કાશ્મીર અને હિમાચલમાં પ્રચંડ બરફ વર્ષા, જનજીવનને અસર, ઠંડીનું તીવ્ર મોજું યથાવત્

કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી બરફ વર્ષા થતાં શ્રીનગર- જમ્મુ હાઇવે બંધ કરાયો હતો. શ્રીનગરમાં ૫- ૬ મી.મી. બરફ વર્ષા થઈ હતી. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત્ રહ્યું હતું. દિલ્હીમાં કેટલીક ટ્રેનોની આવક ઉપર અસર પડી હતી. હિમાચલના ફુકરીમાં માઇનસ ૧.૧ ડિગ્રીતાપમાન સાથે તીવ્ર ઠંડી પડી હતી.

કાશ્મીરના પહાડી અને મેદાની વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા થઈ હતી. પહેલગામમાં ૧૧.૪ મી.મી. અને ગુલમર્ગમાં ૩.૪ મી.મી. બરફ પડયો હતો. મેદાની વિસ્તારોમાં હળવી બરફ વર્ષા થઈ હતી. બરફ વર્ષાને પગલે કાશ્મીરને દેશ સાથે જોડતો શ્રીનગર- જમ્મુ હાઇવે બંધ કરાવ્યો હતો. હવામાન સુધર્યા બાદ હાઇવે ચાલુ કરાશે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

બરફ વર્ષાને પગલે તાપમાનમાં ઘટાડો થતા તીવ્ર ઠંડી પડી હતી. શ્રીનગરમાં માઇનસ ૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કાઝીગુંડમાં માઇનસ ૧.૨, કુપવાડામાં માઇનસ ૦.૬, ગુલમર્ગમાં માઇનસ ૭.૫, લદ્દાખના લેહમાં માઇનસ ૯.૫ અને દ્રાસમાં માઇનસ ૧૫.૨ તાપમાન નોંધાયા હતા. કાશ્મીરમાં હાલ તીવ્ર ઠંડીની ‘ચિલાઈ કલાન’ ઋતુ ચાલે છે જે જાન્યુઆરીની ૩૧મીએ પૂરી થશે.

પંજાબ અને હરિયાણામાં તીવ્ર ઠંડી યથાવત્ રહી હતી. જો કે, કેટલાક વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં થોડો વધારો થયો હતો. પંજાબનું ગુરૂદાસપુર ૩.૯ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ બન્યુંહતું. અમૃતસર, લુધિયાણા અને પતિયાળામાં અનુક્રમે ૯.૨, ૭.૨ અને ૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. હરિયાણાના અંબાલામાં ૬.૨ ડિગ્રી તાપમાન સાથે તીવ્ર ઠંડી પડી હતી. લુધિયાણા, હિસાર અને અંબાલામાં ધુમ્મસને કારણે જનજીવન પર અસર પડી હતી.

પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો સામાન્ય કરતા ત્રણ ડિગ્રી નીચો ૪.૮ ડિગ્રી રહ્યો હતો અને તીવ્ર ઠંડી પડી હતી. મહત્તમ તાપમાન ૨૨.૩ ડિગ્રી નોંધાયું હતું. સવારમાં ધુમ્મસને કારણે ૧૧ ટ્રેન મોડી પડી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter