GSTV
Trending સ્પેશ્યિલ-26

વર્ષોથી એક જ પરિવારનો દબદબો ધરાવતી બેઠક, જ્યાં કોંગ્રેસ માટે જીતવું આસાન નથી

Madam family Jamnagar

વાત છે હાલાર પંથકની. આ બેઠક પર હંમેશા આહિર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આમ તો કોઇ બેઠક ભાજપ કે કોંગ્રેસની હોય તે રીતે ઓળખાય છે. પણ જામનગર લોકસભા બેઠક દાયકાઓથી એક જ પરિવારના દબદબાને કારણે અલગ ઓળખ ધરાવે છે. આ પરિવાર એટલે માડમ પરિવાર. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ અહી જંગ ભાજપ કોંગ્રેસ કરતા માડમ પરિવારના જ બે દિગ્ગજ વચ્ચે હતી. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સામે ભાજપે તેમના જ ભત્રીજી પૂનમ માડમને મેદાનમાં ઉતાર્યા. અને છેલ્લી 2 ટર્મથી ચૂંટાતા આવતા વિક્રમ માડમે મોદી લહેરને કારણે હારનો સામનો કરવો પડ્યો. ત્યારે જામનગરમાં જાતિગત સમીકરણોનો કેવો પ્રભાવ છે આવો જોઇએ.

બ્રાસપાર્ટ અને બાંધણીના ઉદ્યોગ માટે જગવિખ્યાત એવા જામનગરની રાજકીય તાસીર જ કંઇક અલગ છે. આહિર સમાજનું જબરદસ્ત પ્રભુત્વ ધરાવતી જામનગર લોકસભા બેઠકના મતદાતાઓનું વલણ પહેલેથી જ કોંગ્રેસ તરફી રહ્યું છે. તેમાં પણ છેલ્લા કેટલાક દાયકાઓથી માડમ પરિવારનો અહીં દબદબો છવાયેલો છે. પરિણામે જામનગર બેઠક અને માડમ પરિવાર એકબીજાના પર્યાય બની ગયા છે તેમ કહીએ તો પણ ખોટું નથી.

જામનગર લોકસભા બેઠકો પર કુલ 14 લાખ 70 હજાર 952 મતદારો છે. અને જામનગરમાં આહિર સમાજની વસ્તી 6 થી 7 ટકા છે. હાલમાં આ બેઠક પર ભાજપના પૂનમ માડમ સાંસદ છે. પૂનમ માડમના પિતા હેમંતભાઇ માડમ 1972 થી લઇને 1990 સુધી 4 વખત અપક્ષ ઉમેદવારી કરી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તો તેમના દાદા રામભાઇ આહિર પણ ખૂબ જ જાણીતા અગ્રણી હતા. આથી જ એમ કહી શકાય કે જામનગર બેઠક પર માડમ પરિવારનું રાજકીય પ્રભુત્વ પ્રબળ છે.

વર્ષ 2004 અને 2009 એમ સતત બે ટર્મમાં કોંગ્રેસના વિક્રમ માડમ પાતળી સરસાઇથી વિજયી બન્યા હતા. પરંતુ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને માત આપવા વિક્રમ માડમના ભત્રીજી પૂનમ માડમને મેદાનમાં ઉતાર્યા. પરિણામે પારિવારિક મતો તૂટ્યા. મોદી લહેરને કારણે પૂનમ માડમે વિક્રમ માડમને 1 લાખ 75 હજાર જેટલી જંગી લીડથી હરાવ્યા. 2019ની ચૂંટણીમાં જામનગર બેઠક જાળવી રાખવી એ ભાજપ માટે પડકાર છે. બીજી તરફ કોંગ્રેસે પણ ફરી એક વખત તેની પરંપરાગત બેઠક પર કબ્જો જમાવવા કમર કસી છે.

2014માં મોદી લહેરને કારણે ભલે જામનગરની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળ થઇ હોય. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપની સરસાઇમાં ઘણો ઘટાડો થયો છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસે ભાજપને ભારે પછડાટ આપી. જામનગર બેઠક પર આહીર સમાજનું વર્ચસ્વ હોવાથી ભાજપ અને કોંગ્રેસને જો આ બેઠક પર જીત મેળવવી હોય તો જ્ઞાતિ-જાતિના સમીકરણો યોગ્ય રીતે ઉકેલવા પડશે.જામનગર બેઠક પર જ્ઞાતિ-જાતિના સમીકરણોનો ખૂબ જ પ્રભાવ રહ્યો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 1 લાખ 75 હજાર જેટલા મતોની જંગી સરસાઇ મળી હતી. પરંતુ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં ગુજરાતના રાજકીય સમીકરણો સંપૂર્ણ બદલાઇ ગયા.

2017ની ચૂંટણીમાં જામનગર લોકસભા બેઠક પર ભાજપની સરસાઇ ઘણી ઘટી ગઇ. જામનગરના કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામજોધપુર અને ખંભાળિયા વિસ્તારમાં ભાજપના મત કોંગ્રેસ તરફ વળ્યા. અને આ તમામ બેઠકો પર કોંગ્રેસે ફતેહ મેળવી. જો કે જામનગર ઉત્તરના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા આ વિસ્તારના મતદાર કોંગ્રેસમાંથી ભાજપ તરફ વળ્યા અને ભાજપની જીત થઇ. ભાજપને જામનગર બેઠક ગુમાવવી કોઇ કાળે પોસાય તેમ નથી.  કેમકે જામનગર બેઠક દાયકાઓથી કોંગ્રેસનો ગઢ છે. 1989થી 1999 એમ સળગં 5 ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલે જીત મેળવી હતી. એ સિવાય અહીં મોટા ભાગે કોંગ્રેસના ઉમેદવારો જ વિજયી બનતા આવ્યા છે.

READ ALSO

Related posts

નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં

Hina Vaja

કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો

Siddhi Sheth

પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ

Drashti Joshi
GSTV