GSTV
Home » News » STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં થાય તો રામધૂન સહિત રાજ્યભરમાં આંદોલન વધુ વેગવતું બનાવાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી. અને કહ્યું જ્યાં સુધી પ્રશ્નોનું નિવારણ નહીં આવે ત્યા સુધી લડત ચાલુ રહેશે. ત્યારે આજે રાજ્યભરમાં ઠેર ઠેર થયેલા વિરોધ પર એક નજર કરીએ.

છાજીયા લીધા

વડોદરા જિલ્લાના પાદરા એસટી ડેપોના 190 જેટલા કર્મચારીઓએ પણ બીજા દિવસે હડતાલ યથાવત રાખી. અર્ધનગ્ન હાલતમાં તમામ કર્મચારીઓએ સરકારનો હુરિયો બોલાવ્યો. અને છાજીયા લીધા. ઢોલ નગારા સાથે અર્ધનગ્ન હાલતમાં ડેપોમાં દેખાવ કર્યા. હડતાલને પગલે પાદરા શિડ્યુલની 44 બસો બંધ રહી. 96 ડ્રાઈવર અને 95 કંડકટર સહિત વર્કશોપના કર્મચારી હડતાલમાં જોડાયા છે. વડોદરા એસટી ડિવિઝન ના કર્મીઓ બીજા દિવસે પણ માસ સીએલ પર ઉતરી ગયા છે. જેને લઇ આજે બીજા દિવસે પણ વડોદરા એસટી ડેપો સૂમસામ બન્યું છે. અંદાજે 1836 કર્મચારીઓ આંદોલનને સફળ બનાવવા હડતાલમાં જોડાયા છે. વડોદરા ડિવિઝનમાં સાત ડેપોમાં 355 શિડયુલ અને 2400 ટ્રીપો રદ્દ થઈ છે. આજે બીજા દિવસે કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં દેખાવો કરીને સાતમા પગાર પંચનો અમલ કરવા માંગ કરી હતી છે. વડોદરાના 7 ડેપોની 1627 બસોના પૈડાં થંભી ગયા. પ્રથમ દિવસે જ હડતાળને પગલે વડોદરા એસટી ડેપોને અંદાજે ૪૫ લાખનું નુકશાન થયું છે. તો સાથે હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા છે.

જૂનાગઢમાં અર્ધનગ્ન થઈ દેખાવો

જૂનાગઢ એસ.ટી.ના કર્મચારીઓએ હડતાલના બીજા દિવસે અર્ધનગ્ન હાલતમાં દેખાવો યોજયા હતા. આ સાથે તેમણે વિજય રૂપાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. આંદોલનનો સુખદ અંત ન આવે તો પરિવાર સાથે આંદોલનમાં જોડાવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. અને જરૂર પડ્યે ખેડૂતોને પણ આંદોલનમાં જોડવાની જાહેરાત કરી હતી.

સુરત

સુરત એસ.વિભાગના કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત પડતર માંગણીઓ સાથે સુરત ડેપો પર ઉગ્ર દેખાવો કર્યા. કર્મચારીઓએ રૂપાણી સરકાર અને નાયબ પ્રધાન નીતિન પટેલ સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. તેમણે અર્ધ નિર્વસ્ત્ર થઈ સરકારની નીતિ સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. કર્મચારીઓની સાતમા પગારપંચ સહિત પડતર માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી અપાઈ છે. સાથે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે. સુરતમાં એસ.ટી.બસના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. ત્યારે એસ.ટી. ડેપો પર હડતાળમાં જોડાયેલા કર્મચારીઓએ મુંડન કરાવી સરકાર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. સરકારના ઉદાસીન વલણ સામે કર્મચારીઓએ મુંડન કરાવીને રોષ ઠાલવ્યો. સુરતમાં 45 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. અને 6 હજારથી વધુ એસ.ટી.બસના પૈડાં થંભી જતાં મુસાફરોને ભારે હાલાકીમાં પડી રહી છે.

મોડાસા

મોડાસા ST ના કર્મચારીઓ પોતાની માગ પૂરી કરાવવા આક્રમક મુડમાં છે. કર્મચારીઓએ અર્ધનગ્ન થઇને દેખાવો યોજયા હતા. આ સાથે તેમણે મુખ્યમંત્રી વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા અને પોતાની સમગ્ર માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ મુસાફરોને ખુબજ હાલાકી ભોગવવી પડી રહી છે.

અમદાવાદ

અમદાવાદમાં ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસે પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. એસટીના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં દેખાવ કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. કર્મચારીઓએ કહ્યું કે જો સરકાર દેવુ કરી રહી છે છતાં ધારાસભ્યોના પગાર વધે છે તો નિગમના કર્મચારીઓને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. મહત્વું છે કે સરકારે કહ્યું હતું કે નિગમ ખોટ કરી રહ્યું છે તેથી પગાર વધારાનો લાભ આપી ન શકાય. ત્યારે કર્મચારીઓ સરકાર સામે સવાલ ઉઠાવ્યા.

છોટાઉદેપુર

છોટાઉદેપુર એસ.ટી.સ્ટેશનમાં પ્રવેશ દ્વાર બંધ કરાતા વિવાદ ઉભો થયો છે. હડતાળીયા કર્મચારીઓએ એમપી રાજયની બસો ને બસ સ્ટેન્ડમા પ્રવેશ કરતી રોકવા રસ્તો બંઘ કરતા સમસ્યા સર્જાઇ હતી. મામલો વધુ બગડે તે પહેલા અધિક કલકેટર અને પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને સમજાવટ કરતા પ્રવેશ દ્વાર ખુલ્લા કરાયા હતા.

ભાવનગર

ભાવનગર એસ.ટી કર્મચારીઓની આજે બીજા દિવસની હડતાલ ઉગ્ર બની. કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં ડેપોમાં દેખાવ કર્યા. અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા. જો સરકાર માગ નહીં સંતોષે તો લોકસાની ચૂંટણીમાં જાકારો આપવાની ચીમકી ઉચ્ચારી.

અમરેલી

અમરેલી એસ.ટીના કર્મચારીઓએ હડતાળના બીજો દિવસે દેખાવો યોજયા હતા. કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે વિવિધ સુત્રોચારો કરી કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ મોરચો માંડયો છે. તેમણે પોતાની વિવિધ માંગણીઓ પુરી કરવા ઉગ્ર માંગ કરી હતી.

રાજકોટ

એસ.ટી. હડતાલનો મામલો ધીમે ધીમે ગરમાઇ રહ્યો છે. હડતાલના બીજા દિવસે રાજકોટ ના એ.ટી. કર્મચારીઓ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા બેસણાનું આયોજન કરાયુ હતુ. કર્મચારીઓએ આર.સી ફળદુ અને નિતિન પટેલના નામનું બેસણું રાખીને પોતાના વિરોધને પ્રદર્શિત કર્યો હતો. રાજકોટમા એસ.ટી. ની હડતાલ આજે બીજાદિવસે યથાવત રહ્યો છે. ગઈ કાલે કોઈ નિરાકરણ નહિ આવતા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ચાલ્યા ગયા છે. બે દિવસની હડતાલના કારણે એસ.ટી. નિગમને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે મુસાફરોની સમસ્યા પણ વધી રહી છે.

ભાવનગર

ભાવનગરમાં એસટીની હડતાળના પગલે 300 બસોના પૈડાં થંભી ગયા છે. એસટી કર્મચારીઓએ બસ સ્ટેન્ડમાં અર્ધનગ્ન બની વિરોધ કર્યો હતો. એક તરફ લગ્ન સિઝન હોવાથી હજારો મુસાફરો હેરાન પરેશન થઈ રહ્યા છે. તો બીજી તરફ ખાનગી વાહનચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જ્યાં 30 રૂપિયા ભાડું થતું હોય ત્યાં 50 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. તેમ છતા લોકો નાછૂટકે ખાનગી વાહનમાં જવા મજબુર બન્યા છે. ત્યારે મુસાફરોની ચિંતા છોડી એસટી કર્મચારીઓ પોતાની માંગો બનાવવામાં લાગ્યા છે. છેલ્લા બે દિવસથી ભાવનગરની ૩૦૦ જેટલી બસોના પૈડાં થંભી ગયા છે. ભાવનગર એસટી ડિવિઝનના ૨૮૦૦ કર્મચારીઓ દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલમાં જોડાયા અને તેઓ પોતાની ૧૩ માંગને લઈ અડગ અચલ રહ્યા છે. હડતાલના કારણે મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે.

અંબાજી

GSRTC કર્મચારીઓની હડતાળ બીજા દિવસે યથાવત રહી છે. હડતાળના કારણે અંબાજી માં આવતા યાત્રાળુઓ ફસાયા છે. વિધાર્થી સહિત લોકો ને મુસાફરીમાં તકલીફ પડી રહી છે જેના કારણે સરકાર ખાનગી બસોનો ઉપયોગ કરશે અને આ માટે તમામ જિલ્લાઓમાં કલેકટરને આદેશ અપાયા છે. બસ ટ્રાન્સપોર્ટેરો સાથે બેઠક કરી વ્યવસ્થા કરવા આદેશ સાથે તંત્રએ કાયદો અને વ્યવસ્થા સાચવવા પોલીસને નિર્દેશ આપ્યા છે.

નવસારી

નવસારીમાં એસટી કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી છે. એસટી ડેપો ખાતે કર્મચારીઓએ અર્ધ નગ્ન થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે તેમણે સરકાર સામે ઉગ્ર સુત્રોચાર સાથે સંગઠનાત્મક સૂત્રો પોકાર્યા હતા. સતત બીજા દિવસે જિલ્લાના લાખો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટણ

પાટણમાં પણ એસટીના કર્મચારીઓની હડતાળના કારણે અનેક એસટી બસના પૈડા થંભી ગયા. એસટીના કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ છે. હડતાળના કારણે અનેક રૂટને અસર પડી છે. અને અનેક મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાયા. કર્મચારીઓની હડતાળના કારણે અનેક લોકો રેલવેની મુસાફરી કરવા માટે મજબૂર બન્યા હતા.

જામનગર

તો આ તરફ જામનગરમાં પણ સતત બીજા દિવસે એસટીના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જામનગર ડિવિઝનમાં આશરે 1 હજાર 300 જેટલા કર્મચારીઓ સાતમાં પગાર પંચની માગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ સરકાર અમારી માગનો સ્વિકાર નહી કરે તો અર્ધનગ્ન થઈને દેખાવો કરવાની ચીમકી આપી છે. જામનગરમાં એસટીના કર્મચારીઓની હડતાળના પગલે 1 હજાર 250 જેટલા રૂટને અસર પડી છે. જેથી અનેક મુસાફરો અટવાયા છે.

મહિસાગર

મહિસાગરમાં પણ એસટી નિગમના કર્મચારીઓની હડતાળના કારણે અનેક મુસાફરો અટવાયા. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર રિઝનના કર્મચારીઓ હડતાલ પર છે. જેથી હડતાળના બીજા દિવસે 203 જેટલી એસ.ટી. બસોના પૈડાં થંભી ગયા. મહીસાગર જિલ્લાના 3 એસ.ટી. ડેપોની એક દિવસની અંદાજે 25 લાખ જેટલી આવકમાં ઘટાડો થયો છે. હડતાળના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ ગરીબ અને મધ્યમવર્ગના મુસાફરોને મુશ્કેલીમાં વધારો થયો છે.

કેશોદ

કેશોદ એસટી નિગમના કર્મચારીઓ પણ પોતાની પડતર માંગણીઓ પ્રત્યે અડગ રહીને હડતાલમાં જોડાયા છે. સરકાર તરફથી કોઈ સકારાત્મક વાત ન બનતાં કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં દેખાવો કર્યા. “હમારી માંગે પુરી કરો” તેવા નારાઓ લગાવીને દેખાવ કર્યા.. હડતાલને કારણે કેશોદમાં પણ હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા છે. અને સરકારે દરરોજની પાંચ લાખ જેટલી આવક ગુમાવવાનો વારો આવ્યો છે. મુસાફરો ખાનગી બસોમાં ઉંચા ભાડે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

અરવલ્લી

તો આ તરફ એસટીના કર્મચારીઓની હડતાળના કારણે અરવલ્લી જિલ્લામાં પણ એસટી બસના પૈડા પણ થંભી ગયા. અહીં હડતાળના પગલે 200 જેટલા રૂટને અસર પડી છે. એસટીની હડતાળના કારણે વિદ્યાર્થીઓ અને અંતરિયાળ ગામડામાંથી આવતા મુસાફરો અટવાયા. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની માગ છે કે, સરકાર સાતમુ પગાર પંચ લાગુ કરવામાં આવે.

સીએમ રૂપાણીની અપીલ

રાજ્યભરમાં એસટી કર્મચારીઓ અચોક્સ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેને કારણે હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા છે. સીએમ રૂપાણીએ લોકોને હાલાકી ન પડે તે માટે હડતાલ સમેટી લેવા અપીલ કરી છે. પરંતુ કર્મચારીઓ પગાર વધારા સહિતની માગોને લઈને અડગ છે. અમદાવાદના સૌથી મોટા એસટી સ્ટેશન ગીતા મંદિર અને રાણીપમાં હજારો મુસાફરો પરેશાન થતા જોવા મળ્યા. ના છૂટકે ખાનગી વાહનોમાં ઉંચા ભાડા આપીને જવા મજબૂર બન્યા છે.

READ ALSO

Related posts

સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકની મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

Nilesh Jethva

અમદાવાદની એલજી હોસ્પિટલમાં મારામારી, ટોળાએ કર્યો શંકાસ્પદ યુવક પર હુમલો

Nilesh Jethva

કાલે જો આવી સ્થિતિ બની તો અન્ય પક્ષો મોદીને ટેકો નહીં આપે… પણ પોતે PM પદના દાવેદાર બનશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!