મારી કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાં હતો, ત્યારે જ મને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો

વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની નિર્ણાયક એવી સેમિ ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ટીમની સૌથી અનુભવી અને ઈન ફોર્મ બેટ્સમેન મિતાલી રાજને પ્લેઈંગ ઈલેવનમાં સમાવી નહતી. આ પછી ભારત હારીને બહાર ફેંકાઈ જતાં હરમનપ્રીતના નિર્ણય સામે સવાલ ઉઠયા હતા. મિતાલી રાજ તરફ સહાનુભૂતિ વ્યક્ત કરતાં ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું હતુ કે, મારી સાથે પણ આવું જ થયું હતુ. જ્યારે હું મારી કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાં હતો, ત્યારે જ મને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. 

મિતાલીએ પાકિસ્તાન અને આયર્લેન્ડ સામેની સતત બે ટી-૨૦માં અડધી સદીઓ ફટકારીને ભારતની જીતમાં પાયાની ભૂમિકા ભજવી હતી. જોકે તેને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની આખરી લીગ મેચમાં ફિટનેસનું કારણ આપીને બહાર બેસાડી દેવાઈ હતી. જે પછી ઈંગ્લેન્ડ સામેની સેમિ ફાઇનલમાં પણ તેને ન રમાડતાં હરમનપ્રીત અને મિતાલી વચ્ચેનો આંતરિક ટકરાવ જાહેર થયો હતો. હરમનપ્રીતે જાહેરમાં કહ્યું હતુ કે, ટીમના હિતમાં મિતાલીને પડતી મૂકવાનો નિર્ણય લીધો હતો, તેનો મને રંજ નથી. 

ગાંગુલીએ આ અંગે કોમેન્ટ કરતાં કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળ્યા બાદ મને પણ ડ્રેસિંગરૃમની બહાર આવેલા ડગ આઉટમાં બસાડી દેવાયો હતો. જ્યારે મેં મિતાલીને પણ આવી જ સ્થિતિમાં જોઈ ત્યારે કહ્યું કે, ‘અનોખા ગૂ્રપમાં તારૃ સ્વાગત છે.’

ભારતના ૪૬ વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, કેપ્ટન્સને જ્યારે બેસી જવાનું કહેવામાં આવે ત્યારે તેમણે બેસી જવું જોઈએ. મેં (૨૦૦૬ની પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ) ફરીદાબાદ ટેસ્ટમાં આવી સ્થિતિનો સામનો કર્યો હતો. હું વન ડે ક્રિકેટમાં જ્યારે સંભવતઃ બેસ્ટ પર્ફોર્મર હતો, ત્યારે મને ૧૫ મહિના સુધી રમાડવામાં નહતો આવ્યો. જોકે મિતાલીની કારકિર્દીનો આ અંત નથી. 

ધોનીને ગર્વભેર વિદાયની તક આપો

ગાંગુલીએ એવી પણ કોમેન્ટ કરી હતી કે, ધોનીના કાંડામાં હજુ છગ્ગા ફટકારવાની તાકાત છે, ત્યારે તેને ગૌરવભેર નિવૃત્તિની તક આપવી જોઈએ. તે ચેમ્પિયન પ્લેયર છે. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યા બાદ ૧૨-૧૩ વર્ષની તેની કારકિર્દી જબરજસ્ત રહી છે. ટોપ લેવલ પર જો સાતત્યભર્યો દેખાવ ન કરો તો અન્ય કોઈ તમારૃ સ્થાન લેવા તૈયાર જ હોય છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter