GSTV

State of Siege: Temple Attack / ગુજરાતના અક્ષરધામ હુમલા પર આધારિત ફિલ્મ કેવી છે?

Last Updated on July 12, 2021 by Lalit Khambhayata

2002માં ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકી હુમલો થયો હતો. એ હુમલાને ધ્યાનમાં રાખીને બનાવાયેલી ફિલ્મ State of Siege: Temple Attack રિલિઝ થઈ છે. ફિલ્મ કેવી છે અને કેવી રીતે રજૂ થયો છે, પડદાં પર આતંકી હુમલો એ જાણીએ…

મીત દાણીધારીયા : દાઢીવાળા કેટલાક બંધુકધારી આતંકવાદીઓ, બંધક બનાવાયેલ કેટલાક નિર્દોષ અને અસહાય લોકો, આતંકવાદી હેન્ડલરના ભડકાઉ ભાષણો, ગોળીઓ ફાયર થતી હોય અને થ્રીલર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, દેશની સેનાના સૌથી કાબિલ જવાનોની બંધક થયેલા લોકોને બચાવવા માટેના ઓપરેશનની તૈયારી. શું ફિલ્મમાં આ દ્રશ્યો તમને જાણીતા લાગે છે? તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહિયાં કોઈ ટેરેરીસ્ટ અટેક પર આધારિત ફિલ્મની વાત કરવામાં આવી રહી છે. જી હા, ઓનલાઈન પ્લેટફોર્મ ZEE 5 પર રીલીઝ થયેલી ફિલ્મ ‘સ્ટેટ ઓફ સિજ: ટેમ્પલ અટેક’ પણ આ પ્રકારની અન્ય ફિલ્મો જેવી જ છે .

આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં અક્ષય ખન્ના એક NSG કમાન્ડોની ભૂમિકામાં જોવા મળે છે. આપણે બધાને ખબર જ છે કે અક્ષય ખન્ના સારા અભિનેતા છે પણ ફિલ્મોમાં તેમને સતત અવગણવામાં આવ્યા છે. આ ફિલ્મ દ્વારા અક્ષય ખન્ના ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મને ‘ઈશ્ક-વિષ્ક’ ફિલ્મથી જાણીતા થયેલા ડિરેક્ટર ‘કેન ધોષ’ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના સિવાય વિવેક દહિયા, પ્રવીણ ડબ્બાસ, સમીર સોની, ગૌતમ રોડે, મૃદુલ દાસ, મીર સરવર, મંજરી ફણનીસ, અક્ષય ઓબેરોય અને સાઉથની અનેક ફિલ્મોના વિલન તરીકે જાણીતા અભિમન્યુ સિંહ પણ જોવા મળી રહ્યા છે.

ફિલ્મની વાર્તાની વાત કરી તો આ ફિલ્મ વર્ષ 2002માં ગુજરાતનાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પર થયેલ આતંકવાદી હુમલાની સત્ય ઘટના પર આધારિત છે. મંદિરમાં ચાર હથિયારબંધ આતંકવાદીઓ ઘૂસી જાય છે અને મંદિરમાં ગોળીબારી કરીને હાજર રહેલા લોકોને બંધક બનાવે છે. મંદિરમાં બંધક થયેલા લોકોને છોડાવવા અને આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવા માટે હનુત સિંહ એટલે કે અક્ષય ખન્નાની આગેવાનીમાં NSGની એક ટીમ મંદિરમાં જાય છે. જ્યારે બીજી તરફ બંધક લોકોને છોડાવવા માટે આતંકવાદીઓ સરકાર સમક્ષ પોતાની માંગ મૂકે છે. સરકાર લોકોને બચાવવા માટે આતંકવાદીઓની માંગ પૂરી કરે છે કે એનએસજી કમાન્ડો આતંકવાદીઓને મારી નાખે છે, એ જ આ ફિલ્મની વાર્તાની મુખ્ય બાબત છે કે જે થોડા ઘણા ટ્વિસ્ટ અને રહસ્યો સાથે આગળ વધે છે. ફિલ્મ જમ્મુ કાશ્મીરમાં એક મિલીટરી ઓપરેશન સાથે શરૂ થાય છે અને ગુજરાત તરફ આગળ વધે છે. ફિલ્મની શરૂઆતની 10 મિનિટ ફિલ્મ જોનારને જકડી રાખે છે પણ જેમ જેમ ફિલ્મ ગુજરાત તરફ આગળ વધે છે તેમ તેમ પોતાની પકડ દર્શકો પરથી ગુમાવતી જાય છે.

આ ફિલ્મમાં અક્ષય ખન્નાની એક્ટિંગ હમેશની જેમ જ ખૂબ જ સરસ છે. પરંતુ વાર્તાના લેખનમાં ક્યાંક કચાશ રહી ગઈ હોય એવું સ્પષ્ટ પણે જોવા મળે છે. ફિલ્મ જોતી વખતે અમુક દ્રશ્યોમાં તો એવું જણાઈ આવે છે કે ફિલ્મની વાર્તા, મંદિર પર થયેલા આતંકવાદી હુમલા કરતાં પણ અક્ષય ખન્નાએ ભજવેલ પાત્ર ‘હનુત સિંહ’ને વધારે ફોકસ અને મહત્વ અપાઈ રહ્યું છે. ફિલ્મમાં હનુત સિંહ સિવાય અન્ય પણ કેટલાક વ્યક્તિઓના પાત્રોનો પરિચય થાય છે પણ થોડીક જ મિનિટોમાં એમનું મૃત્યુ થતું બતાવવામાં આવ્યું છે. પ્રવીણ ડબ્બાસ આ ફિલ્મમાં NSGના કર્નલનું પત્ર ભજવી રહ્યા છે. અન્ય હિન્દી ફિલ્મોની જેમ જ કર્નલ પોતાના જુનિયર ઑફિસરોની સલાહને અવગણીને પોતાના નિર્ણયો સાચા છે એવું સાબિત કરવા માથમણ કરતાં રહે છે. આ ઉપરાંત ફારૂક નામના આતંકવાદીની ભૂમિકા ભજવી રહેલા એક્ટર મૃદુલ દાસનો અભિનય પણ વિલનને સાંજે તેવો દમદાર છે. ફારૂક નામનું આ આતંકવાદી પાત્ર થોડું સનકી મિજાજનું બતાવવામાં આવ્યું છે. આતંકવાદીઓના હેન્ડલરની ભૂમિકા ભજવી રહેલા જાણીતા અભિનેતા અભિમન્યુ સિંહના પાત્રની લંબાઈ ખૂબ એટલે ખૂબ જ ઓછી છે. પરંતુ જ્યારે જ્યારે અભિમન્યુ સિંહનો ડાઈલોગ આવે ત્યારે તેમનો ઘેરો અને તીખો અવાજ ફિલ્મ જોનારને ગમે એવો છે.

ફિલ્મના પાત્રો માટે કલાકારોની પસંદગી આમતો થોડી ઘણી રીતે યોગ્ય જ છે. પરંતુ ગુજરાતમાં આકાર લઈ રહેલી વાર્તાના એક પણ પાત્રમાં ગુજરાતી કલાકારોનો અભાવ જોવા મળે છે. મૂળ હિન્દી કલાકારોના મોઢે બોલાયેલી ગુજરાતી ભાષા વ્યવસ્થિત હોવા છતાં પણ સામાન્ય ગુજરાતી વ્યક્તિ જેવી વાસ્તવિક નથી લાગતી. એને કારણે જ ફિલ્મમાં ગુજરાતી કલકારોની કમી ફિલ્મ જોનારને ખટકી શકે છે.

આ ફિલ્મ ઓવરઓલ સામાન્ય છે. આ બાબત જ ફિલ્મની ખાસિયત છે અને કમજોરી પણ છે. ફિલ્મમાં કોઈ પણ દ્રશ્યો વધારે પડતાં કાલ્પનિક કે ઓવર ડ્રામેટિક નથી લગતા પરંતુ સાથે સાથે ફિલ્મના દ્રશ્યોમાં વાસ્તવિકતાનો પણ આભાવ જોવા મળે છે. ફિલ્મના શૂટિંગ માટે ગુજરાતનાં અક્ષરધામ મંદિર જેવો સેટ તૈયાર કરાયો છે પણ આ સેટમાં ઓરિજિનલ અક્ષરધામ મંદિર જેવી ભવ્યતા જોવા મળતી નથી. મંદિરની અંદર આતંકવાદીઓ અને NSG કમાન્ડો હનુત સિંહ વચ્ચે થતી લડાઈનું શૂટિંગ સારી રીતે કરાયું છે. અક્ષય ખન્ના પોતે એકલા જ આખી ફિલ્મને ખેંચી રહ્યા હોય અને દર્શકો પણ અક્ષય ખન્નાને જ જોવાના હોય એવું લાગે છે. અક્ષય ખન્નાની દમદાર એક્ટિંગને વાર્તાના નબળા લેખનનું ગ્રહણ લાગી ગયું હોય તેવું અનુભવાય છે. OTT પ્લેટફોર્મને કારણે અક્ષય ખન્ના પર ફિલ્મના ઓપનિંગ અને વિકેન્ડ કલેક્શનનું ટેન્શન ન હોવાથી તેમની એક્ટિંગ પણ થોડા ઘણા અંશે વધુ સારી બની છે.

આ ફિલ્મ અન્ય યુદ્ધ અને આતંકીઓની વાર્તા સાથે સંકળાયેલી ફિલ્મોની જેમ જ એકસરખું લાગે તેવું મ્યુઝિક અને આતંકીઓના ભડકાઉ ભાષણને કારણે થોડી સામાન્ય બની ગઈ છે. ફિલ્મમાં ક્રિએટીવિટીનો અભાવ પણ ફિલ્મ જોનારને ખટકી શકે છે. આ ફિલ્મમાં કોઈ પણ પ્રકારનો અન્ય મરી-મસાલો નથી નાખવામાં આવ્યો. આટલું જ નહિ પણ આ ફિલ્મ, એક પરિવારની કહાની અને બાપ-દીકરા વચ્ચેનો પ્રેમ અમુક જગ્યાએ બંધ-બેસતી રીતે સારી રીતે દર્શાવાયો છે. ફિલ્મમાં અન્ય ફિલ્મોની જેમ જ દેશ પ્રેમની ભાવના પણ સરસ રીતે બતાવાઈ છે. પરંતુ જો તમને મસાલેદાર બૉલીવુડ ફિલ્મો અને સિટીમાર ડાઈલોગ અને પંચલાઇન્સ ધરાવતી ફિલ્મો જોવાનું પસંદ છે તો તમારા માટે આ ફિલ્મ યોગ્ય કહી શકાય તેમ નથી.

આ ફિલ્મના અંતે મંદિરના સ્વામી મહારાજ દ્વારા અહિંસા અને પ્રેમ પરનો ડાઈલોગ ખૂબ જ સરસ છે. આ ડાઈલોગ સિવાય ફિલ્મમાં અન્ય કોઈ પણ પંચલાઇન કે સિટીમાર ડાઈલોગ જોવા મળતો નથી. આ ફિલ્મમાં દર્શક જાણતો ન હોય તેવું કઇ નવું બતાવવામાં નથી આવ્યું એટલે જો અક્ષય ખન્નાને ઘણા સમયથી કોઈ ફિલ્મમાં ન જોયા હોય અને તમે તેની દમદાર એક્ટિંગને મિસ કરી રહ્યા હોવ તો આ ફિલ્મ એક વખત જોવા જેવી ખરી.

Read Also

Related posts

Travel Diary-7 / આગળ હવે ઊંચાઈ પર જવાનું હોવાથી બાઈકના કાર્બોરેટરમાં એર સેટિંગ કરાવવાનું જરૂરી હતું

Lalit Khambhayata

મોટર ઇન્શ્યોરન્સ / શું કુદરતી આફતના કારણે કારને થતા નુકશાન પર મળે છે ક્લેમ? જો નથી તો આ આર્ટિકલ તમારા માટે જ છે

Zainul Ansari

વાહનચાલકોને સરકારે આપી મોટી રાહત: ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના આ નિયમોમાં આપી સપ્ટેમ્બર સુધીની છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!