GSTV

આજે દિલ્હીમાં પ્રદૂષણની ચિંતા વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટ્વેન્ટી-20

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક બન્યું છે અને સામાન્ય નાગરિકો માટે પણ પરિસ્થિતિ ભયજનક છે, ત્યારે આવતીકાલે આવા જોખમી વાતાવરણ વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી-૨૦ રમાશે. કોહલીએ આરામ ફરમાવતા ભારત રોહિત શર્માની આગેવાનીમાં જીતના મક્કમ નિર્ધાર સાથે ઉતરશે. આવતા વર્ષના ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓ તેમની પ્રતિભાનો પરચો દેખાડવાની કોશીશ કરશે.

શાકિબની ગેરહાજરીમાં મહમુદુલ્લાહને અપાયુ ટીમનું સુકાન

ભારત સામેની શ્રેણી અગાઉ જ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ પર આઇસીસીના એન્ટિ કરપ્શન યુનિટે બે વર્ષનો પ્રતિબંધ મૂકતાં સનસનાટી મચી ગઈ હતી. શાકિબની ગેરહાજરીમાં હવે મહમુદુલ્લાહને ટીમનુ સુકાન સોંપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ પાસે રહીમ, રહમાન, સરકાર જેવા અનુભવી ખેલાડીઓ છે, જેઓ મેચનું પાસુ પલ્ટી નાંખી શકે તેમ છે. જોકે બાંગ્લાદેશના ખેલાડીઓ કેટલી જલ્દી શાકિબ વિવાદને ભૂલાવીને નવી શરૃઆત માટે તૈયાર થાય છે, તે જોવાનું રહેશે.

રોહિત શર્માની આગેવાની

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ઘરઆંગણાના મેદાન પરની ટી-૨૦માં જીતવા માટે ફેવરિટ મનાય છે. ભારતના ટોપ ઓર્ડરમાં રોહિત અને ધવનની ઓપનિંગ જોડી નિશ્ચિત મનાય છે. જ્યારે મીડલ ઓર્ડરમાં ઐયર, પંત અને કૃણાલ પંડયાને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તે નક્કી જેવું જ છે. જોકે ટીમ ઈન્ડિયામાં ત્રણેક ફેરફારની સંભાવના જોવામાં આવી રહી છે.

શિવમ દુબે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમવા તૈયાર

હાર્દિક પંડયા હાલ ઈજા પરની સર્જરી બાદ રિકવરી પર છે, ત્યારે ટીમ ઈન્ડિયાએ યુવા ઓલરાઉન્ડર્સને અજમાવવાનો સિલસિલો શરૃ કર્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં નોંધપાત્ર દેખાવ કરી રહેલા મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબેને આવતીકાલે ઈન્ડિયા કેપ આપવામાં આવે તેવી શક્યતા છે. દુબેએ હઝારે ટ્રોફીમાં કર્ણાટક સામે માત્ર ૫૮ બોલમાં સદી સાથે ૧૧૮ રન ફટકાર્યા હતા. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે ઉત્સુક છે. ડાબોડી બેટ્સમેન હોવાની સાથે તે જમણેરી મીડિયમ પેસ બોલર પણ છે. 

સેમસન, ચહલ અને શાર્દૂલનેટીમમાં સ્થાન મેળવવાની આશા

હઝારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનારા સંજુ સેમસનને ફરી વખત ટી-૨૦ ટીમમાં સ્થાન આપ્યું છે અને તેને ટોપ ઓર્ડરમાં લોકેશના સ્થાને સમાવાય તેવી સંભાવના છે. મીડલ ઓર્ડરમાં પણ વિકેટકિપર તરીકે તે પંતનો હરિફ બની શકે છે. યઝવેન્દ્ર ચહલે લાંબા બ્રેક બાદ પુનરાગમન કર્યું છે અને તેને રાહુલ ચહરના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે તે નક્કી છે. મુંબઈના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરે પણ દીપક ચાહર કે પછી ખલીલના સ્થાને ટીમમાં પ્રવેશવાના દ્વાર ખખડાવ્યા છે. હવે કેપ્ટન રોહિત કોને તક આપે છે અને કોને નહી તે જોવાનું રહેશે.

બાંગ્લાદેશને અનુભવી ખેલાડીઓના નિર્ણાયક દેખાવનો વિશ્વાસ

શાકિબની ગેરહાજરીમાં બાંગ્લાદેશ મહમુદુલ્લાહની આગેવાનીમાં ઉતરશે, ત્યારે ટીમનો મદાર સીનિયર ખેલાડીઓના ખભા પર વિશેષ રહેશે. ખાસ કરીને મુસ્ફિકુર રહમાન તેમજ રહીમે જવાબદારી સાથે રમવું પડશે. આ ઉપરાંત લિટ્ટોન દાસ તેમજ સોમ્ય સરકાર પણ ભારતીય ટીમને પરેશાન કરી શકે છે. શાકિબની ગેરહાજરી તો તેમને સાલશે, પણ યુવા ખેલાડીઓ આ ગોલ્ડન તકને ઝડપીને પોતાની કુશળતાની સાબિતી આપી શકે તેમ છે. શ્રીલંકા-એ સામેની વન ડેમાં સતત બે મેચમાં અડધી સદી ફટકારનારા મોહમ્મદ નઈમને તક મળી શકે છે. અલ-અમીન અને અરાફાત સનીનું સ્થાન નક્કી છે.

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ધવન, રાહુલ, સેમસન, પંત (વિ.કી.), દુબે, મનીષ પાંડે, ઐયર, કૃણાલ પંડયા, ખલીલ, ચહલ, શાર્દૂલ ઠાકુર, દીપર ચહર, રાહુલ ચહર, સુંદર અને ઠાકુર.

બાંગ્લાદેશ : મહમુદુલ્લાહ (કેપ્ટન), ટી.ઇસ્લામ, મિથુન, લિટ્ટન દાસ, સરકાર, નઈમ શેખ, રહીમ, એ.હોસૈન, એમ. હોસૈન, એ. ઈસ્લામ, અરાફાત સની, હૈદર, અલ-અમીન, રહમાન, એસ. ઈસ્લામ.

READ ALSO


Related posts

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!