GSTV
Home » News » 2019માં એકલા હાથે ચૂંટણી લડીશું: શિવસેના

2019માં એકલા હાથે ચૂંટણી લડીશું: શિવસેના

ભાજપ સાથેની શિવસેનાની રાજકીય અંટશ હવે ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએથી શિવસેના અલગ થશે અને 2019માં મહારાષ્ટ્રના ભગવાદળ શિવસેનાએ એકલાહાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. શિવસેનાએ કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવાની સાથે પાર્ટી મહારાષ્ટ્ર બહાર પણ હિંદુત્વના મુદ્દા પર ચૂંટણી લડશે.

શિવસેનાએ પાર્ટીની કારોબારી બેઠકમાં 2019ની લોકસભાની ચૂંટણી એકલાહાથે લડવાનું એલાન કર્યું છે. શિવસેનાએ આગામી વિધાનસભાની ચૂંટણી પણ એકલાહાથે લડવાની ઘોષણા કરી છે. શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર બહાર હિંદુત્વના મુદ્દા પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે ગાયની હત્યા પાપ છે. તો ગાયના નામે છેતરીને સત્તા મેળવવી પણ પાપ છે. શિવસેના હિંદુત્વના મુદ્દાને નહીં છોડે તેવો સંકલ્પ પણ શિવસેના અધ્યક્ષે વ્યક્ત કર્યો છે.

હાલ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર છે. ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી રાજકીય પાર્ટી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને ભાજપ આમને-સામને હતા. ચૂંટણી પરિણામો બાદ સત્તા સમીકરણો બદલાતા બંને પક્ષોએ ગઠબંધન કર્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપને 122 અને ભાજપના સહયોગી પક્ષને એક બેઠક મળી છે. તો શિવસેનાને 63, કોંગ્રેસને 42, એનસીપીને 41, એઆઈએમઆઈએમને બે બેઠકો મળી છે. તો મહારાષ્ટ્રમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં કુલ – 48 બેઠકોમાંથી ભાજપને 23,  શિવસેનાને 18, કોંગ્રેસને 2, એનસીપીને 4 અને સ્વાભિમાન પાર્ટીને એક બેઠક મળી છે. એનડીએમાંથી શિવસેનાના અલગ થવાના એલાન બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે તેમની સરકારની ટર્મ પૂર્ણ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપથી અલગ ચૂંટણી લડવાનો નિર્ણય ઘણી વિચારણા બાદ કરાયો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે જો સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન હોત તો કાશ્મીર મુદ્દો બનત નહીં. ઉદ્ધવ ઠાકરેએ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉઠાવાયેલા મુદ્દા પર નિશાન સાધતા કહ્યુ છે કે ચૂંટણી આવતાની સાથે જ રાજકીય પક્ષોને પાકિસ્તાનની યાદ આવી જાય છે.

સર્જિકલ સ્ટ્રાઈકનું બિનજરૂરી શ્રેય લેવાની કોશિશ થઈ હોવાનું જણાવીને મોદી સરકાર પર નિશાન સાધતા શિવસેના પ્રમુખે ક્હ્યુ છે કે સર્જિકલ સ્ટ્રાઈક સેનાનું ગૌરવ છે. ઉદ્ધવ ઠાકરેએ 56 ઈંચની છાતી સૈનિકોની હોવાનું જણાવ્યું છે. તેની સાથે પીએમ મોદી પર 56 ઈંચની છાતી પર કટાક્ષ કરતા કહ્યુ છે કે છાતીની અંદર હિંમત કેટલી છે અને ગૌરવનો ભાવ કેટલો છે તે મહત્વનું છે. બાકી ખાલી છાતીથી કંઈ થાય નહીં. ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીના નેવીને મુંબઈમાં જમીન નહીં આપવા પરના એક નિવેદનની ઝાટકણી કાઢી છે.

શિવસેના પ્રમુખે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે જે આતંકવાદને પ્રોત્સાહીત કરે તેમની સાથે તેઓ રહી શકે નહીં. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સાથે ગાંધી આશ્રમમાં વડાપ્રધાન મોદી દ્વારા પતંગ ઉડાડવામાં આવી હતી. તેના પર કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરેએ ક્હ્યુ હતુ કે વડાપ્રધાને પતંગ ઉડાડવા કરતા કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવવો જોઈતો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આગળ નીકળી ગઈ અને ભાજપ પાછળ રહી ગયું તેવુ જણાવીને ઉદ્ધવ ઠાકરેએ આની ખુશી નહીં હોવાનું જણાવ્યું છે. તેની સાથે જ શિવસેના પ્રમુખે કહ્યુ છે કે ગુજરાતમાં ત્રીજો પ્રાદેશિક પક્ષ હોત, તો જનતા તેને ચૂંટી કાઢત. ઉદ્ધવ ઠાકરેએ જનતાને વિકલ્પ પુરો પાડવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે.

Related posts

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

Nilesh Jethva

સંસદિય દળની બેઠકમાં ખુરશી પરથી મોદી ઉભા થયા, પછી કર્યુ એવું કામ કે બધા નેતાઓ જોતા રહિ ગયા

Riyaz Parmar

અમે જે બેઠકો પર જીત્યા છે,ત્યાં દીદીનાં ગુંડા હિંસા કરશે: બંગાળનાં આ નેતાનું મોટું નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!