94મા એકેડમી (ઓસ્કર) એવોર્ડ (Oscar Awards) માટે નોમિનેશન જાહેર થઈ ગયા છે. ભારતની ડોક્યુમેન્ટરી રાઈટિંગ વિથ ફાયરને અંતિમ પાંચ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. વિવિધ 23 કેટેગરીના નોમિનેશનની 8મી ફેબ્રુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી. એ બધી કેટેગરીમાં સૌથી મહત્વની અને લોકપ્રિય કેટેગરી શ્રેષ્ઠ ફિલ્મ (Best Picture)ની હોય છે. એ કેટેગરીમાં સૌથી વધારે દસ એન્ટ્રીને નોમિનેશન મળે છે. આ વખતે ઓસ્કરમાં પહોંચેલી દસેય ફિલ્મોનો ટૂંકમાં પરિચય અહીં રજૂ કર્યો છે.
ડોન્ટ લૂક અપ
ઓસ્કરમાં ચાર નોમિનેશન મેળવનારી આ ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રભાવિત કરે એવી છે. કેમ કે એમાં લિઓનાર્દો કેપ્રિયો છે, જેનિફર લોરેન્સ છે, માર્ક રિલેન્સ છે, મેરીલ સ્ટ્રીપ છે, કેટ બ્લાન્ચેટ છે અને બીજા ઘણા કલાકારો છે.
ધરતી તરફ ઘણા ધૂમકેતુ-પૂંછડિયા તારા આવતા હોય છે. એવો જ એક ધૂમકેતુ આવી રહ્યો છે અને એ ધરતી સાથે અથડાઈને વિનાશ કરી શકે એમ છે. એ વાતની વિજ્ઞાનીઓને ખબર પડી એટલે ચિંતા વધી, પરંતુ બીજો વર્ગ એ વાતને ખાસ ગંભીરતાથી લેતો નથી. કોઈએ તો વળી એમ ઈચ્છા પણ વ્યક્ત કરી કે ધૂમકેતુ ત્રાટકે અને મારી પૂર્વ પત્નીના ઘર પર ત્રાટકે તો મજા આવે.. તો વળી એ ધૂમકેતુમાં કિંમતી ધાતુનો કેટલો જથ્થો છે એનીય ગણતરી થવા લાગી. પણ એ ધૂમકેતુ આખી ધરતીનો વિનાશ કરે એવડો હતો અને એટલે તેને અટકાવવો કે તેનાથી દૂર ભાગવુ એ સિવાયની બધી વાતો નિરર્થક હતી.
વિજ્ઞાનની વાત છે, પણ ફિલ્મમાં ભરપૂર કોમેડી છે. નેટફ્લિક પર રિલિઝ થયેલી આ ફિલ્મને ત્યાં એટલે કે નેટફ્લિક્સ પર બહુ દર્શકો મળ્યા છે. ધરતી ખતરામાં હોય અને એકાદ ટૂકડી તેને બચાવવા નીકળે એવી ફિલ્મો હોલિવૂડમાં અનેક આવતી રહે છે. આ ફિલ્મ એવી જ છે, પણ ફરક એટલો કે એક્ટરો એકથી એક ચડિયાતાં છે.

બેલફાસ્ટ
ઈંગ્લેન્ડની બાજુમાં આવેલો દેશ આર્યલેન્ડ અને તેનો ઉત્તરી ભાગ સાંસ્કૃતિક રીતે અલગ પડે છે અને પ્રાંતવાદના ઝઘડા થતા રહે છે. એવા જ તોફાનો 1969માં શરૃ થયા. એ વખતે આર્યલેન્ડના બેલફાસ્ટમાં રહેતો 9 વર્ષનો બાળક બડી ઘર આસપાસ ચાલતી અશાંતિનો સાક્ષી બન્યો. દેશમાં ઠેર ઠેર તોફાનો ચાલતા હતા એ વખતે ઉછરતા બાળકના માનસ પર કેવી અસર થાય, તોફાનોમાં બાળક કઈ રીતે ભાગ લે છે, કઈ રીતે બાળક પોતાની ગેંગ બનાવીને ચોરી વગેરે કરે છે તેની કથા આ ફિલ્મમાં દર્શાવાઈ છે.
આ ફિલ્મ બ્રિટિશ એક્ટર-ડિરેક્ટર કેનેથ બારનાએ બનાવી છે. શેક્સપિયરના નાટકો પરથી બનેલી અનેક ફિલ્મોમાં કેનેથે કામ કર્યું છે. તેમને લેટેસ્ટ ફિલ્મ 11મી ફેબ્રુઆરીએ રિલિઝ થશે, ડેથ ઓન ધ નાઈલ જેમાં તેઓ ડિટેક્ટિવ હરક્યુલ પોઈરો બન્યા છે. કેનેથ પોતે બેલફાસ્ટના વતની છે, જે તોફાનોની વાત છે એ તોફાનો એમણે નાનપણમાં જોયા હતા. એટલે પોતાની સત્યઘટના જ તેમણે આ ફિલ્મમાં રજૂ કરી છે. એ જમાનો દર્શાવવા ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઈટ જ રખાઈ છે.
કેનેથે બનાવેલી આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ સહિત કુલ સાત ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. આ પહેલા પણ ફિલ્મને ઘણા નાના-મોટા એવોર્ડ મળી ચૂક્યા છે. જે બાળકની વાત છે તેનો રોલ જુડ હીલે કર્યો છે, જ્યારે અનેક જેમ્સ બોન્ડ ફિલ્મોમાં બોન્ડના બોસ રહી ચૂકેલા સમર્થ અભિનેત્રી જૂડી ડેન્ચ પણ આ ફિલ્મમાં છે.
કોડા
અમેરિકાના ગ્લોકસ્ટર શહેરમાં એક પરિવાર રહે છે, જેમાં એક યુવતીને બાદ કરતા કોઈ સાંભળી શકતું નથી. યુવતી રોઝી સાંભળી શકે છે અને તેને વળી ગાવાનો શોખ છે. ગાવાના એક કાર્યક્રમમાં પરિવારે હાજરી આપી પણ ગીત પુરું થયું ત્યારે તાળીઓ પાડવાની તેમને ખબર નથી કેમ કે એમણે તો કંઈ સાંભળ્યું જ નથી. આસપાસમાં જોયુ કે બધા તાળી પાડે છે એટલે એમેય પાડી. એ પરિવારનું મુખ્યકામ માછીમારી હતું અને એમાં આવી ગઈ મંદી. રોઝી માટે મુશ્કેલી એ હતી કે પોતાના પરિવારને સંભાળે કે પોતાને જે સંગીતનો શોખ છે એ દિશામાં આગળ વધે. એ નિર્ણય લેવાનું કામ અઘરું હતું અને પરિવારની જવાબદારી તેને ભારરૃપ પણ લાગતી હતી. પણ છેવટે રસ્તો નીકળ્યો.
ફિલ્મનું નામ છે કોડા, સીઓડીએ. કોડા એ ‘ચાઈલ્ડ ઓફ ડીફ એડલ્ટ’નું ટૂંકુ નામ છે. જે બાળક શ્રવણશક્તિ વગરના માતા-પિતા વચ્ચે ઉછર્યું હોય તેના માટે ચાઈલ્ડ ઓફ ડીફ એડલ્ટ શબ્દ વપરાય છે.
પ્રમાણમાં ઓછા જાણીતા અમેરિકી મહિલા ડિરેક્ટર સાન હેડરની આ ફિલ્મ છે. તેમની આ ફિલ્મથી પ્રભાવિત થઈને એપલે આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ અઢી કરોડ ડોલરમાં ખરિદ્યા હતા. એમિલિયા જોન્સે ફિલ્મમાં હિરોઈન કે હીરો જે ગણો એ રોઝીનો રોલ કર્યો છે. આ વખતના ઓસ્કરમાં આ ફિલ્મને કુલ 3 નોમિનેશન મળ્યાં છે.
ડ્રાઈવ માય કાર
આ જાપાની ફિલ્મ છે એટલે એને ઓસ્કરમાં જે ચાર નોમિનેશન મળ્યાં છે, એમાંનું એક બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મનું પણ છે.
નાટકનું ડિરેક્શન અને એક્ટિંગ કરતા કલાકાર યુસુકના લગ્ન ઓટો સાથે થયા હતા. બન્ને વચ્ચે ઘણો પ્રેમ હતો એવુ યુસુકને લાગતું હતું, પણ ગરબડ બીજી હતી. જોકે એ ગરબડ આગળ વધે એ પહેલા જ ઓટોનું આકસ્મિક નિધન થયું. બેએક વર્ષ પછી યુસુકને વધુ એક નાટક ડિરેક્શન માટે મળ્યું. એ માટે હીરોશીમા જવાનું હતું અને ગાડીના ડ્રાઈવર તરીકે 23 વર્ષની મિસાકી નામની યુવતી હતી. હિરોશીમા પહોંચ્યા પછી પણ નાટક આડે ઘણા વિઘ્નો આવ્યા અને એ વખતે મિસાકીનો સાથ યુસુક માટે સાંત્વના આપનારો સાબિત થયો.
આ ફિલ્મમાં જીવનના ઉતાર-ચડાવ રજૂ થયા છે અને સર્વત્ર બહુ વખાણ થયા છે.
ડ્યુન

ડ્યુન એટલે રણમાં થતાં રેતીના ઢૂવા. ડ્યુન એ સાયન્સ ફિક્શન ફિલ્મ છે. આ ફિલ્મને 10 નોમિનેશન મળ્યાં છે. આમ પણ રિલિઝ થઈ ત્યારથી આ ફિલ્મ ચર્ચાસ્પદ રહી છે.
તો વાત એવા સમયની છે, જ્યારે મનુષ્યોએ પ્રકાશ કરતા વધુ ઝડપે પ્રવાસ કરવાની રીત શોધી કાઢી હતી. બ્રહ્માંડના ઘણા ભાગોને ધમરોળી નાખ્યા હતા અને પછી પોતાનું શાસન સ્થાપી દીધું હતું. સમગ્ર શાસન એક મહારાજા પાસે હતું. મહારાજાના તાબામાં વિવિધ સુબા-ફેમિલી વિવિધ ગ્રહો પર રાજ કરતા હતા.
ઘણા ગ્રહો વચ્ચે અરાકનસ નામનો એક ગ્રહ હતો, જે આખો રેતાળ ગ્રહ અને એમાં ખાસ પ્રકારનો મસાલો પેદા થતો હતો. એ મસાલાનો ઉપયોગ બ્રહ્માંડમાં પ્રવાસ કરવા માટે બળતણ તરીકે પણ થતો હતો. એટલે પછી અહીં એટ્રેડિસ ફેમિલીને મોકલવામાં આવ્યું, જેથી એ મસાલા કોમોડિટીનું ખાણકામ કરી શકે. પણ એ કામ કરતાં અટકાવવા ત્યાં હેરાકનન્સ પરિવાર હાજર છે. એટલે બન્ને વચ્ચે તણખા જરવા સ્વાભાવિક છે. પરંતુ એટ્રેડિસ પરિવારનો કુંવર પોલ વિશિષ્ટ શક્તિઓ સાથે જન્મ્યો હતો જેની તેને ખબર ન હતી. એટલે પછી લડાઈની જવાબદારી તેની માથે આવી પડી. એ જવાબદારી પુરી કરવાની લડાઈ આ ફિલ્મમાં રજૂ થઈ છે. જો થોડુંક બેકગ્રાઉન્ડ ન હોય તો આ ફિલ્મ સમજવી અઘરી પડે એમ પણ બને.
કદાવર બાંધકામો, ચિત્ર-વિચિત્ર આકારના યાન, મોટી સંખ્યામાં સૈન્ય, ટેકનોલોજી સજ્જ હથિયાર, અજાણ્યા પ્રાણી વગેરે સાયન્સ ફિક્શન ફિલ્મોમાં હોય એવા ઘણા તત્વો અહીં પણ છે. આ ફિલ્મ ફ્રેન્ક હેબર્ટે 1965માં લખેલી સાયન્સ ફિક્શન વાર્તા પરથી આધારીત છે. આ ફિલ્મની સિક્વલ પણ આવશે, કેમ કે મૂળ વાર્તા લાંબી છે. ફિલ્મ ડેનિસ વેલનેઉએ ડિરેક્ટ કરી છે. ડેનિસ સાયન્સ ફિક્શન ફિલ્મોના માસ્ટર છે. આ ફિલ્મને મોટા પડદાં પર જોવાની મજા વધુ આવે પણ થિએટરમાં આવે તો.
કિંગ રિચર્ડ
નામ પરથી શેક્સપિયરનું નાટક લાગે પરંતુ હકીકતે આ સ્પોર્ટ્સ બાયોગ્રાફી છે. વિનસ વિલિયમ્સ અને સેરેના વિલિયમ્સ બન્ને બહેનોનું ટેનિસમાં નામ બહુ જાણીતું છે. એમના પિતા રિચાર્ડ વિલિયમ્સ. રિચાર્ડ ટેનિસ કોચ છે અને આ ફિલ્મ તેમની જ કથા છે. વિલ સ્મિથે રિચાર્ડનો રોલ કર્યો છે.
રિચાર્ડે પોતાની દીકરીઓને ટેનિસમાં પારંગત બનાવવા માટે મહેનત આદરી. એ વખતે ઘણાએ ચેતવણી આપી કે સફળતાની કોઈ શક્યતા દેખાતી નથી. તેની સામે રિચાર્ડની દલીલ એવી રહેતી કે બન્ને બાળકીઓ જન્મી એ પહેલા જ મેં તેના માટે બધુ પ્લાન કરી રાખ્યું હતું. એટલે પિતા તરીકે રિચાર્ડ શું કરવા માંગે છે એ મુદ્દે બહુ સ્પષ્ટ હતો. બાળકીઓને ટેનિસનું કોચિંગ આપવાનું હતું પણ એ માટેની આર્થિક સગવડ ન હતી. એટલે રિચાર્ડે પોતે જ કોચિંગ આપવાની શરૃઆત કરી દીધી. એ પછી તો ટ્રેનિંગ મળવાની શરૃઆત થઈ પરંતુ બીજાય ઘણા પડકારો હતા.
સેરેના-વિનસની સફળતા આજે આખા જગતમાં જાણીતી છે. પરંતુ એ સફળતા પાછળ તેના પિતાએ કેવી મહેનત કરી હતી એ વાત બહુ જાણીતી નથી. આ ફિલ્મ એ મહેનત રજૂ કરે છે.
લિકોરિસ પિઝા
પિઝાની કોઈ દુકાનની વાત હોય એવુ નામ ધરાવતી આ ફિલ્મ હકીકતે તો પ્રેમકથા છે. 15 વર્ષની યુવતી ગેરી વેલેન્ટાઈન અને 25 વર્ષના એલન કેનના સંબંધોની શરૃઆત, ઉતાર-ચડાવ અને કોમેડી એટલે આ ફિલ્મ. ગેરી-એલન એકબીજા સાથે ઘણુ કામ કરે છે. ગેરી એક કંપની શરૃ કરે એમાં પણ એલન કામ કરે છે. બીજી તરફ ગેરી સતત એલનને અવગણતી રહે છે. પરંતુ છેવટે એવી સ્થિતિ આવે કે ગેરીને એલનનું મહત્વ સમજાયું. ત્યાં વળી બીજા કેટલાક પ્રશ્નો ઉભા થયા.. એ બધી રજૂઆત આ ફિલ્મમાં થઈ છે.
ફિલ્મનું નામ પિઝા શોપ પરથી તો નહીં પણ અમેરિકાની એક મ્યુઝિક શોપ પરથી પડ્યું છે.
નાઈટમેર એલી
2017માં શેપ ઓફ ધ વોટર ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઓસ્કર મળ્યો હતો. તેના ડિરેક્ટર ગુલિએર્મ ડેલ ટોરોએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. વાર્તા 1946માં લખાયેલી એક નવલકથા પર આધારીત છે. સમજવી અઘરી છે, કેમ કે સાયકોલોજીક ડ્રામા છે.
મેળામાં કામ કરતો હિરો થોડીક ચમત્કારિક કહી શકાય એવી ક્ષમતા ધરાવે છે. એની મુલાકાત એવી ક્ષમતા ધરાવતી એક મહિલા સાથે થઈ. પછી બન્ને ભેગા મળીને નવાં અને વધારે ખતરનાક આયોજનો કર્યા. હીરોનો ભૂતકાળ ખરડાયેલો હતો એટલે એ વાત તેનો પીછો છોડતી ન હતી.
જાદુના ખેલ કરતા હોય એવા ખેલ ફિલ્મમાં ચાલતા રહે છે. કાર્ડમાં જોઈને ભવિષ્ય દર્શાવવું, આત્મા સાથે વાતો કરવી, સામેવાળાના મનમાં શું ચાલે છે.. વગેરે. આવી ઘટનાઓ જોકે છેવટે વધારે મુશ્કેલી સર્જે છે. 1947માં પણ આજ નામની ફિલ્મ બની હતી.
ધ પાવર ઓફ ડોગ
ફિલ્મના નામમાં ડોગના પાવરની વાત ભલે હોય પરંતુ ફિલ્મ કાઉબોય એટલે ઘોડેસવારની છે. 1925માં અમેરિકાના મોન્ટાનામાં બે ભાઈઓ ફિલ અને જ્યોર્જ રહેતા હતા. એમની મુલાકાત જૂની હોટેલ ચલાવતી વિધવા રોઝ સાથે થઈ. થોડા સમય પછી જ્યોર્જ અને રોઝના લગ્ન થઈ ગયા. જ્યોર્જ શાંત અને સ્થિર પ્રકૃતિનો, જ્યારે ફિલ તામસી પ્રકૃત્તિનો. એટલે ફિલ રોઝના દીકરા પિટરને પણ વારંવાર ખિજવતો રહેતો, હેરાન કરતો રહેતો. પરંતુ ફિલ શા માટે સતત અપલખણાઈભર્યુ વર્તન કરતો હતો તેનું રહસ્ય છેલ્લે ખૂલે છે.
ફિલ્મ ઘણી ધીમી છે, પરંતુ મનોરંજન માટે નથી. ઘણી ફિલ્મો વિચારતા કરી મુકતી હોય છે. એ પ્રકારની આ ફિલ્મ છે. ન્યૂઝિલેન્ડના મહિલા ડિરેક્ટર જેન કેમ્પિયને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ વખતે સૌથી વધુ 12 નોમિનેશન આ ફિલ્મને મળ્યા છે. પાવર ઓફ ધ ડોગ નામ શા માટે રખાયુ એ રહસ્ય પણ છેલ્લે રજૂ થાય છે.
વેસ્ટ સાઈડ સ્ટોરી

વેસ્ટ સાઈડ સ્ટોરીના ડિરેક્ટરનું નામ વાંચીને આપણી આંખો ચમકે કેમ કે એ સ્ટીવન સ્પીલબર્ગ છે. સ્પીલબર્ગની ફિલ્મો વિશિષ્ટ હોવાથી આખા જગતના હોલિવૂડ ચાહકોમાં તેમની વિશિષ્ટ પ્રતિષ્ઠા છે.
અજય દેવગનની જૂવાનીમાં ઘણી એવી ફિલ્મો આવતી જેમાં સામ-સામા યુવાનાનો બે જૂથ ચડસાચડસી પર ઉતરતા. એમાં યુવતી કારણભૂત હોય અને બીજા કારણો પણ હોય. એવા દૃશ્યો કદાચ વેસ્ટ સાઈટ સ્ટોરી જોઈને યાદ આવે. યુવાનોની બે ગેંગ છે, જે મેનહટ્ટનની વેસ્ટ સાઈડ પર કબજો જમાવવા પ્રયાસ કરતા રહે છે. એમની વચ્ચે વારંવાર નાની-મોટી ચકમક ઝરતી રહે છે. આવી સ્થિતિમાં પ્રેમમાં પડે એ ગર્લ-બોયને પડે એવી મુશ્કેલીઓ અહીં રજૂ થઈ છે.
આ સ્ટોરી પણ પુસ્તકમાંથી આવી છે. 1957માં આ વાર્તા પરથી નાટક બન્યું હતું. આ ફિલ્મ તેની રી-મેક છે. આ ફિલ્મ મ્યુઝિકલ છે એટલે કે સતત ગીતો દ્વારા રજૂઆત થતી રહે છે. સ્પીલબર્ગે પ્રથમવાર મ્યુઝિકલ ફિલ્મ બનાવી છે.