GSTV

પીળું એટલું સોનું : સરકાર કરે તે સત્ય ! અર્થતંત્રને સુધારેલું બતાવવા આંકડાની માયાજાળ જ બદલી નાંખશે!

Last Updated on January 20, 2020 by Mayur

દેશ આર્થિક મહામંદી તરફ ધકેલાઈ રહ્યો છે તેવા મોદી સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ સહિત અનેક અર્થશાસ્ત્રીઓના દાવા અને વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા દેશના આર્થિક વૃદ્ધિદરના આંકડામાં સતત ઘટાડા વચ્ચે મોદી સરકારે હવે આર્થિક વૃદ્ધિદરના આંકડાઓનો બેઝ જ બદલી નાંખવાની કવાયત હાથ ધરી છે.

સત્તાવાર આંકડાઓની ગુણવત્તા અને તેની સાથે ચેડાંના આક્ષેપોનો સામનો કરનાર કેન્દ્ર સરકારે ઘણા લાંબા સમયથી રાજકીય આક્ષેપબાજીના કેન્દ્રમાં રહેનારી સત્તાવાર સ્ટેટિસ્ટિક્સ બદલવાની કવાયત હાથ ધરી છે.  કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશની આર્થિક સ્થિતિ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરવા માટે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સત્તાવાર આંકડાઓને એકત્ર કરવાના બેઝને અપડેટ કરવામાં આવશે.

નીતિ આયોગ, સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય અને અન્ય સરકારી સંસ્થાઓની શ્રેણીબદ્ધ બેઠકો પછી આ પહેલ હાથ ધરવામાં આવી છે. સરકારનો દાવો છે કે સત્તાવાર સ્ટેટિસ્ટિક્સની ગુણવત્તામાં સુધારો લાવવા અને સત્તાવાર આંકડાઓ તથા વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચેનું મોટું અંતર દૂર કરવા માટે તાત્કાલિક આ કામગીરી શરૂ કરવી જરૂરી છે.

મોદી સરકારના સમયમાં ઊંચા આર્થિક વૃદ્ધિદરના આંકડા સામે વિપક્ષ અને અનેક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનો દાવો છે. મોદી સરકારના ઊંચા આર્થિક વૃદ્ધિદરના દાવાઓ સામે અરવિંદ સુબ્રમણ્યમે દાવો કર્યો હતો કે દેશનો વર્તમાન જીડીપી દર વાસ્તવિક રીતે 2.5 ટકા જ છે, જે સરકારના દાવાઓ કરતાં ઘણો નીચો છે. સત્તાવાર આંકડાઓ સાથે ચેડાંની ટીકાઓ છતાં મોદી સરકારનું માનવું છે કે સત્તાવાર આંકડાઓ અંગે દૂરદર્શી અને સખત વલણ અપનાવવાની જરૂર છે.

જેમ કે, ભારતના જીડીપીમાં અડધો હિસ્સો સર્વિસ સેક્ટરનો છે, જે મોટાભાગે સંગઠિત ક્ષેત્રની કંપનીઓના આઉટપુટ પર આધારિત છે, જે સંપૂર્ણ સેક્ટરના અમુક ભાગનું જ પ્રતિનિધિત્વ કરે છે. પરિવહન અને રેસ્ટોરાં સેગ્મેન્ટને ધ્યાનમાં લઈએ તો પરિસ્થિતિ વધુ ગંભીર બને છે, કારણ કે આ સેક્ટરમાં અંદાજિત આઉટપુુટ સંગઠિત સેક્ટરના 15 ટકાના મૂલ્યાંકન પર આધારિત છે. આ સેક્ટરમાં ઢાબાવાળા અને નાની રેસ્ટોરાંઓના આઉટપુટને ગણતરીમાં જ લેવામાં નથી આવતું તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. એ જ રીતે ખાંડમાં સરેરાશ ઉપજના આંકડા પર ઉત્પાદનની ગણતરી થાય છે. આ પદ્ધતિ ત્રણ દાયકા જૂની છે. કૃષિ પેદાશોના ભાવની ગણતરી કરવામાં આવે ત્યારે ‘ફાર્મ ગેટ પ્રાઈસ’ પર આધાર રખાય છે.

આ પદ્ધતિ ખામીયુક્ત હોવાનું અર્થશાસ્ત્રીઓ ખૂદ માને છે. તેમના મતે સત્તાવાર આંકડાઓની ગણતરી માટે વિવિધ કોમોડિટીના મંડીના દરોના ભાવને ધ્યાનમાં લેવા જોઈએ. આજે મંડીના ભાવો ઓનલાઈન ઉપલબ્ધ છે અને દેશમાં ડિજિટલાઈઝેશન વધવાના કારણે આ પ્રકારના આંકડાઓ સરળતાથી મળી રહેશે.

આથી સત્તાવાર આંકડાઓનો બેઝ બદલવો ખૂબ જ જરૂરી છે તેમ સૂત્રોનું કહેવું છે. કોર્પોરેટ બાબતના મંત્રાલયના આંકડાઓ જોઈએ તો સંગઠિત ક્ષેત્રની પ્રવૃત્તિઓના આંકડાઓ જોઈએ તો નાણાકીય માપદંડો સહિતની કેટલીક બાબતો પર આ આંકડા ખૂબ જ સારા લાગી શકે છે. પરંતુ અસંગઠિત ક્ષેત્રની વાત આવે ત્યારે આ બાબત ખોટી ઠરે છે.

અર્થતંત્ર બરબાદ કરવા માટે પણ મગજ તો જોઈએ ને! : સુબ્રમણ્યમ

દેશના અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવું એ સરકાર માટે મોટો પડકાર છે. વિપક્ષ સતત આ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે. આવા સમયે હવે ભાજપમાંથી જ વિરોધનો અવાજ ઊઠવા લાગ્યો છે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દેશની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે આ રીતે અર્થતંત્ર બરબાદ કરવા માટે પણ મગજ જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીએ તેમના ટ્વીટર હેન્ડલ પર વ્યંગ કરતા લખ્યું, સામાન્ય રીતે રિસેશન એટલે કે મંદી, મોંઘવારી સાથે નથી આવતા. સામાન્ય રીતે માગમાં ઘટાડો આવતાં વસ્તુઓના ભાવ વધતા નથી, પરંતુ હવે ભારતના અર્થતંત્રમાં રહેલી ખામીઓ જોવા મળી રહી છે. આ વાત હું મજાકમાં કહી રહ્યો છું, પરંતુ આ પ્રકારે નિષ્ફળ થવામાં પણ મગજ વાપરવું પડે છે.

સુબ્રમણ્યમ સ્વામીએ એક દિવસ પહેલા જ ડોલરની સરખામણીમાં ઘટતા રૂપિયા પર અજીબ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય કરન્સીની સ્થિતિ સુધારવા માટે નોટમાં ધનની દેવી લક્ષ્મીની તસવીર પ્રકાશિત કરવામાં આવે. ઈન્ડોનેશિયાની કરન્સી પર ભગવાન ગણેશની તસવીર પ્રકાશિત થયાના સવાલ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું,

આ સવાલ પર વડાપ્રધાન મોદી જવાબ આપી શકે છે. જોકે, જ્યાં સુધી મારી વાત છે તો હું તેની તરફેણ કરૂં છું. ભગવાન ગણેશ અવરોધો દૂર કરે છે. મારૂં તો એમ કહેવું છે કે ધનની દેવી લક્ષ્મીની તસવીર બેંક નોટ પર પ્રકાશિત થવાથી ભારતીય કરન્સીની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. તેના પર કોઈએ ખરાબ માનવાની જરૂર નથી.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

મોદી સરકાર ભરાશે/ પેગાસસ જાસૂસીમાં હવે નીતિશકુમારે ઉઠાવ્યો સવાલ, સરકારે કરવી જોઈએ તપાસ

pratik shah

વિદેશી વેક્સિન મામલે ભારતને લાગ્યો સૌથી મોટો ઝટકો, જ્હોનસને ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની અરજી પરત ખેંચી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!