. હું ગંભીર ગેરસમજ ધરાવતી હતી અને તેને માટે ખૂબ જ દિલગીરી છે….” જતીન તેને આલિંગનમાં લેતા બોલ્યો, ”હું તને એક શરતે માફ કરીશ.” ”કેવી શરત?” સુમને આંખમાં આંસુ સાથે રડમસ અવાજે પૂછ્યું. ”એ જ કે ફરીથી ક્યારેય મને છોડી જવાનો વિચાર ક્યારેય તારા મનમાં નહીં આવવા દે.” સુમન રડતાં રડતાં પણ મલકાઈ ઉઠી. આજે જતીનની છાપ તેની નજરે ખૂબ ઊંચી પહોેંચી ગઈ  હતી.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV